Mumbai

શિર્ડી સાઈ મંદિરના ગેટ પાસે જ મહિલાની અન્ય મહિલાઓ દ્વારા હત્યા

By GS Team
22 Jul 20262 mins read
TukuTouch Logo
શિરડીમાં સાઈબાબા મંદિર પાસે ફળ વેચવાના વિવાદમાં 30 વર્ષીય જયશ્રી ક્ષીરસાગરની ચાકુ મારી હત્યા કરાઈ. ભીડભાડવાળા વિસ્તારમાં આ ઘટનાથી સુરક્ષા સામે પ્રશ્નાર્થ સર્જાયો. પોલીસે 2 મહિલા, અંજલી અને ફિઝા પટેલની ધરપકડ કરી છે, જ્યારે અન્ય આરોપીઓની શોધખોળ ચાલુ છે. આ ઘટનાએ સ્થાનિકો અને ભક્તોમાં ચિંતા જગાવી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

શિર્ડી સાઈ મંદિરના ગેટ પાસે જ મહિલાની અન્ય મહિલાઓ દ્વારા હત્યા

ફળ વેચતી યુવતીને મહિલાઓએ ચાકુના અનેક ઘા માર્યા

લાખો ભક્તોની અવરજવરથી ધમધમતા વિસ્તારમાં મંદિર પાસેજ લોહીનાં ખાબોચિયાં ઃ સુરક્ષા વ્યવસ્થા સામે પ્રશ્નાર્થ

મુંબઈ -   શિરડીમાં સાઈ બાબા મંદિરના પ્રવેશદ્વાર નંબર ચારની સામે ભીડભાડવાળા વિસ્તારમાં ફળ વેચવા માટે જમીનના વિવાદમાં એક મહિલા ફળ વિક્રેતાની અન્ય મહિલાઓએ ચાકુથી હત્યા કરી  હોવાની ચોંકાવનારી ઘટના બની છે.  શિરડી પોલીસે આ કેસમાં બે મહિલાઓની ધરપકડ કરી છે અને અન્ય મહિલાઓની શોધખોળ ચાલુ છે.આ ઘટનાને કારણે વિસ્તારમાં  અરાજકતાનો માહોલ સર્જાયો હતો.

    મૃતક મહિલાની ઓળખ જયશ્રી સાંઈનાથ ક્ષીરસાગર (૩૦) તરીકે થઈ છે. તે સાંઈ મંદિર વિસ્તારમાં કાકડી,કેરી અને અન્ય ફળો વેચીને ગુજરાન ચલાવતી હતી. જ્યારે શંકાસ્પદ અંજલી (૨૦) આ વિસ્તારમાં ફરતી હતી અને ફોટા વેચતી હતી.મંદિર વિસ્તારમાં રવિવારે રાત્રે ભક્તોની ભારે  ભીડ હતી. ત્યારે ફળ વેચવા માટે  જગ્યા અંગે તેમનો વિવાદ થયો હતો. ચારથી પાંચ મહિલાઓના જૂથે તેની સાથે દલીલ કરી હતી. અંજલીના કહેવાથી  તેની બહેનપણી  ફિઝા ઉર્ફે નોઝિયા પટેલે  જયશ્રી સાથે ઝઘડો કર્યો હતો.

 બાદમાં મામલો વધુ બિચકતા આરોપી મહિલાઓએ જયશ્રી ક્ષીરસાગર પર વારંવાર ચાકુથી હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઘાયલ જયશ્રીને સ્થાનિક નાગરિકોએ તાત્કાલિક સાંઈ સંસ્થાન હોસ્પિટલમાં દાખલ કરી હતી. જોકે  સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.

 આ બનાવની  માહિતી મળતા જ શિરડી પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે પંચનામા બાદ હત્યાનો ગુનો નોંધ્યો છે અને અંજલી અને ફીજા પટેલની ધરપકડ કરી છે. પોલીસે માહિતી આપી હતી કે ગુનામાં સામેલ અન્ય મહિલાઓની શોધ ચાલી રહી છે.

 લાખો ભક્તો માટે પૂજા સ્થળ એવા સાંઈ મંદિરના મુખ્ય પ્રવેશદ્વાર પાસે ભીડભાડવાળા વિસ્તારમાં થયેલી આ હત્યાએ ફરી એકવાર મંદિર વિસ્તારમાં સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો છે. વિક્રેતાઓ વચ્ચેનો નાનો વિવાદ એટલી હદે વધી ગયો છે કે તે હત્યામાં ફેરવાઈ ગયો હતો. જેના કારણે સ્થાનિક વેપારીઓ અને ભક્તોમાં ચિંતાનું વાતાવરણ સર્જાયું છે.