Mumbai

મુંબઈના ગણેશ મંડપમાં તુકારામ મુંડેની પણ પ્રતિમા

By GS Team
23 Sep 20262 mins read
TukuTouch Logo
મુંબઈમાં 59 વર્ષ જૂના બાલ ગોપાલ ગણેશ મિત્ર મંડળે આ વર્ષે ગણેશોત્સવમાં અનોખી થીમ રજૂ કરી છે. મહારાષ્ટ્રના FDA કમિશનર તુકારામ મુંડેની ભેળસેળવાળા દૂધ, પનીર અને ઘી સામેની કાર્યવાહી તેમજ ખાદ્યપદાર્થોની ગુણવત્તા જાળવવાના પ્રયાસોને મંડળે કલાત્મક રીતે દર્શાવ્યા છે. મુંડેની પ્રતિમા સાથે તેમની કામગીરીના દૃશ્યો પણ અહીં રજૂ કરાયા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મુંબઈના ગણેશ મંડપમાં તુકારામ મુંડેની પણ પ્રતિમા

સમકાલીન વિષયો પર  થીમની પરંપરામાં સ્થાન

૫૯ વર્ષ જૂનાં ગણેશ મંડળે ભેળસેળવાળા દૂધ, પનીર અને ઘી સામેની કાર્યવાહીની રજૂઆત

મુંબઈ -  મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં અનેક ટોચનાં  આઈકોનિક રેસ્ટોરાં, રાષ્ટ્રીય ઈ કોમર્સ કંપનીઓ તથા અનેક ફૂડ એકમો ઉપરાંત મીઠાઈ, ડેરી એકમો, દવા ઉત્પાદકોને ત્યાં દરોડા પાડી ફૂડ સેફ્ટીની ઝુંબેશ હાથ ધરી સમગ્ર દેશમાં ચર્ચાનું કેન્દ્ર બનેલા મહારાષ્ટ્રના એફડીએ કમિશનર તુકારામ મુંડેને આ વખતે મુંબઈના એક ગણપતિ મંડળમાં પણ સ્થાન મળ્યું છે.

ગણેશોત્સવ દરમિયાન સામાજિક અને સમકાલીન વિષયોને ચિત્રમય સ્વરૃપે રજૂ કરવાની પરંપરા જાળવી રાખતા સાત રસ્તા શાંતિનગર સામે આવેલા ચાવલ નં. ૨૫ના બાલ ગોપાલ ગણેશ મિત્ર મંડળે આ વર્ષે અન્ન અને ઔષધિ વહીવટ તંત્રના કમિશનર તુકારામ મુંડેની કામગીરીને કેન્દ્રમાં રાખીને અનોખી રજૂઆત કરી છે. ૫૯ વર્ષ જૂના આ મંડળ દ્વારા દર વર્ષે વર્તમાન સમયના મહત્વના વિષયને ગણેશોત્સવની સજાવટ અને ચિત્રમય રજૂઆતમાં સ્થાન આપવામાં આવે છે.

આ વર્ષે મંડળે તુકારામ મુંડે દ્વારા ભેળસેળવાળા દૂધ, પનીર અને ઘી સામે કરવામાં આવતી કાર્યવાહી તથા ખાદ્યપદાર્થોની ગુણવત્તા જાળવવા માટેની કામગીરીને રજૂ કરી છે. મંડળમાં તુકારામ મુંડેની પ્રતિમા સાથે તેમની કામગીરી દર્શાવતા વિવિધ દૃશ્યો  પણ તૈયાર કરવામાં આવ્યા છે.

આ મંડળના પ્રમુખ કિશોર ભટ્ટના જણાવ્યા મુજબ, માત્ર ગણેશ  પ્રતિમાની સ્થાપના અને સજાવટ પૂરતી મર્યાદિત ન રહેતા સમાજમાં જાગૃતિ આવે અને લોકો સુધી વર્તમાન મુદ્દાઓનો સંદેશ પહોંચે તે હેતુથી દર વર્ષે કોઈને કોઈ સમકાલીન વિષયને રજૂ કરવામાં આવે છે. આ વર્ષે તુકારામ મુંડેની કામગીરીને  એક વિષય તરીકે રજૂ કરાઈ છે.  આ ઉપરાંત મંડળની સજાવટમાં મહારાષ્ટ્રના વિવિધ તીર્થસ્થળો પણ દર્શાવવામાં આવ્યા છે. ધામક આસ્થા સાથે સામાજિક જાગૃતિ અને વર્તમાન વિષયને જોડવાનો પ્રયાસ મંડળ દ્વારા કરવામાં આવ્યો છે. ગણેશોત્સવના માધ્યમથી લોકો સુધી સામાજિક સંદેશ પહોંચાડવાનો અમારો પ્રયાસ છે.