Mumbai

નાયલોનના માંજા અમને દેખાયા, તમે આંખ મીંચીને બેઠા હતા? - હાઈકોર્ટ લાલઘૂમ

By GS Team
22 Jan 20262 mins read
નાયલોનના માંજા અમને દેખાયા, તમે આંખ મીંચીને બેઠા હતા? - હાઈકોર્ટ લાલઘૂમ

માત્ર બે જ ગુના નોંધાયાની માહિતી સાંભળી હાઈકોર્ટ લાલઘૂમ

જવાબદાર અધિકારીઓ સામે ભરાયેલાં પગલાંની પાલિકા અને પોલીસ પાસે વિગતો મગાવી  

મુંબઈ,  - હાઈ કોર્ટે કઠોર આદેશ આપવા છતાં મકર સંક્રાંત પર પતંગ ઉડાવવા નાયલોનના માંજાનો ઉપયોગ થયો હતો, પણ એની સામે મહાપાલિકાના અધિકારી અને પોલીસે જોઈએ એવી કાર્યવાહી કરી નથી. મંગળવારે આ બાબત ધ્યાનમાં લઈને નાગપુર બેન્ચે  પાલિકા અધિકારી અને પોલીસની ઝાટકણી કાઢી હતી. અમને બધી જગ્યાએ નાયસલોનના માંજા દેખાયા પણ અધિકારીઓ આંખ મિંચીને બેઠા હતા ? એમ કોર્ટે સવાલ કર્યો હતો.

પોલીસે માત્ર બે ગુના દાખલ કર્યા હોવાની મૌખિક માહિતી સરકારી વકિલે કોર્ટને આપી હતી.જેને લઈને કોર્ટે અસંતોષ વ્યક્ત કરીને તીવ્ર નારાજગી દર્શાવી હતી. કોર્ટના આદેશને ગંભીરતાથી લેવામાં આવ્યો હોવાનું જણાતું નથી, એમ નોંધ કરીને પાલિકા અને પોલીસ અધિકારીને નાયલોન માંજા પર કાર્યવાહી સંબંધે આગામી ૩૦ જાન્યુઆરી સુધી સત્ય માહિતી સોગંદનામા પર રજૂ કરવા જણાવ્યું છે. માહિતી અયોગ્ય જણાશે તો જવાબદાર અધિકારી સામે કડક કાર્યવાહી કરાશે એવી ચેતાવણી પણ આપી હતી.

નાયલોન માંજાને લીધે અનુચિત ઘટના બની એ ક્ષેત્રના જવાબદાર પોલીસ અધિકારી સામે કાર્યવાહી કરાઈ છે? એવો સવાલ કરીને પોલીસ કમિશનર અને પોલીસ અધિક્ષક પાસે જવાબ માગ્યો હતો. આ સંબંધે સોગંદનામું મગાયું છે.

કોર્ટે અગાઉ જ ચોતાવણી આપી હતી કે પ્રાણધાતક માંજા વાપરનારાને ૨૫ હજારનો દંડ અને વેચાણ કરનારને અઢી લાખનો દંડ થશે. દંડની રકમ ભરવા વિશેષ બેન્ક ખાતા પણ શરૃ કરાયા છે.

જિલ્લામાં નાયલોન માંજાને લીધે કેટલા નાગરિકો જખમી થયા અને કેટલાંકે જીવ ગુમાવ્યો એની માહિતી ઘટનાસ્થળ સહિત રજૂ કરવાનો નિર્દેશ કોર્ટે આપ્યો છે.