Narmada

એકતાનગરથી વડોદરા વચ્ચે દોડી હેરિટેજ સ્પેશિયલ ટ્રેન, રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહના અતિથિઓને ઐતિહાસિક વારસાથી પરિચિત કરાવાયા

By GS Team
23 Sep 20262 mins read
TukuTouch Logo
કેવડિયા ખાતે 72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહમાં આવેલા કલાકારો અને મહેમાનો માટે પશ્ચિમ રેલવેના વડોદરા મંડળે વિશેષ 'હેરિટેજ સ્પેશિયલ ટ્રેન' દોડાવી. એકતાનગરથી વડોદરા વચ્ચે રાત્રે 9:00 વાગ્યે ઉપડેલી આ ટ્રેન ભારતીય રેલવેના સમૃદ્ધ વારસાનો પરિચય કરાવે છે. આધુનિક ઇલેક્ટ્રિક હોવા છતાં સ્ટીમ એન્જિન જેવી અનુભૂતિ સાથે 6 કોચ અને 4 વિસ્ટાડોમ કોચ મુસાફરીને યાદગાર બનાવે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

એકતાનગરથી વડોદરા વચ્ચે દોડી હેરિટેજ સ્પેશિયલ ટ્રેન, રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહના અતિથિઓને ઐતિહાસિક વારસાથી પરિચિત કરાવાયા

Ekta Nagar-Vadodara Heritage Special Train: કેવડિયા ખાતે આયોજિત 72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહમાં દેશભરમાંથી ઉપસ્થિત રહેલા રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતાઓ, ફિલ્મ જગતના દિગ્ગજ કલાકારો અને વિશિષ્ટ આમંત્રિત મહેમાનો માટે પશ્ચિમ રેલવેના વડોદરા મંડળ દ્વારા અનોખી પહેલ કરવામાં આવી હતી. સમારોહમાં આવેલા અતિથિઓને આરામદાયક મુસાફરી પૂરી પાડવા તેમજ ભારતીય રેલવેના સમૃદ્ધ ઐતિહાસિક વારસાથી પરિચિત કરાવવા માટે એકતાનગર સ્ટેશનથી વડોદરા વચ્ચે વિશેષ ‘હેરિટેજ સ્પેશિયલ ટ્રેન’ દોડાવવામાં આવી હતી.

આ સ્પેશિયલ ટ્રેન રાતે 9:00 વાગ્યે એકતાનગર સ્ટેશનથી રવાના થઈ હતી. રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર જેવા ગૌરવશાળી મંચ અને ભારતીય રેલવેની ઐતિહાસિક વિરાસત વચ્ચેનો આ અનોખો સમન્વય મહેમાનો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.

આધુનિક ટેકનોલોજી વચ્ચે જૂના જમાનાના સ્ટીમ એન્જિનની અનુભૂતિ

હેરિટેજ સ્પેશિયલ ટ્રેન ભારતીય રેલવેના વારસા, પ્રવાસન અને આધુનિક ટેકનોલોજીનો ઉત્કૃષ્ટ નમૂનો છે:

•સ્ટીમ એન્જિન લૂક અને સાઉન્ડ: ટ્રેન સંપૂર્ણપણે આધુનિક ઇલેક્ટ્રિક પ્રણાલીથી સંચાલિત હોવા છતાં, તેમાં ખાસ વરાળ (ભાપ), ધુમાડો અને પરંપરાગત વ્હિસલ/હોર્નની વ્યવસ્થા કરવામાં આવી છે, જે મુસાફરોને ઐતિહાસિક સ્ટીમ એન્જિનના સુવર્ણ યુગનો જીવંત અહેસાસ કરાવે છે.
•આધુનિક કોચ અને સુવિધાઓ: ટ્રેનમાં 6 કોચ સામેલ છે. મુસાફરોની સગવડ માટે અત્યાધુનિક વ્યવસ્થા, પેન્ટ્રી સુવિધા તેમજ સુંદર સેલ્ફી પોઇન્ટ પણ ઉપલબ્ધ છે, જે મુસાફરીને આરામદાયક અને યાદગાર બનાવે છે.
•ડાઇનિંગ કાર અને વિસ્ટાડોમ: ટ્રેનમાં 4 એસી વિસ્ટાડોમ પ્રકારના કોચ સામેલ છે, જેમાં 3 એર-કંડિશન્ડ એક્ઝિક્યુટિવ ચેર કાર અને 1 આકર્ષક રેસ્ટોરન્ટ/ડાઇનિંગ કારની સુવિધા છે.

2023માં થઈ હતી શરૂઆત

દેશના પ્રવાસનને પ્રોત્સાહન આપવા અને રેલવેના ભવ્ય વારસાને ઉજાગર કરવાના હેતુથી વર્ષ 2023માં અમદાવાદથી એકતાનગર વચ્ચે આ સ્ટીમ હેરિટેજ સ્પેશિયલ ટ્રેનની શરૂઆત કરાવવામાં આવી હતી.

પ્રવાસીઓ માટે નિયમિત ટાઈમટેબલ

આ હેરિટેજ ટ્રેન સામાન્ય પ્રવાસીઓ માટે દર શનિવાર અને રવિવારે નિયમિતપણે સંચાલિત થાય છે.

•ટ્રેન નં. 09409 (અમદાવાદ - એકતાનગર): દર શનિ-રવિવારે સવારે 6:10 વાગ્યે અમદાવાદથી ઊપડીને 9:50 વાગ્યે એકતાનગર પહોંચે છે.
•ટ્રેન નં. 09410 (એકતાનગર - અમદાવાદ): દર શનિ-રવિવારે રાત્રે 8:35 વાગ્યે એકતાનગરથી ઊપડીને મધ્યરાત્રિએ 00:05 વાગ્યે અમદાવાદ પહોંચે છે.
•આ ટ્રેન બંને દિશાઓમાં વડોદરા સ્ટેશન પર સ્ટોપેજ ધરાવે છે.