ઓડિયો ક્લિપના વિવાદમાં વિજય ચૌધરીનું ભાજપના સંયોજકપદેથી રાજીનામું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

રક્ષા ખડસે તથા હિના ગાવિત માટે અભદ્ર ટિપ્પણીનો આરોપ
ઉત્તર મહારાષ્ટ્રના સંયોજક ચૌધરી તથા મંત્રી ગિરીશ મહાજન વચ્ચેની ઓડિયો ટેપ ફરતી થઈ ઃ કાનૂની પગલાંની એકનાથ ખડસેની ચિમકી
મુંબઈ - રાજ્યના મંત્રી ગિરીશ મહાજન તથા ભાજપના ઉત્તર મહારાષ્ટ્ર સંયોજક વિજય ચૌધરી વચ્ચેની એક ઓડિયો ક્લિપમાં કેન્દ્રીય મંત્રી રક્ષા ખડસે માટે કેટલીક ટિપ્પણીઓ તથા અન્ય એક ઓડિયો ક્લિપમાં ભૂતપૂર્વ સાંસદ હિના ગાવિત માટે વિવાદાસ્પદ ટિપ્પણીઓ કરવામાં આવી હોવાના વિવાદ બાદ વિજય ચૌધરીએ પોતાના હોદ્દા પરથી રાજીનામું આપી દીધું હતું. બીજી બાજુ રક્ષા ખડસેના સસરા તથા એનસીપી એસપીના નેતા એકનાથ ખડસેએ આ ઓડિયો ક્લિપ અંગે કાનૂની કાર્યવાહીની ચિમકી આપી છે. જ્યારે હિના ગાવિત સામે ટિપ્પણી મુદ્દે નંદુરબારમાં પોલીસ ફરિયાદ પણ થઈ છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી કથિત ઓડિયો ક્લિપમાં એકનાથ ખડસે માટે અપશબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું તેમજ કેન્દ્રીય રાજ્યમંત્રી રક્ષા ખડસે અંગે પણ અશોભનીય ટિપ્પણીઓ સંભળાતી હોવાનો દાવો થઈ રહ્યો છે. જોકે, આ કથિત ઓડિયો ક્લિપની સત્યતાની સ્વતંત્ર પુષ્ટિ થઈ નથી.
વિવાદને વધુ રાજકીય રંગ આપતાં એકનાથ ખડસેએ જાહેરાત કરી કે તેઓ પોતાના વકીલો સાથે ચર્ચા કરી રહ્યા છે અને ટૂંક સમયમાં કાનૂની કાર્યવાહી શરૃ કરશે. સાથે જ આ કથિત ઓડિયો ક્લિપ ભાજપના ટોચના નેતૃત્વ સમક્ષ રજૂ કરીને જવાબદારી નક્કી કરવાની પણ માંગ કરશે.
દરમિયાન, વિવાદની રાજકીય ગરમી વધતાં વિજય ચૌધરીએ ભાજપના ઉત્તર મહારાષ્ટ્ર સંયોજક પદેથી રાજીનામું આપી દીધું છે. રાજ્ય ભાજપ અધ્યક્ષ રવિન્દ્ર ચવ્હાણને મોકલેલા પત્રમાં તેમણે દાવો કર્યો છે કે રાજકીય વિરોધીઓ ભાજપને બદનામ કરવાના ઈરાદાથી આ કથિત ઓડિયો ક્લિપ વાયરલ કરી રહ્યા છે. નિષ્પક્ષ તપાસમાં કોઈ અવરોધ ન આવે તે માટે પોતે પદ છોડવાનો નિર્ણય લીધો હોવાનું પણ તેમણે જણાવ્યું છે.
નંદુરબારમાં હીના ગાવિતના કઝિન રોહન ગાવિતે ચૌધરી સામે એટ્રોસિટી એક્ટ તથા બીએનએસની લાગુ પડતી કલમો અનુસાર ફરિયાદ નોંધાવી છે.









