Mumbai

ઉમણીયાવદરના પાટિયા પાસે બે ભાઈ પર પાઈપ-પથ્થરથી હુમલો કરી રોકડની લૂંટ

By GS Team
13 Oct 20262 mins read
TukuTouch Logo
ભાવનગરના મહુવા હાઈવે પર રવિવારે પિતા-પુત્રોએ આતંક મચાવ્યો હતો. ઉમણીયાવદર પાસે બોલેરો લેવા જઈ રહેલા અશ્વિન અને કુલદીપ સાંખટ નામના બે ભાઈઓ પર અયુબ, આફતાબ અને તેમના પિતા હસન કલાણીયાએ પાઈપ, છરી અને પથ્થરોથી હુમલો કર્યો. હુમલાખોરોએ રૂ. 500 રોકડા લૂંટી ચાંદીની ચેન તોડવાનો પ્રયાસ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. મહુવા પોલીસે 3 આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઉમણીયાવદરના પાટિયા પાસે બે ભાઈ પર પાઈપ-પથ્થરથી હુમલો કરી રોકડની લૂંટ

મહુવા હાઈવે પર પિતા-પુત્રોનો આતંક

ત્રણેય શખ્સે બે ભાઈને માર મારી સોનાનો ચેન તોડવાનો પ્રયાસ કરી લોહિયાળ ખેલ ખેલ્યો

ભાવનગર -  મહુવા તાલુકાના ઉમણીયાવદર ગામના પાટીયા પાસે ગત રવિવારે સાંજના સમયે હુમલો અને લૂંટનો સનસનાટીભર્યો બનાવ સામે આવ્યો છે. ગાડી લેવા જઈ રહેલા બે ભાઈઓ પર પિતા અને તેના બે પુત્રોએ પાઈપ, છરી અને પથ્થરો વડે હુમલો કરી ઈજા પહોંચાડી હતી તેમજ ખિસ્સામાંથી રૃ. ૫૦૦ની રોકડ રકમની લૂંટ ચલાવી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા.

મહુવાના રામદુતનગર ખારો વિસ્તારમાં રહેતા અશ્વીનભાઈ ચેતનભાઈ સાંખટ અને તેમનો નાનો ભાઈ કુલદીપભાઈ પોતાના બાઈક પર ઉમણીયાવદર સ્થિત ફેક્ટરીએ બોલેરો ગાડી લેવા જઈ રહ્યા હતા. આ દરમિયાન રસ્તામાં એક અજાણ્યો શખ્સ તેમના બાઈક આડે આવીને રોકાઈ ગયો હતો. તેની પાછળ તુરંત જ અયુબ હસનભાઈ કલાણીયા નામનો શખ્સ છરી બતાવીને આવ્યો હતો, જેથી પેલો અજાણ્યો શખ્સ ભાગી ગયો હતો.અયુબે તમે આ માણસને કેમ ભગાડી દીધો તેમ કહીને અશ્વીનભાઈના બાઈકની ચાવી આંચકી લીધી હતી. ત્યારબાદ અયુબના પિતા હસન હાજીભાઇ કલાણીયા અને ભાઈ આફતાબ એક્ટિવા લઈને સ્થળ પર પહોંચ્યા હતા.અશ્વીનભાઈએ પોલીસ કંટ્રોલ રૃમ (૧૧૨) માં ફોન કરતાં ખીજાયેલા હસનએ લોખંડના પાઈપ વડે અશ્વીનભાઈના માથામાં ઘા ઝીંકી દીધો હતો. તેમને બચાવવા પડેલા ભાઈ કુલદીપને પણ માથામાં પાઈપ વાગતા લોહીલુહાણ થયો હતો. આફતાબે પથ્થરમારો કરી બંને ભાઈઓને ઢીકાપાટુનો માર માર્યો હતો. હુમલાખોરોએ અશ્વીનભાઈના ખિસ્સામાંથી બળજબરીથી રૃ. ૫૦૦ કાઢી લીધા હતા અને ગળામાંથી ચાંદીની ચેન તોડવાનો પ્રયાસ કર્યો હતો.ઘટના બાદ ઈજાગ્રસ્ત બંને ભાઈઓને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે મહુવા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. મહુવા પોલીસે આ મામલે પિતા હસન કલાણીયા તથા તેમના બંને પુત્રો અયુબ અને આફતાબ સામે બી.એન.એસ. કલમ ૩૦૯(૫), ૩૦૯(૬), ૧૧૫(૨), ૩૫૨, ૩૫૧(૩), ૫૪ અને જી.પી.એક્ટ ૧૩૫ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ પી.એસ.આઈ. વી. વી. પરમારે હાથ ધરી છે.