Mumbai

અમેરિકાના ટેક જાયન્ટ્સ ભારતમાં 67.5 અબજ ડોલરનું રોકાણ કરશે

By GS TEAM
28 Dec 20252 mins read
અમેરિકાના ટેક જાયન્ટ્સ ભારતમાં 67.5 અબજ ડોલરનું રોકાણ કરશે

- આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ઈન્ફ્રા પાછળ ખર્ચ

- એમેઝોનનું સૌથી વધુ ૩૫ અબજ ડોલરનું રોકાણ, માઈક્રોસોફ્ટ 17.5અબજ ડોલરનું રોકાણ કરશે

મુંબઈ: ધ ન્યૂ યોર્ક ટાઈમ્સના અહેવાલ મુજબ, યુએસ ટેકનોલોજી જાયન્ટ્સ ભારતમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ અબજો ડોલરનું રોકાણ કરી રહ્યાં છે. માઈક્રોસોફ્ટ, એમેઝોન, ગૂગલ અને મેટા જેવી કંપનીઓ કમ્પ્યુટિંગ પાવર અને ડેટા સ્ટોરેજની વધતી વૈશ્વિક માંગને પહોંચી વળવા માટે રોકાણ વધારી રહી છે. ભારત તેના ડિજિટલ યુઝર બેઝ અને એઆઈ સંચાલિત સેવાઓની વધતી માંગને કારણે અમેરિકાની ટોપ કંપનીઓની પસંદગી બન્યું છે. 

ભારતમાં વિવિધ એઆઈ પ્રોજેક્ટ્સ માટે માઈક્રોસોફ્ટ ૧૭.૫ અબજ ડોલરનું રોકાણ કરશે. જ્યારે, એમેઝોને સૌથી વધુ ૩૫ અબજ ડોલરના રોકાણની પ્રતિબદ્ધતા દર્શાવી છે. તેઓ આગામી પાંચ વર્ષમાં એઆઈ પાવર્ડ ઓપરેશન્સમાં વધારો કરશે. ગૂગલ ડેટા સેન્ટર્સ બનાવવા પાછળ ૧૫ અબજ ડોલરનો ખર્ચ કરશે. મેટા પણ ગૂગલની સાઈટ્સની નજીક પોતાનો પ્રોજેક્ટ વિકસાવી રહી છે. 

વિશ્વની ટોપ ટેકનોલોજી કંપનીઓ ભારતમાં ઓછામાં ઓછું ૬૭.૫ અબજ ડોલરનું રોકાણ કરશે. જે તેને ભારતના ઈતિહાસમાં એક જ ક્ષેત્રમાં સૌથી મોટો મૂડી પ્રવાહ બનાવશે. આ ઐતિહાસિક રોકાણ પાછળ ભારતનો સ્કેલ કારણભૂત છે. ભારત વિશ્વના લગભગ પાંચમા ભાગનો ડેટા ઉત્પન્ન કરે છે. પરંતુ, વૈશ્વિક ડેટા સ્ટોરેજ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો નાનો હિસ્સો ધરાવે છે. 

ભારતમાં ખાસ કરીને દરિયાકિનારાના પ્રદેશો અને હૈદરાબાદ જેવા શહેરોમાં નવા ડેટા સેન્ટર હબ ઊભરી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે, ભારત ૨૦૧૮થી ડેટા સ્થાનિકીકરણની સાથે વિદેશી સર્વર પર નિર્ભરતા ઘટાડવાના પ્રયાસ કરી રહ્યું છે.