Mumbai

એકસાથે 12નાં મોતથી સમગ્ર લાખાતપાડા ગામ હિબકે ચઢ્યું

By GS Team
20 May 20261 min read
એકસાથે 12નાં મોતથી સમગ્ર લાખાતપાડા ગામ હિબકે ચઢ્યું

મૃતકોના સામૂહિક અંતિમ સંસ્કાર ટાણે વાતાવરણ ભારેખમ

લગભગ દરેક ઘરમાંથી ડૂસકાં સંભળાય છેઃ  હોસ્પિટલમાં ત્રણની હાલત ગંભીરઃ ટ્રેલર અને ટેમ્પો ચાલકની ધરપકડ

મુંબઈ -  મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે પર દહાણુના ધાનિવરી ખાતે થયેલા ટેમ્પો અકસ્માતમાં મૃત્યુ પામેલા ૧૩ લોકોમાંથી ૧૨ લોકો બાપુગામના લાખાતપાડાના રહેવાસી હતા. અકસ્માત બાદ ગામમાં શોક ફેલાયો છે અને દરેક ઘરમાંથી  આક્રંદ સંભળાઈ રહ્યું છે.  

અકસ્માતના બીજા દિવસે સમગ્ર ગામમાં માતમનું વાતાવરણ જોવા મળ્યું હતું. અનેક ઘરમાંથી ડૂસકાંના અવાજ સંભળાતા હતા. મૃતકોના પરિવારોને સાંત્વન માટે સ્વજનો તથા અન્યોની અવરજવર ચાલુ રહી હતી. સંખ્યાબંધ રાજકીય નેતાઓ પણ આશ્વાસન તથા સહાય માટે આવ્યા હતા.  આ ઉપરાંત પોલીસ તથા સરકારી તંત્રના અધિકારીઓની અવરજવર પણ જોવા મળી હતી. 

મૃતકોના ગામમાં સામૂહિક અંતિમ સંસ્કાર કરાયા  ત્યારે માહોલ વધારે શોકમય બન્યો હતો. 

અકસ્માતમાં ઘાયલ થયેલા ૧૭ લોકો હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. જેમાંથી ત્રણની હાલત ગંભીર છે.

        આ અકસ્માતમાં, કાસા પોલીસે ટ્રેલર ચાલક અવધેશકુમાર સીતારામ પાલ અને આઇશર ટેમ્પો ચાલક રોહિદાસ ધાત્રક વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૦૫, ૧૨૫ (એ) (બી) ૨૮૧ અને મોટર ટ્રાફિક એક્ટની કલમ ૧૮૪, ૬૬/૧૩૨ (એ) હેઠળ કેસ નોંધ્યો છે અને તેમની ધરપકડ કરી છે.