Mumbai

કોરોનાકાળ બાદ પ્રવાસીઓ ઘટયાં પરંતુ તંત્રની આવક વધી

By GS Team
5 Apr 20261 min read
કોરોનાકાળ બાદ પ્રવાસીઓ ઘટયાં પરંતુ તંત્રની આવક વધી

વેસ્ટર્ન રેલવેની માહિતી

દૈનિક પ્રવાસી સંખ્યા ૩૪ લાખથી ઘટી ૨૯ લાખે ગઈ જ્યારે આવક ૨.૧૨ કરોડથી વધી ૨.૩૯ કરોડ થઈ

મુંબઈ - કોરોનાકાળ પછી મુંબઈની ઉપનગરીય રેલવે વ્યવસ્થામાં એક રસપ્રદ બદલાવ જોવા મળ્યો છે. મુસાફરોની સંખ્યા હજી સુધી કોરોનાપૂર્વ સ્તર સુધી પહોંચી નથી, છતાં રેલવેની આવકમાં વધારો નોંધાયો છે. ઉદાહરણ તરીકે, વેસ્ટર્ન રેલવેમાં દૈનિક મુસાફરોની સંખ્યા ૩૪.૮૭ લાખથી ઘટીને આશરે ૨૯.૫૨ લાખ થઈ છે, છતાં આવક ૨.૧૨ કરોડથી વધીને ૨.૩૯ કરોડ રુપિયા થઈ ગઈ છે. સેન્ટ્રલ રેલવેમાં પણ આવી જ સ્થિતિ જોવા મળી રહી છે.

આ આવકમાં વૃદ્ધિના મુખ્ય કારણોમાં એસી લોકલ ટ્રેનોનો વધતો ઉપયોગ, ઊંચા દરની ટિકિટ અને બિનટિકિટ મુસાફરી સામે કડક કાર્યવાહીનો સમાવેશ થાય છે. ઉપરાંત, લાંબા અંતરના મુસાફરોની સંખ્યા વધવાથી પ્રતિ મુસાફર આવકમાં વધારો થયો છે. એટલે કે મુસાફરોની સંખ્યા ઓછી હોવા છતાં કુલ આવકમાં વધારો નોંધાયો છે.

બીજી તરફ, મુસાફરોની સંખ્યા પૂર્ણપણે ન વધવાનું કારણ વર્ક ફ્રોમ હોમની સુવિધા અને મેટ્રો સેવાઓનો વધતો ઉપયોગ માનવામાં આવે છે. ઘણા લોકો હવે વિકલ્પરૃપ પરિવહન સાધનો તરફ વળી રહ્યા છે. છતાં, પ્રીમિયમ સેવાઓ અને બદલાતી મુસાફરીની પદ્ધતિઓને કારણે ભવિષ્યમાં પણ રેલવેની આવક સ્થિર રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.