Mumbai

લોકલ ટ્રેનમાં મોડી રાતે મહિલાએ બાળકીને જન્મ આપ્યો

By GS Team
13 Jan 20261 min read
લોકલ ટ્રેનમાં મોડી રાતે મહિલાએ બાળકીને જન્મ આપ્યો

અંબરનાથ જતી ટ્રેનમાં કિલકારી ગૂંજી 

ચાલુ ટ્રેને પીડા ઉપડી, મહિલા આરપીએફએ કોચ ખાલી કરાવી  ડિલિવરી કરાવી

મુંબઇ -  મુંબઇની સબર્બન ટ્રેનમાં રાતના સમયે પણ ચિક્કાર ભીડ હોય છે. કલ્યાણથી અંબરનાથની દિશામાં જતી ટ્રેનના એક કમ્પાર્ટમેન્ટમાં આવી જ ભીડ વચ્ચે સગર્ભાને પ્રસૂતિ પીડા ઉપડી હતી.

 ટ્રેન  અંબરનાથ પહોંચતાની સાથે જ આરપીએફની મહિલા સબ-ઇન્સ્પેક્ટર સોનાલી નંદેશ્વરે મોરચો સંભાળી લીધો હતો. ફટાફટ ડબ્બો ખાલી કરાવીને મહિલાને સુખરૃપ ડિલીવરી કરાવી હતી. મહિલાએ બાળકીને જન્મ આપ્યો અને તેનાં રડવાનો અવાજ સંભળાવ્યો ત્યારે સહુના ચહેરા પર આનંદ છવાઇ ગયો હતો.

ગઇ રાત્રે ૨૩ વર્ષની સગર્ભા કલ્યાણથી અંબરનાથ જવા માટે લોકલના જનરલ ડબ્બામાં ચડી હતી. થોડી જ ક્ષણોમાં તેને અસહ્ય વેદના ઉપડી હતી. આસપાસના પેસેન્જરો શું કરવું તેની વિમાસણમાં મૂકાઇ ગયા હતા. એટલી વારમાં ટ્રેન અંબરનાથ પહોંચતા દરવાજા પાસે ઉભેલા પેસેન્જરોએ આરપીએફવાળાને બૂમાબૂમ કરી બોલાવ્યા હતા. સૌથી પહેલા મહિલા સબ-ઇન્સ્પેક્ટર સોનાલા નંદેશ્વર દોડી ગઇ હતી. તેણે બધા જ પેસેન્જરોને નીચે ઉતાર્યા હતા. એટલી વારમાં કોઇ બે-ત્રણ  ચાદર લઇ આવ્યું એના પડદા બનાવી મેકશિફ્ટ લેબરરૃમ રચી દીધો હતો. ત્યાર બાદ મહિલાએ બાળકીને જન્મ આપ્યો હતો. તરત જ માતા અને બાળકીને એમ્બ્યુલન્સમાં અંબરનાથની  સાર્વજનિક હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા.