ખાડા તથા મેટ્રોના કાટમાળને કારણે ટુ વ્હિલર સ્લિપ થયું- બાળકનું મોત

મીરા ભાયંદરમાં દિવાળીના સપરમા ટાણે અકસ્માત
દંપતી ટુ વ્હિલર પર જતું હતું, બાળક રસ્તા પર પટકાયા બાદ બસ હેઠળ કચડાયું ઃ મેટ્રો તથા પાલિકા સામે લોકોમાં ભારે રોષ
મુંબઈ - મીરા ભાયંદરમાં રસ્તા પરના ખાડા ઉપરાંત મેટ્રોના કાટમાળને કારણે ટુ વ્હીલર સ્લીપ થઈ જતાં બે વર્ષનાં બાળકનું મોત નીપજ્યું હતું. દંપતી રવિવારે સવારે બાળક સાથે જઈ રહ્યું હતું ત્યારે ગોલ્ડન નેસ્ટ પાસે તેમને આ અકસ્માત નડયો હતો.
ખાડા અને કાટમાળ વચ્ચેથી રસ્તો કાઢવા જતાં ટુ વ્હિલર સ્લિપ થઈ ગયું હતું. બાળક નીચે રોડ પર પટકાયું હતું અને તે જ વખતે ત્યાથી પસાર થતી બસ નીચે તે આવી ગયું હતું. આથી ઘટનાસ્થળે જ તેનું મોત નીપજ્યું હતું. દિવાળી તહેવારો ટાણે આ ઘટનાથી ભારે અરેરાટી વ્યાપી હતી.
સાથે લોકોએ મેટ્રો કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે રોષ વ્યક્ત કર્યો હતો.
મીરા-ભાયંદરમાં છેલ્લા કેટલાક વર્ષોથી દહિસર ચેક નાકાથી ભાયંદર-વેસ્ટ સુધીના વિસ્તારમાં મેટ્રોનું કામ ચાલી રહ્યું છે. મેટ્રોનું કામ શરૃ થયા પછી, ઘણા અકસ્માતો થયા છે જેમાં કેટલાક નાગરિકોના મોત થયા છે અને કેટલાક નાગરિકો જખમી થયા છે. મેટ્રો કોન્ટ્રાક્ટર અને વહીવટી અધિકારીઓની બેદરકારીને કારણે, ચાલી રહેલા મેટ્રો કાર્યથી નાગરિકોના જીવન માટે જોખમ ઉભો થયો છે. કાશીમીરા નાકાથી ભાયંદર સુધી, રસ્તાઓ પર ઘણી જગ્યાએ મોટા ખાડા દેખાઈ રહ્યા છે. આ ખાડાઓ ભરવા માટે ઘણી ફરિયાદો નોંધાઈ છે. જનપ્રતિનિધિઓ પણ ઠાલાં વચન આપી રહ્યા છે પરંતું આ પરિસ્થિતિનો લાંબા સમયતી ઉકેલ આવ્યો નથી. તેના કારણે મીરા ભાયંદરમાં અગાઉની સરખામણીએ માર્ગ અકસ્માતો વધ્યા છે.









