'સાચો સ્ટાર માત્ર પ્રકાશ ફેલાવે, અંધકાર નહીં, કલાકાર દારૂ-તમાકુના પ્રચારથી દૂર રહે' : રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

72nd National Film Awards: રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ મંગળવારે લોકપ્રિય ફિલ્મ કલાકારોને લોકોના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડતી ચીજવસ્તુઓનો પ્રચાર નહીં કરવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે સફળ કલાકારો જ્યારે શિસ્તબધ્ધ જીવનશૈલીના ફાયદા વિશે વાત કરે છે, ત્યારે લાખો બાળકો અને યુવાનો તેમનું અનુકરણ કરે છે. તેમણે કહ્યું હતું કે, 'સાચો સ્ટાર એ છે, જે પ્રકાશ ફેલાવે છે, અંધકાર નહીં.'
હાનિકારક ઉત્પાદનોના પ્રચારથી દૂર રહેવા અપીલ
સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક એકતા નગર ખાતે યોજાયેલા વર્ષ 2024ના 72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહમાં રાષ્ટ્રપતિએ વિવિધ શ્રેણીઓમાં વિજેતાઓને પુરસ્કાર એનાયત કર્યા હતા. આ સમારોહમાં ફિલ્મ ઉદ્યોગની અનેક જાણીતી હસ્તીઓ ઉપસ્થિત રહી હતી. રાષ્ટ્રપતિ મૂર્મુએ જણાવ્યું હતું કે, 'સફળ કલાકારો જ્યારે શિસ્તબધ્ધ જીવનશૈલી અપનાવવાના ફાયદા વિશે વાત કરે છે, ત્યારે લાખો બાળકો અને યુવાનો તેમાંથી પ્રેરણા લે છે.' તેમણે લોકપ્રિય કલાકારોને આરોગ્ય માટે હાનિકારક ઉત્પાદનોનો પ્રચાર નહીં કરવાની અપીલ કરતાં કહ્યું હતું કે, 'કલાકારોના શબ્દો અને વર્તનની ખાસ કરીને યુવાનોના મન પર ઊંડી અસર પડે છે. ફિલ્મ કલાકારો સર્જનાત્મક અર્થતંત્રના મહત્ત્વપૂર્ણ પ્રતિનિધિઓ છે અને અત્યંત લોકપ્રિય કલાકારો પાસે નાગરિકો, ખાસ કરીને યુવાનોને પ્રભાવિત કરવાની અપાર ક્ષમતા છે.'
રાષ્ટ્રપતિ મૂર્મુએ રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર માટે ફિલ્મોની પસંદગી કરતા નિર્ણાયક મંડળોમાં મહિલાઓની વધુ ભાગીદારી સુનિશ્ચિત કરવા પણ ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે દરેક પ્રાદેશિક નિર્ણાયક મંડળમાં મહિલાઓની ભાગીદારી હોવી જોઈએ. સમારોહમાં અનેક મહિલાઓને પુરસ્કાર મળ્યા હોવાનો ઉલ્લેખ કરતાં તેમણે મહિલાઓને નિર્ણાયક મંડળોમાં પણ યોગ્ય પ્રતિનિધિત્વ આપવાની વાત કરી હતી. તેમણે જણાવ્યુ હતું કે કોઈપણ ક્ષેત્રમાં મહિલાઓનો દ્રષ્ટિકોણ સામેલ કરવાથી સમગ્ર માનવતાવાદી અને સર્વગ્રાહી વિચારસરણી વિકસાવવામાં મદદ મળે છે.
જાણીતા કલાકારોને વિવિધ પુરસ્કાર
વર્ષ 2024ના 72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારમાં કન્નડ ફિલ્મ જગતના વરિષ્ઠ અભિનેતા અનંત નાગને પ્રતિષ્ઠિત દાદાસાહેબ ફાળકે પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. આ પુરસ્કાર ભારતીય સિનેમાનો સર્વોચ્ચ સન્માન ગણાય છે. આ ઉપરાંત યામી ગૌતમ, મમૂટી અને કાર્તિક આર્યનને શ્રેષ્ઠ અભિનેતા તથા અભિનેત્રીની શ્રેણીમાં પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા. આદિત્ય સુહાસ જાંભલેના દિગ્દર્શન હેઠળ બનેલી હિન્દી ફીચર ફિલ્મ 'આર્ટિકલ 370'ને શ્રેષ્ઠ ફીચર ફિલ્મનો પુરસ્કાર મળ્યો હતો.
ભારતીય ફિલ્મો વિશ્વસ્તરીય માપદંડ સ્થાપશે : મૂર્મુ
રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ દેશમાં બની રહેલી ફિલ્મોની ગુણવત્તાની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, દેશમાં બની રહેલી ગુણવત્તાસભર ફિલ્મો વિશે જાણવાથી તેમનો વિશ્વાસ વધુ મજબૂત થયો છે કે ભારતીય ફિલ્મો ગુણવત્તાને ક્ષેત્રમાં વિશ્વસ્તરીય માપદંડ સ્થાપિત કરશે. તેમણે ફિલ્મ ઉદ્યોગ અને તમામ કલાકારોને સુવર્ણ ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવી હતી.




