આપઘાત રોકવા આઈઆઈટી હોસ્ટેલમાં સિલિંગ ફેન કાઢી વોલ માઉન્ટેડ ફેન લગાડવાનું શરુ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

આપઘાત રોકવા આઈઆઈટી હોસ્ટેલમાં સિલિંગ ફેન કાઢી વોલ માઉન્ટેડ ફેન લગાડવાનું શરુ
દેશની અન્ય કેટલીક શૈક્ષણિક સંસ્થાઓને અનુસરી પગલું
જોકે, હાલમાં વિદ્યાર્થીના આપઘાત ને લીધે નહિ પરંતુ મહિનાઓ પહેલાં જ લેવાયેલા નિર્ણયના ભાગરુપે પંખા બદલાઈ રહ્યા હોવાનો દાવા
મુંબઈ - આઈઆઈટી બોમ્બેમાં એક વિદ્યાર્થીએ પંખે લટકી ગળે ફાંસો ખાધા બાદ સંસ્થાએ વિદ્યાર્થીઓની હોસ્ટેલની રુમ્સમાં સીલિંગ ફેનને બદલે વોલ-માઉન્ટેડ ફેન લગાવવાની પ્રક્રિયા શરૃ કરી છે. નવા પ્રકારના ફેનનો પ્રથમ જથ્થો કેમ્પસમાં પહોંચી ગયો છે. ૧૮ સપ્ટેમ્બરે બીટેકના બીજા વર્ષના વિદ્યાર્થી ૨૦ વર્ષીય સાહિલ વાકોડેનો હોસ્ટેલના રૃમમાં સીલિંગ ફેન સાથે લટકેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યા બાદ આ નિર્ણયે ખાસ ધ્યાન ખેંચ્યું છે.
સૂત્રોના જણાવ્યાનુસાર, સીલિંગ ફેન બદલવાની પ્રક્રિયા અંગે છેલ્લા આશરે બે મહિનાથી વિચારણા ચાલી રહી હતી અને તાજેતરમાં આ યોજનાને મંજૂરી મળી હતી. જુલાઈમાં પણ સંસ્થાના વહીવટીતંત્રે વિદ્યાર્થીઓને પંખા બદલવાની કામગીરી હાથ ધરવાની ખાતરી આપી હતી.
જોકે, આઈઆઈટી બોમ્બેના અધિકારીઓએ જણાવ્યું હતું કે, પંખા બદલવાની કામગીરી અગાઉથી નક્કી કરાયેલા હોસ્ટેલના વ્યાપક રીનોવેશનના ભાગરૃપે કરવામાં આવી રહી છે તથા તાજેતરના વિદ્યાર્થીના મૃત્યુને ધ્યાનમાં રાખીને તાત્કાલિક રીતે આ નિર્ણય લેવામાં આવ્યો નથી. તેમ છતાં, તાજેતરની ઘટનાઓને કારણે આ કામગીરી ચર્ચામાં આવી છે. કેટલીક શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓની આત્મહત્યાની ઘટનાઓને ધ્યાનમાં રાખીને સીલિંગ ફેનને બદલે વોલ-માઉન્ટેડ ફેન લગાવવાની પદ્ધતિ અપનાવવામાં આવી છે.
સાહિલ વાકોડેના મૃત્યુ બાદ આઈઆઈટી બોમ્બે કેમ્પસમાં વિરોધ પ્રદર્શન પણ થયા હતા. સંસ્થાના જણાવ્યા મુજબ, તેના મૃત્યુના થોડા કલાકો પહેલાં મીડ ટર્મની પરીક્ષા દરમિયાન તે મોબાઇલ ફોનનો ઉપયોગ કરતા ઝડપાયો હતો. જોકે, તેના પરિવારે સંસ્થાકીય હેરાનગતિ અને જાતિવાદી ભેદભાવના આક્ષેપો કર્યા હતા. વિરોધ પ્રદર્શન બાદ આઈઆઈટી બોમ્બેના ડીન ઓફ એડમિનિસ્ટ્રેટિવ અફેર્સ સૂર્યનારાયણ દૂલાને પદ પરથી હટાવવામાં આવ્યા હતા. પોલીસે તેમની વિરુદ્ધ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ હેઠળ તથા આત્મહત્યા માટે પ્રેરિત કરવાના આરોપસર કેસ નોંધ્યો હતો. ત્યારબાદ ફેકલ્ટી સભ્યોએ તેમના સમર્થનમાં માર્ચ પણ યોજી હતી. ફેકલ્ટી ફોરમે જણાવ્યું હતું કે તેમણે સેનેટ દ્વારા મંજૂર પરીક્ષા પ્રક્રિયાનું પાલન કર્યું હતું.
છ વર્ષમાં દેશભરની આઈઆઈટીં માં ૩૯ વિદ્યાર્થીઓની આત્મહત્યા
સાહિલ વાકોડેની આત્મહત્યાની ઘટનાએ આઈઆઈટી અને અન્ય ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓની આત્મહત્યાના મુદ્દા પર ફરી ધ્યાન કેન્દ્રિત કર્યું છે. શિક્ષણ મંત્રાલયે જુલાઈ ૨૦૨૩માં સંસદને જણાવ્યું હતું કે ૨૦૧૮થી ૨૦૨૩ દરમિયાન વિવિધ આઈઆઈટીમાં ૩૯ વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી હતી. સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત નેશનલ ટાસ્ક ફોર્સના જૂન ૨૦૨૬માં જાહેર કરાયેલા વચગાળાના અહેવાલમાં શૈક્ષણિક દબાણ, જાતિવાદી ભેદભાવ, આર્થિક તણાવ, જાતીય સતામણી અને પરીક્ષામાં નિષ્ફળતા જેવા પરિબળોને વિદ્યાર્થીઓની આત્મહત્યા સાથે સંકળાયેલા પરિબળો તરીકે દર્શાવવામાં આવ્યા હતા. જ્યારે છેલ્લાં ૨૦ વર્ષમાં ૧૧૭ વિદ્યાર્થીઓએ વિવિધ આઈઆઈટીમાં આત્મહત્યા કરી હોવાનું પણ જાણવા મળ્યું છે.અહેવાલમાં સંસ્થાકીય સ્તરે માનસિક સ્વાસ્થ્ય સંબંધિત તૈયારીઓમાં રહેલી ખામીઓ તરફ પણ ધ્યાન દોરવામાં આવ્યું હતું. ૨૩ આઈઆઈટી સહિત ૩૧ કેન્દ્રીય ભંડોળ પ્રાપ્ત સંસ્થાઓના ૯૦ ટકા ફેકલ્ટી સભ્યો પાસે વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવા માટે યોગ્ય તાલીમનો અભાવ હોવાનું અહેવાલમાં જણાવાયું હતું. ત્યારબાદ આઈઆઈટી દ્વારા પિયર સપોર્ટ, કાઉન્સેલિંગ, વેલનેસ અને ફેકલ્ટી તાલીમ સહિત વિવિધ પહેલ હાથ ધરવામાં આવી છે.




