રસ્તાના ખાડાને લીધે રિક્ષા હૉસ્પિટલે પહોંચે તે પહેલાં જ મહિલાની પ્રસૂતિ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ભિવંડીના રસ્તાઓની દયનીય અને જોખમી સ્થિતિ
સદ્દભાગ્યે માતા અને બાળક બંને સુખરુપ પરંતુ રસ્તાના થયેલાં કાર્યોની પોલ ખૂલી
મુંબઈ - ભિવંડીમાં ખાડાઓથી ભરાયેલા રસ્તાઓને કારણે પ્રસૂતિ માટે હૉસ્પિટલ લઈ જવામાં આવી રહેલી ગર્ભવતી મહિલાને સમયસર સારવાર મળી શકી નહોતી અને અંતે રસ્તામાં જ રિક્ષામાં બાળકનો જન્મ થયો હતો. જેને કારણે રસ્તા પર પડેલાં ખાડા અને તેના પરની પ્રશાસનની બેદરકારીનો મુદ્દો ફરી ઉપસ્થિત થયો છે.
ભિવંડીના અજમેરનગર વિસ્તારમાં રહેતી વર્ષા કમલેશ યાદવને પ્રસૂતિની પીડા શરૃ થતાં પરિવારજનો તેમને તાત્કાલિક રિક્ષામાં ભિવંડી ઉપજિલ્લા હોસ્પિટલ લઈ જઈ રહ્યાં હતાં. પરંતુ રસ્તા પરના મોટા ખાડાઓને કારણે રિક્ષાની ગતિ ધીમી પડી અને હોસ્પિટલ પહોંચતા પહેલાં જ કલ્યાણ નાકા વિસ્તારમાં રિક્ષામાં જ પ્રસૂતિ થઈ ગઈ.
અહેવાલ મુજબ સામાન્ય રીતે પાંચથી દસ મિનિટમાં પૂર્ણ થતો પ્રવાસ ખાડાઓને કારણે લગભગ અડધો કલાકથી પોણો કલાક જેટલો લંબાયો હતો. દરેક ખાડા સાથે મહિલાની પીડા વધી રહી હતી અને રિક્ષાચાલક માટે ખાડાઓને લીધે વાહનની ગતિ વધારવી શક્ય નહોતી. અંતે વર્ષા યાદવે રિક્ષામાં જ પુત્રને જન્મ આપ્યો. ત્યારબાદ માતા અને નવજાત બાળકને તરત જ ભિવંડી ઉપજિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, જ્યાં બંનેની સ્થિતિ સલામત હોવાનું ડૉક્ટરોએ જણાવ્યું.
આ ઘટનાએ ભિવંડીના ખાડામય રસ્તાઓ અને માર્ગોેની દયનીય સ્થિતિ ફરી એકવાર ઉજાગર કરી છે. સ્થાનિક નાગરિકો અને પરિવારજનોએ જણાવ્યું કે સદભાગ્યે માતા અને બાળક બંને સુરક્ષિત છે, પરંતુ આવી પરિસ્થિતિમાં વધુ ગંભીર અકસ્માત કે જાનહાનિ પણ થઈ શકી હોત. તેમણે રસ્તાઓેનું તાત્કાલિક સમારકામ કરીને ભિવંડીને ખાડામુક્ત બનાવવાની માંગ કરી છે, જેથી આવી ઘટના ફરી ન બને.




