વારા ફરતી વારોઃ ખાંડ બાદ હવે ડુંગળીના ભાવોમાં પણ વધારો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ખાંડે દાંત ખાટા કર્યા હવે ડુંગળી પણ ડામ આપશે
એક માસમાં જથ્થાબંધમાં ૭૬ ટકા ભાવ વધ્યા ઃ બફર સ્ટોક ખાલી કરાશેઃ નાશિકથી દેશનાં વિવિધ રાજ્યોમાં ખાસ કાંદા એક્સપ્રેસ દોડાવવાનું શરુ
મુંબઇ - દેશભરમાં ખાંડના વધતા ભાવોને લીધે ઉહાપોહ મચી ગયો છે ત્યારે તેની સમાંતર ડુંગળીના ભાવો પણ વધવા લાગ્યા છે. હાલ ડુંગળીના ભાવો છૂટક બજારમાં કિલોએ સરેરાશ ૪૫ રુપિયાની સપાટીએ પહોંચી ગયા છે. નાશિકમાં જથ્થાબંધ બજારમાં એક માસમાં ડુંગળીના ભાવ ૭૬ ટકા વધ્યા છે અને તેની અસર હવે છૂટક બજારમાં વર્તાવી શરુ થઈ છે. આ સંજોગોમાં ભાવો કાબુ રાખવા સરકારે બફર સ્ટોક છૂટો કરવા નિર્ણય લીધો છે. નાશિકથી દિલ્હી, ચેન્નઈ અને છેક ગુવાહાટી સુધીની ખાસ કાંદા એક્સપ્રેસ ટ્રેન ચાલુ કરાઈ છે જેના દ્વારા દેશનાં વિવિધ રાજ્યોમાં ડુંગળીનો વધુ પુરવઠો મોકલાશે.
ગયા શનિવારે એક કિલો છૂટક કાંદાની સરેરાશ કિંમત ૪૨ રૃપિયા નોંધાઇ હતી જે ગયા વર્ષ કરતાં ૪૫ ટકા વધુ અને ગયા મહિના કરતાં ૧૯ ટકા વધુ હતી. આ વખતે વરસાદની અનિશ્ચિતતાના કાકરણે વાવેતર ઓછું થયું છે. બીજું પાછલો રવિ પાક પૂરતો ઉતર્યો નથી. બીજી તરફ સરકારે બફર સ્ટોક કરવામાં મોડું કર્યુું હોવાનું કહેવાય છે. આ બધી પરિસ્થિતિ પર નજર રાખી બેઠેલા સંઘરાખોરોએ અગાઉથી જ મોટો સ્ટોક કરી લીધો હોવાનું કહેવાય છે.
ગ્રાહકોને લગતી બાબતોના વિભાગ દ્વારા આપવામાં આવેલી જાણકારી મુજબ દિલ્હીમાં શનિવારે રિટેલમાં ૬૫ રૃપિયે કિલો ડુંગળીનું નું વેચાણ થયું હતું. ગયા વર્ષે આ જ અરસામાં ડુંગળીનો ભાવ ૩૫ રૃપિયા હતાં. ચેન્નઇમાં ૫૮ રૃપિયા ભાવ છે જે ગયા વર્ષે ૩૩ રૃપિયા હતો. કેરળ અને આસામમાં પણ ડુંગળીની કિંમત વધી ગઇ છે.
દેશના સૌથી મોટા ડુંગળી ઉત્પાદક ક્ષેત્રમાં નાસિક જિલ્લાનો સમાવેશ થાય છે. એટલે આજથી નાસિક સ્ટેશનથી જ દેશના જુદા જુદા ભાગોમાં ડુંગળી પહોંચાડવા માટે કાંદા એક્સપ્રેસ ટ્રેન શરૃ કરવામાં આવી છે. આ અગાઉ જ્યારે ૨૦૨૪માં ડુંગળીની ખેંચ ઉભી થઇ હતી ત્યારે પણ કાંદા એક્સપ્રેસ ટ્રેન શરૃ કરવામાં આવી હતી. મહારાષ્ટ્રમાં ડુંગળીના ખરીફ ઉત્પાદનમાં પાંચથી સાત ટકાનો ઘટાડો થવાને કારણે ભાવ વધ્યા હોવાનું જાણકારોનું કહેવું છે.
૨૦૨૫-૨૬ દરમ્યાન ૩૦૭ લાખ ટન કાંદાનું ઉત્પાદન થશે ે એવો અંદાજ બાંધવામાં આવ્યો છે. નાશિકમાં ગત ૧૯મી ઓગસ્ટે જથ્થાબંધમાં ૩૭૫૦ રુપિયે ક્વિન્ટલનો ભાવ નોંધાયો હતો. ગયા મહિને આ ભાવ ૨૦૫૦ રુપિયા આસપાસ હતો.
ખેડૂતોના સહકારી સંગઠન નાફેડ અને નેશનલ કોઓપરેટીવ કન્ઝ્યુમર્સ ફેડરેશન તરફથી ચાલું જાણકારી વર્ષ માટે ૧.૨ લાખ ટન ડુંગળીનો બફર સ્ટોક કરી લીધો છે. જોકે, સરકારે અગાઉ ટેકાના ભાવ ઓછા જાહેર કર્યા હોવાથી ખેડૂતોએ સરકારને ડુંગળી વેચવા પર ખાસ ધ્યાન આપ્યું ન હતું. સરકારે ક્વિન્ટર દીઠ ભાવ ૧૮૭૫થી વધારીને ૨૧૨૫ રુપિયા કર્યા તે પછી સરકારી રાહે ખરીદી વધી હતી.
મુશ્કેલી એ છે કે ખાંડના વધતા ભાવોને ડામવા આયાત કરી શકાય છે પરંતુ ડુંગળીમાં વિકલ્પો મર્યાદિત છે. બફર સ્ટોકના આધારે કેટલું ગાડું ગબડાવાશે તે જોવાનું રહેશે. આ સંજોગોમાં આગામી એકથી દોઢ મહિના સુધી ડુંગળીના ભાવો પર અંકુશ મુશ્કેલ બની શકે છે.




