દિશા સાલિયાન કેસમાં ગુનો દાખલ કેમ ન કર્યોઃ હાઈકોર્ટનો પોલીસને સવાલ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

દિશાના પિતાને દસ્તાવેજો ન આપતાં પોલીસને ઠપકો
૧૪મા માળેથી પટકાવા છતાં પણ ઈજાના નિશાન નહિ હોવાના પીએમ રિપોર્ટ અંગે પણ હાઈકોર્ટે પ્રશ્ન ઉઠાવ્યો
મુંબઈ - અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની મેેનેજર દિશા સાલિયાનનાં મૃત્યુના સંજોગો અંગે તેના પિતાએ સવાલો ઉઠાવ્યા છતાં પણ પોલીસે એફઆઈઆર કેમ દાખલ કરી ન હતી તેવો સવાલ બોમ્બે હાઈકોર્ટે ઉઠાવ્યો હતો. પોલીસે દિશાના પિતાને એક્સીડેન્ટલ ડેથ રિપોર્ટ સહિતના દસ્તાવેજો ન આપ્યા હોવા અંગે પણ હાઈકોર્ટે પોલીસને ઠપકો આપ્યો હતો.
૧૪મા માળ પરથી નીચે પડયા તે પછી પણ મૃતકના શરીર પર ઇજાઓના નિશાન ન હતાં તેવું પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું તે અંગે પણ જસ્ટીસ ભારતી ડાંગરે તથા જસ્ટીસ મંજુષા દેશપાંડેની બેન્ચે પ્રશ્ન પૂછયો હતો. મુંબઇના મલાડ વિસ્તારમાં એક રેસિડેન્શિયલ બિલ્ડીંગના ૧૪મા માળ પરથી પડયા પછી દિશા સાલિયનનું મૃત્યુ થયું હતું. આઠમી જૂન, ૨૦૨૦મીએ આ ઘટના બની હતી. મુંબઇ સિટી પોલીસે ઘટનાને એક્સીડેન્ટલ ડેથ રિપોર્ટ (એડીઆર) તરીકે નોંધી હતી.
તપાસ કર્યા પછી પોલીસે દાવો કર્યો હતો કે દિશાએ આપઘાત કર્યો હતો, જ્યારે તેના પિતાએ ૨૦૨૫માં હાઇકોર્ટમાં પીટિશન કરી હતી કે તેમની પુત્રનો સામૂહિક બળાત્કાર થયો હતો અને હત્યા થઇ હતી. સોમવારે હાઇકોર્ટની બેન્ચ સમક્ષ સાલિયનની અરજી સુનાવણી માટે આવી હતી. હાઇકોર્ટે પૂછયું કે જો મૃતકના પિતા મૃત્યુના સંજોગો અંગે શંકા વ્યક્ત કરે તો એફઆઇઆર નોંધતા અને તપાસ કરતા પોલીસને કોણે રોકી હતી?
પબ્લિક પ્રોસીક્યુટર શિશિર હિરેએ કોર્ટમાં કહ્યું કે કેસને એક્સીડેન્ટલ ડેથ તરીકે ગણવામાં આવ્યો હતો અને તપાસ બે વાર કરવામાં આવી હતી અને બંને સમય એવું તારણ મળ્યું હતું કે આ બનાવ આપઘાતનો હતો. હિરેએ કહ્યું કે આ બાબતને સાક્ષીઓ નિવેદનથી સમર્થન મળે છે.
પબ્લિક પ્રોસીક્યુટરે કહ્યું કે ફોટોગ્રાફ્સ અનુસાર પીડિતના શરીર પર 'હેડ ઇન્જરીસ' (માથાની ઇજા) હતી. અરજદાર સતીષ સાલિયનના એડવોકેટે આક્ષેપ કર્યો પોલીસે શરૃઆતમાં તેમને બતાવેલા ફોટોગ્રાફ્સમાં ઇજાઓ જણાતી ન હતી. તેમણે દાવો કર્યો હતો કે પોલીસે ફોટાઓ બદલીને હેડઇન્જરીસ દર્શાવતા ફોટાઓ રજૂ કર્યા હતા.
અરજદારને એડીઆર સહિતના કેસ સંબંધિત દસ્તાવેજો પૂરા નહીં પાડવા બદલ હાઇકોર્ટે પોલીસને ઠપકો આપ્યો હતો. બેન્ચે કહ્યું હતું કે પોલીસના કહેવા અનુસાર એફઆઇઆર થઇ નથી આથી તપાસ ચાલી રહી નથી. જ્યારે એક્સીડેન્ટલ ડેથ ઇન્કયવારી જ ચાલી રહી છે અને આપઘાત કરાયો હતો તવો પોલીસનો નિષ્કર્ષ છે તો અરજદારને કેટલાક બિનહાનિકારક દસ્તાવેજો આપવામાં તેમને કોણ રોકે છે?
બેન્ચે વધુ સુનાવણી ૨૪મી ઓગસ્ટે રાખી છે. દિશા સાલિયને અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના મેનેજર તરીકે થોડો સમય કાર્ય કર્યું હતું. સુશાંત રાજપૂતે ૧૪ જૂન, ૨૦૨૦મીએ આપઘાત કર્યો હતો.
દિશા સાલિયનના મૃત્યુ અંગે સીબીઆઇ તપાસની અને શિવસેના (યુબીટી)ના વિધાનસભ્ય આદિત્ય ઠાકરે સામે એફઆઇઆર નોંધવાની સતીશ સાલિયને માંગણી કરી હતી. રહસ્યમય સંજોગોમાં તેમની પુત્રી મૃત મળી હતી તેવો દાવો તેમણે કર્યો હતો. તેના પર બળાત્કાર થયો હતો અને હત્યા થઇ હતી અને તે પછી વગ ધરાવતા કેટલાક લોકોને બચાવવા રાજકીય દોરીસંચારથી મામલો દબાવી દેવાયો હતો. તેવો આક્ષેપ સાલિયને કર્યો હતો.









