એક લોકલમાં કિન્નરોએ યુવકને ફટકાર્યો, બે ટ્રેનોમાં દિવ્યાંગ પ્રવાસીઓ પર હુમલા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

લોકલ ટ્રેનોમાં હિંસાના વધતા કિસ્સા, પ્રવાસીઓ અસલામત
અંબરનાથ-સીએસટી જતી ટ્રેનમાં લેડીઝ કોચમાં દારુડિયાના અશ્લીલ ચેનચાળા, બે જુદી જુદી ટ્રેનોમાં દિવ્યાંગ કોચમાં ઘૂસેલા પ્રવાસીઆ સામે વાંધો લેવાતાં માર માર્યો
મુંબઈ - લોકલ ટ્રેનોમાં હિંસાની એક પછી એક બનતી ઘટનાઓ વચ્ચે વધુ ઘટનાઓ સામે આવી છે. એક યુવક સાથે બે કિન્નરોએ મારપીટ કરી હતી . બીજી તરફ બે જુદી જુદી ટ્રેનોમાં દિવ્યાંગ કોચમાં ચઢી ગયેલા પ્રવાસીઓએ દિવ્યાંગ પ્રવાસીઓને ફટકાર્યાના કિસ્સા નોંધાયા છે. આ ઉપરાંત અન્ય ઘટનામાં મહિલા કોચમાં દારૃડિયાએ ઘૂસીને અશ્લીલ ચાળા કર્યા હતા. મુંબઈની લોકલમાં અચાનક જ હિંસક બનાવો વધી રહ્યા છે. આ સંજોગોમાં દરેક કોચમાં બંદોબસ્ત તથા સીસીટીવી કેેમેરા ઉપરાં સ્ટેશને સર્વેલન્સ વધારવા સહિતનાં પગલાં ભરવા માગણી થઈ રી છે.
એક વાયરલ થયેલી ઘટનામાં રાતના સમયે લોકલમાં પ્રવાસ કરનારા એક યુવક પર બે કિન્નરોએ મળીને હુમલા કર્યા હતા. જોકે આ મારપીટ પાછળનું કારણ હજી સામે આવ્યું નથી.
ગઈ તા. ૧૮મીની આ ઘટના સંદર્ભમાં રેલવે પોલીસે તપાસ કરી બે કિન્નરોને ઓળખી કાઢ્યા હતા અને તેમની અટકાયત કરી હતી.
દિવ્યાંગ કોચમાં બેસવા ના પાડતાં હુમલો
શનિવારે દિવ્યાંગો પર હુમલાની બન્ને ઘટનાઓમાંથી એક ઘટના સીએસટી-કલ્યાણ ધીમી લોકલ ટ્રેનમાં બની હતી. દિવ્યાંગ પ્રવાસી સંજય ઉગલે મુલુંડ સ્ટેશનેથી આ ટ્રેનમાં ચઢ્યા હતા અને થાણે સ્ટેશને બે સામાન્ય પ્રવાસીઓ દિવ્યાંગ કોચમાં ઘૂસી ગયા હતા. ત્યારે ઉગલેએ તેમને જણાવ્યું હતું કે આ કોચ દિવ્યાંગો માટે છે. આટલું સાંભળતા જ બન્ને શખસ ઉશ્કેરાઇ ગયા હતા અને ત્રણેય વચ્ચે ઝઘડો થયો હતો, જેમાં બે પ્રવાસીઓએ ઉગલે ઉપર હુમલો કર્યો હતો. દિવા સ્ટેશનેથી દિવ્યાંગ કોચમાં ચઢેલા એક પ્રવાસીએ ઉગલેની મદદ કરી તો તેના ઉપર પણ બન્ને પ્રવાસીઓએ હુમલો કર્યો હતો.
ઉગલે બાદમાં દિવા સ્ટેશને કોન્સ્ટેબલનો સંપર્ક સાધીને ઘટનાની જાણ કરી હતી. ઉગલે મુજબ કોન્સ્ટેબલે પણ કોઇ કાર્યવાહી કરવાને બદલે ત્યાંથી જતો રહ્યો હતો. આ ઘટના રાતે ૧૧.૫૪ વાગ્યે બની હતી. મોડું થઇ ગયું હોવાથી ઉગલેએ સોમવારે થાણે જીઆરપીમાં ફરિયાદ કરવાનું નક્કી કર્યું હતું.
સીએસટી ટ્રેનમાં મહિલાઓનો દિવ્યાંગ પર હુમલો
બીજી ઘટનામાં એક મહિલા કર્જતથી સીએસટી જનારી સવારની ૮.૩૬ની લોકલના દિવ્યાંગજન કોચમાં ચઢી ગઇ હતી. ત્યારે કોચમાં સ્થિત દિવ્યાંગ પ્રવાસીઓએ તેને કહ્યું હતું કે આ દિવ્યાંગો માટેનો કોચ છે. ત્યારે મહિલાએ હાથમાં ફ્રેક્ચર હોવાનું જણાવ્યું હતું. દિવ્યાંગ પ્રવાસીઓએ મહિલા પાસેથી સંબંધિત મેડિકલ રીપોર્ટ બતાવવા કહ્યું ત્યારે મહિલાએ અનિલ ગંગાવકર નામના પ્રવાસીને ગાળો આપવાનું શરૃ કરી દીધું હતું અને કુર્લા સ્ટેશનેથી આ મહિલાની અન્ય બે સાથી મહિલાઓ પણ તે જે કોચમાં ચઢી હતી અને ત્રણેયે મળીને ગંગાવકર પર હુમલો કર્યો હતો.
આ ઘટનાનો વિડીયો વાયરલ થયા બાદ રેલવે પોલીસે સામેથી ગંગાવકરનો સંપર્ક સાધીને તેમને ફરિયાદ નોંધાવવા કહ્યું હતું.
લેડીઝ કોચમાં દારુડિયાના અશ્લીલ ચાળા
અંબરનાથથી સીએસટી જનારી લોકલ ટ્રેનમાં રવિવારે સાંજે સાત વાગ્યાના સુમારે ઉલ્હાસનગરથી વિઠ્ઠલવાડી સ્ટેશન દરમિયાન એક દારૃડિયો લેડિઝ કોચમાં ચઢી ગયો હતો અને મહિલાઓ સામે અભદ્ર વર્તન કરવાનું શરૃ કરી દીધું હતું.મહિલાઓએ બૂમાબૂમ કરી મૂકતા ટ્રેન જ્યારે વિઠ્ઠલવાડી સ્ટેશને પહોંચી ત્યારે અન્ય પ્રવાસીઓએ મહિલા કોચમાં ચઢીને દારૃડિયાને પકડી, કોચમાંથી ઉતાર્યો હતો.









