વસઈ-વિરાર-નાલાસોપારા લાઈટ, પાણી, ખોરાક વિના નર્કાગાર, લોકો ફલેટ્સમાં કેદ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વરસાદે વેરેલી તારાજીમાં તંત્ર મદદ પહોંચાડવામાં નિષ્ફળ
કેટલાય વિસ્તારોમાં બે દિવસથી વીજ પુરવઠો નહિ, ઈન્વર્ટર, જનરેટર પણ બંધ થતાં લિફ્ટ, પાણી પુરવઠાને અસર, મોબાઈલ ડેડ બન્યા
દુકાનોમાં બ્રેડ- બિસ્કીટ-અનાજ કાં તો પલળી ગયાં અથવા ખલાસ થઈ ગયાં ઃ દૂધ બંધઃ રિક્ષાઓને બદલે ટ્રેકટરો દોડે છે
મુંબઇ - મુંબઇ અને મહામુંબઇ ક્ષેત્રને ધમરોળતા ગાંડાતૂર વરસાદે સૌથી કફોડી હાલત વસઇ, વિરાર અને નાલાસોપારાના રહેવાસીઓની કરી છે. વસઇ-વિરાર મહાપાલિકા તંત્ર પાણીનો નિકાલ કરવામાં સદંતર નિષ્ફળ નીવડયું છે. બે દિવસથી મોટાભાગના વિસ્તારોમાં લાઈટ નથી અને ઈન્વર્ટર તથા જનરેટરની પણ કેેપેસિટી પૂર્ણ થઈ જતાં લાખો લોકો અંધાર યુગમાં ધકેલાઈ ગયાં છે. લિફ્ટ ચાલુ નથી, પાણી મળતું નથી, મોબાઈલ ડેડ થઈ ગયા છે. આ હાલતમાં લાખો લોકો ફલેટ્સમાં કેદ થઈ ગયાં છે.
વસઇ-વિરાર અને નાલાસોપારામાં મેઇન રોડ સિવાય કોઇ એવાં રસ્તા નથી જ્યાં પાણી ભરાયું ન હોય. છેલ્લાં પાંચ પાંચ દિવસથી આ જળબંબાકાર સ્થિતિને કારણે વાહન-વ્યવહાર ખોરવાઇ ગયો છે અને જનજીવન ઠપ થઇ ગયું છે. વાહનોમાં અત્યારે માત્ર ટ્રેકટરો ફરે છે. હોસ્પિટલોમાં દરદીઓને પહોંચાડવા, ગેસ સિલિન્ડરો તથા બીજી જીવન જરૃરિયાતની ચીજો પહોંચતી કરવા માટે એકમાત્ર ટ્રેકટરોનો જ આધાર છે.
પાલઘર જિલ્લાની હદમાં આવતા વસઇ-વિરારમાં છેલ્લાં લગભગ ત્રણથી પાંચ દિવસથી લાઇટ જ નથી. વીજપુરવઠો ખંડિત થવાથી કોમ્પ્યુટર-ઇન્ટરનેટ બંધ થયા છે. મોબાઇલ ફોનનું ચાર્જિંગ થતુ નથી. પાવર ફેઇલ થાય ત્યારે ઉપયોગમાં લેવાતા ઇન્વર્ટરો કામ કરતા બંધ થઇ ગયા છે. કારણ કે આઠ-નવ કલાકમાં ઇન્વર્ટરોની બેટરી ઉતરી ગયા પછી ફરી ચાર્જ કરવા માટે પાવર નથી. આ પરિસ્થિતિમાં વર્કફ્રોમ હોમ કેવી રીતે કરવું એ સૌથી મોટી મુશ્કેલી છે. સન-શાઇન નગર પાસે બે શખસોને કરન્ટ લાગ્યા પછી સાવચેતીના પગલાં રૃપે પાણી ભરાયા હોય એવાં વિસ્તારોનો વીજળીનો પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો છે. વીજળી વિના ઘઉં દળવાની ચક્કીઓ પણ બંધ થઇ ગઇ છે.
વસઇના રહેવાસીઓએ આપવિતી વર્ણવતા જણાવ્યું હતું કે દુકાનોમાંથી બ્રેડ, બિસ્કિટ અને પીવાના પાણીની બોટલો સહિતની જરૃરી ચીજવસ્તુ ખલાસ થઇ ગઇ છે. છેલ્લાં ત્રણ દિવસથી કેટલાય વિસ્તારોમાં દૂધ નથી પહોંચ્યું એટલે ચાના પણ વાંધા થઇ ગયા છે. નાના બાળકોને પાવડરનું દૂધ પીવડાવવું પડે છે. ન્યૂઝપેપર આવતા નથી કે મોબાઇલ ફોન પણ કામ કરતા બંધ થઇ ગયા છે, પરિણામે વસઇ-વિરારના લોકોનો જાણે બહારની દુનિયા સાથેનો સંપર્ક જ કપાઇ ગયો છે.
પાલઘર જિલ્લામાં સતત પડી રહેલાં ભારે વરસાદે જેમ મુંબઇ અને ગુજરાત વચ્ચેની લાંબા અંતરની ટ્રેનોનો વ્યવહાર ખોરવી નાખ્યો છે, એવી જ રીતે ચર્ચગેટ-દહાણુ વચ્ચે વેસ્ટર્ન રેલવેની લોકલ ટ્રેનોની અવરજવરને સૌથી માઠી અસર થઇ છે. વસઇથી વિરાર ટ્રેનમાં પહોંચતા બે કલાક લાગે છે.
પાલઘર જિલ્લાની સૂર્યા નદીમાં પૂર આવ્યું હોવાથી વસઇ-વિરાર વિસ્તારને માઠી અસર થઇ છે. જવ્હાર, વિક્રમગઢ સહિતના વિસ્તારો રીતસર પાણીમાં ડૂબી ગયા છે.




