'ગુજરાતમાં હવે દીકરીઓ પણ બિયર-ઈ સિગારેટ પીવે છે...’: નર્મદામાં ભાજપ સાંસદનું નિવેદન, ચૈતર વસાવા મુદ્દે આપી ખુલ્લી ચેલેન્જ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

BJP MP on E-Cigarettes: નર્મદા જિલ્લાને વિકસિત બનાવવાના આશય સાથે શરૂ કરાયેલી ‘નર્મદા આદર્શ ગામ વિકાસ સમિતિ’ના એક બિન-રાજકીય મંચ પરથી ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ યુવાધનના વ્યસન, શિક્ષણ અને રાજકારણ પર ખુલ્લેઆમ પ્રહારો કર્યા છે. આ કાર્યક્રમમાં ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખ પણ ઉપસ્થિત રહ્યા હતા.
મનસુખ વસાવાએ સભામાં યુવાનોમાં વધતા જતા નશાના ચલણ પર અત્યંત ચિંતાજનક અને ચોંકાવનારા નિવેદનો આપતા દાવો કર્યો કે-
હવે માત્ર છોકરા જ નહીં, ગુજરાતમાં દીકરીઓ પણ બિયર અને ઇ-સિગારેટ પીવા લાગી છે. કોલેજમાં જનારી દીકરીઓ જન્મદિવસની પાર્ટીઓમાં બિયર પીવે છે. આપણે સ્ટાર બેન્ડ લાવીને લોકોને દારૂ નથી પીવડાવવાનો, અમારે દીકરા-દીકરીઓને આગળ લાવવાના છે. સ્ટાર બેન્ડમાં 'અબબબબ' કરવામાં વસાવા અને રાઠવા સમાજના યુવાનો પાછળ રહી જાય છે.
SOU (સ્ટેચ્યુ ઓફ યુનિટી)માં કેમ નથી મળતી નોકરી?:
સાંસદે કડવું સત્ય સ્વીકારતા કહ્યું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં મુખ્ય હોદ્દાઓ પર સ્થાનિક આદિવાસી યુવાનો કેમ નથી? કારણ કે આદિવાસી વિદ્યાર્થીઓએ એ પ્રકારનું ઉચ્ચ શિક્ષણ જ નથી લીધું, જેના કારણે નર્મદા જિલ્લાનો યુવાન પાછળ રહી જાય છે. યુવાનોને મોબાઈલ આપીને તેમનું જીવન બગાડવાને બદલે તેમનામાં રહેલી શક્તિને બહાર લાવવી પડશે. જો નર્મદા જિલ્લાને 2047 માં વિકસિત ભારતનો ભાગ બનાવવો હશે તો શિક્ષણ પર જ ભાર મૂકવો પડશે.
ધારાસભ્ય ડૉ. દર્શનાબેનને સાંસદે પૂછ્યો રમૂજી પ્રશ્ન!
વ્યસનની વાત ચાલતી હતી ત્યારે મનસુખ વસાવાએ મંચ પરથી જ ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખને રમૂજમાં પૂછ્યું હતું કે, 'બેન, તમે ભણતા હતા તે સમયે કોઈ દિવસ ગુટખા ખાધા છે?' તેમણે યુવાનોને ઇંગ્લિશ બોટલ (દારૂ) અને ગુટખા છોડવા સલાહ આપી હતી.
કેમ ભાજપના બેનર વગર કરી મિટિંગ?
પાર્ટીના બેનર વગર આ કાર્યક્રમ કરવા પાછળનું કારણ આપતા તેમણે જણાવ્યું કે-
આ એક બિન-રાજકીય સંગઠન છે. પાર્ટીના સત્તાવાર કાર્યક્રમોમાં દારૂ અને જુગાર જેવા સામાજિક દૂષણો સામે ખુલ્લેઆમ બોલી શકાતું નથી, એટલા માટે જ આ સંગઠન બનાવ્યું છે જેથી ખુલ્લું બોલી શકાય. જિલ્લામાં જેઓ દારૂ-જુગારના અડ્ડા ચલાવે છે, તેવા લોકો જ આ કાર્યક્રમમાં નથી આવ્યા. ગરીબોની યોજનાઓ પોતાના નામે ચડાવનારા કાર્યકરોને મનસુખ વસાવા ક્યારેય સાંખી નહીં લે.
ચૈતર વસાવા મુદ્દે આપી ખુલ્લી ચેલેન્જ: 'હું જાહેર જીવન છોડી દઈશ'
આમ આદમી પાર્ટીના નેતા ચૈતર વસાવા પર થયેલી કાયદાકીય કાર્યવાહી અંગે ભાજપ પર લાગતા આરોપોનો જવાબ આપતા મનસુખ વસાવાએ આક્રમક વલણ અપનાવ્યું હતું. તેમણે કહ્યું કે, 'ચૈતર વસાવા સાથે જે કંઈ પણ થયું છે, તેમાં ભાજપ પાર્ટીને કોઈ લેવા-દેવા નથી. કોઈના પર ખોટા કેસ કરવાનો સરકારનો કોઈ ઈરાદો નથી, આ કોર્ટનું જજમેન્ટ છે. જો કોઈ એવું સાબિત કરી આપે કે ભાજપ કે સરકારે ખોટી ફરિયાદ કરાવી છે, તો હું આજે જ જાહેર જીવન છોડી દઈશ.'
તેમણે છેલ્લે જણાવ્યું કે દારૂ-જુગારના અડ્ડાવાળા સામે તેઓ છેલ્લા 30 વર્ષથી લડી રહ્યા છે અને આ લડાઈમાં તેમના પર હુમલા પણ થઈ ચૂક્યા છે, પરંતુ તેઓ ડરવાના નથી અને નર્મદાના યુવાનોને આગળ લાવીને જ રહેશે.









