'જ્ઞાનેશ કુમારને બચાવી સરકાર મોટી ભૂલ કરી રહી છે...', દિલ્હીને જેલ બનાવી દેવાનો રાહુલ ગાંધીનો આક્ષેપ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

INDIA Bloc Protest Live Updates: રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં આજે ફરી રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. 'I.N.D.I.A ગઠબંધન દ્વારા સુપ્રીમ કોર્ટ સુધી માર્ચ કાઢવાની જાહેરાત કરવામાં આવી છે, જોકે મુખ્ય ન્યાયાધીશ (CJI) એ વિપક્ષી સાંસદોની અરજી ફગાવી દીધી છે. આ દરમિયાન રાહુલ ગાંધી અને અન્ય દિગ્ગજ નેતાઓએ સરકાર વિરુદ્ધ આક્રમક વલણ અપનાવ્યું છે.
દિલ્હીને કેદખાનું બનાવી દીધું છે : રાહુલ ગાંધી
લોકસભામાં નેતા પ્રતિપ્રક્ષ રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ યોજીને કેન્દ્ર સરકાર પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે આશ્ચર્ય વ્યક્ત કરતા પૂછ્યું કે, "આખરે દિલ્હી કેદમાં કેમ છે? લોકોને દિલ્હી આવતા રોકવામાં આવી રહી છે, ટ્રેનો અને બસોને અટકાવવામાં આવી રહી છે. દિલ્હીને કિલ્લો બનાવી દેવામાં આવ્યો છે અને ચારેય તરફ પોલીસ તૈનાત છે." રાહુલ ગાંધીએ સરકાર સામે નિશાન તાકતાં કહ્યું કે જ્ઞાનેશ કુમારને બચાવીને સરકાર મોટી ભૂલ કરી રહી છે.
50% પોલીસવાળા અમારી પડખે : રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ કહ્યું કે પોલીસવાળા પણ પરેશાન છે. દિલ્હી પોલીસ, સીઆરપીએફ, આઈટીબીટીના લોકો સવાલ કરે છે કે યુવાઓને કેમ મારવામાં આવી રહ્યા છે. 50% પોલીસ યુવાઓ અને અમારા સમર્થનમાં છે અને કહે છે કે અમે જે કરી રહ્યા છીએ તે યોગ્ય છે.
અમે સીજેઆઈ પાસે સમય માગ્યો મુલાકાતનો તો ના પાડી દીધી
વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે હું અને કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાઅર્જુન ખડગે ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા જસ્ટિસ સૂર્યંકાતને મળવા માગતા હતા પણ તેમણે મુલાકાતનો જ ઈનકાર કરી દીધો. આજે અમે અમે ઈન્ડિયા ગઠબંધનના નેતાઓ સુપ્રીમ કોર્ટ જઈશું અને અરજી દાખલ કરીશું.
અમે જાણીએ છીએ કે જ્ઞાનેશ કુમાર દબાણ હેઠળ છે : રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ કહ્યું કે જ્ઞાનેશ કુમાર પર કોનું દબાણ છે એ અમે જાણીએ છીએ. તે રાજીનામુ આપી દે અને એપ્રૂવર બની જાય. અમે આંદોલન માટે કોઇ પ્લાન કર્યું નથી. આ શિવજીના તાંડવ જેવું છે.
'આ દેશના ભવિષ્યની લડાઈ છે': રાહુલ ગાંધી
દિલ્હીમાં વિપક્ષના વિરોધ પ્રદર્શન વચ્ચે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. તેમણે ચીફ ઇલેક્શન કમિશનર જ્ઞાનેશ કુમાર પર નિશાન સાધતા કહ્યું કે તેમની ઊંઘ ઉડી ગઈ છે, અમે તેમને છોડીશું નહીં. રાહુલ ગાંધીએ એ પણ જાહેરાત કરી કે INDIA બ્લોકના સાંસદો આજે બપોરે 3 વાગ્યે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરશે અને આ લડાઈ દેશના ભવિષ્ય માટે છે.
જ્યાં સુધી ન્યાય નહીં મળે અમે નહીં રોકાઈએ
રાહુલ ગાંધીએ કહ્યું કે આ બંધારણ બચાવવાની લડાઈ છે. જ્યાં સુધી ન્યાય નહીં મળે અને જ્ઞાનેશ કુમાર રાજીનામુ નહીં આપે ત્યાં સુધી આ આંદોલન શમવાનું નથી. ભાજપ અને આરએસએસ સામે આકરા પ્રહારો કરતા કહ્યું કે આ લોકોના ગુંડાઓએ પોલીસની હાજરી છતાં યુવા દેખાવકારો પણ હુમલા કર્યા. આ લોકોએ ભારતના આત્મા પર એટેક કર્યો છે. અમે પીછેહઠ નહીં કરીએ, થાકીશું પણ નહીં. સરકારના 200 જેટલા અધિકારીઓ પણ હવે અમારા ટેકામાં છે. જેટલો પણ સમય લાગે અમે છોડીશું નથી. રાહુલ ગાંધીએ લોકોને અપીલ કરી કે જો બંધારણ બચાવવું હોય તો આવી જાઓ રસ્તા પર. અમે તો આજે પણ આગળ વધીશું, અમને ખબર છે કે તેઓ અમને રોકવાના છે પરંતુ અમે ડરીશું નહીં.
CJP નું 24 કલાકનું અલ્ટીમેટમ
કોકરોચ જનતા પાર્ટી (CJP) ના સભ્ય સૌરવ દાસે જણાવ્યું છે કે દરેક નાગરિકને શાંતિપૂર્ણ પ્રદર્શન કરવાનો મૌલિક અધિકાર છે. CJP એ દિલ્હી પોલીસને 24 કલાકનું અલ્ટીમેટમ આપતા કહ્યું છે કે પોલીસ તેમને શાંતિપૂર્ણ પ્રદર્શન માટે દિવસ અને તારીખ ફાળવે, નહીંતર સંગઠન પોતે જ આંદોલનની જાહેરાત કરશે.
શાંતિપૂર્ણ રીતે ન્યાય માંગીશું: સુપ્રિયા સુલે
NCP-SCP ના સાંસદ સુપ્રિયા સુલેએ જણાવ્યું હતું કે તેઓ ખૂબ જ શાંતિપૂર્ણ રીતે માર્ચ કરશે. દેશમાં જે કંઈ થઈ રહ્યું છે તે લોકશાહી વિરુદ્ધ છે. તેમણે સવાલ ઉઠાવ્યો કે લોકતાંત્રિક વ્યવસ્થામાં દરેક વ્યક્તિને સ્વતંત્રપણે ફરવાનો અને પોતાના અધિકારોનો ઉપયોગ કરવાનો અધિકાર છે, છતાં કડક પ્રતિબંધો કેમ છે?




