Mumbai

ગોરેગાંવ પૂર્વની હોટલમાં રોટલી પર થૂંક લગાડીને અપાયાનો વીડિયો વાયરલ

By GS Team
29 May 20262 mins read
ગોરેગાંવ પૂર્વની હોટલમાં રોટલી પર  થૂંક લગાડીને અપાયાનો વીડિયો વાયરલ

એક ગ્રાહકે શૂટિંગ કરીને અન્ય લોકોને બતાવતાં રોષનો જુવાળ

હોટલ પર પહોંચેલી પોલીસ દ્વારા રસોઈયા કૌશર શેખ તથા માલિક ફૈયાઝ શેખ વિરુદ્ધ ગુનો દાખલ કરાયો

મુંબઈ  -   મુંબઈના ગોરેગાંવ પૂર્વમાં એક હોટલમાં રોટલી પર થૂંકીને ગ્રાહકોને પીરસવાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે.આ બનાવનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસે હોટલ માલિક અને રસોઈયા વિરુદ્ધ કેસ નોંધ્યો છે.આ ઘટનાએ વિસ્તારમાં રોષ ફેલાવ્યો હતો.

 આ કેસમાં દિંડોશી પોલીસે હોટલના માલિક ફૈયાઝ અહેમદ શેખ અને કૂક કૌશર ગફ્ફાર શેખને પકડીને પુછપરછ હાથધરી છે.

     દિંડોશી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ ફરિયાદી દીપક પવાર ૨૩ મેના રોજ રાત્રે ગોરેગાંવ પૂર્વમાં આવેલી ફિશ કોલીવાડા હોટેલમાં જમવા માટે ગયો હતો.

   તેણે હોટલના રસોઈયાને રોટલી પર થૂંકતા જોયો હતો. તેને  શંકા જતા તે થોડીવાર માટે ત્યાં રોકાયો હતો. તેણે જોયું કે કૂક દરેક રોટલી પર થૂંકી રહ્યો હતો અને તેને ઓવનમાં મૂકી રહ્યો હતો. ત્યારબાદ  તેણે જોયું કે ગ્રાહકોને તે જ રોટલી પીરસવામાં આવી રહી હતી.

    તેણે સમગ્ર ઘટનાનું પોતાના મોબાઇલ ફોનમાં શૂટિંગ કર્યું હતો. સ્થાનિક નાગરિકોને સંબંધિત વીડિયો બતાવ્યા પછી  વિસ્તારમાં ગુસ્સાનું મોજુ ફાટી નીકળ્યું હતું.  થોડી જ વારમાં  આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો હતો.

     આ બાબતની ગંભીર નોંધ લેતા  દીપક પવારે  પોલીસને પણ  જાણ કરી હતી. ત્યારબાદ   દિંડોશી પોલીસની એક ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.

   પોલીસે હોટલના માલિક ફૈયાઝ શેખ અને રસોઈયા કૌશર શેખને પકડીને  પૂછપરછ કરી હતી.

     પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે કૌશર શેખ ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લાનો રહેવાસી છે. તે છેલ્લા કેટલાક મહિનાથી હોટલમાં રોટલી બનાવતો હતો.તે ગ્રાહકોના સ્વાસ્થ્ય માટે  હાનિકારક હોવાનું  જાણતા હોવા છતાં રોટલી પર થૂંકી રહ્યો હતો અને ગ્રાહકોને પીરસતો હતો. આ મામલામાં  પોલીસે ભારતીય દંડ સંહિતાની કલમ ૨૭૧, ૨૭૫, ૩(૫)  હેઠળ કેસ નોંધ્યો છે.

   લોકોએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે હોટલના માલિક ફૈયાઝ અહેમદ શેખને આ કૃત્યની જાણ હતી.