ટાઈગર મેમણની ઓફિસ અને બે ફલેટોની સાફેમા હેઠળ હરાજી થઈ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

બાબરી ધ્વંસનો બદલો લેવા ટાઈગરે ૯૩માં વિસ્ફોટો કરાવ્યા હતા
બાંદ્રાના ફલેટની રિઝર્વ પ્રાઈઝ પાંચ કરોડ, અન્ય મિલ્કતોની પ્રાઈઝ બે કરોડ આસપાસ નક્કી થઈ હતી
મુંબઈ - મુંબઈમાં ૧૯૯૨- ૯૩માં થયેલા શ્રેણીબધ્ધ બોમ્બ વિસ્ફોટોના માસ્ટર માઈન્ડ ટાઈગર મેમણ સાથે જોડાયેલી ત્રણ મિલકતોની મંગળવારે હરાજી કરવામાં આવી હતી. હરાજીમાં અનેક બોલી લગાવનારાઓ આવ્યા હતા, પરંતુ પરિણામો જાહેર કરવામાં આવ્યા નથી.
આ હરાજી સ્મગલર્સ એન્ડ ફોરેન એક્સચેન્જ મેનિપ્યુલેટર્સ એક્ટ (સાફેમા) ૧૯૭૬ના સમક્ષ અધિકારી અને વહીવટકર્તા સુરભિ શર્માની દેખરેખ હેઠળ હાથ ધરવામાં આવી હતી. જે સંપત્તિઓ હરાજીમાં વેચાઈ તેમાં માહિમની અલ-હુસૈની બિલ્ડિંગમાં ગેરેજ સાથેનો ૭૫૧ ચોરસ ફૂટનો ફલેટ, મેમણ પરિવાર જ્યાં રહેતો હતો ત્યાં ૫૫૦ ચોરસ ફૂટ વિસ્તાર ધરાવતા તિજારત ઈન્ટરનેશનલની ઓફિસની જગ્યા અને બાંદ્રા (પશ્ચિમ)માં ૯૭૦ ચોરસ ફૂટનો ફલેટનો સમાવેશ થાય છે.
ટાઈગર મેમણના અલ- હુસૈની બિલ્ડિંગના ફલેટની રિઝર્વ કિંમત રૃ.૧.૯ કરોડ, તિજારત ઈન્ટરનેશનલની ઓફિસની રૃ.૨.૦૫ કરોડ અને બાંદ્રાના ફલેટની કિંમત ૫.૨ કરોડ રાખવામાં આવી હતી.
સીબીઆઈએ તેની ચાર્જશીટમાં દાવો કર્યો હતો કે આ વિસ્ફોટો બાબરી મસ્જિદના ધ્વંસનો બદલો લેવા માટે કરવામાં આવ્યા હતા. સૂત્રોએ જણાવ્યું હતું કે આ હુમલો કોમી રમખાણો દરમિયાન મેમણ દ્વારા પોતાની મિલકતને ગુમાવવા/ નુસાન પહોંચાડવાના બદલો લેવા માટે પણ કરવામાં આવ્યો હતો. ફરાર મેમણ શરૃઆતથી જ બદલો લેવામાં માનતા વ્યક્તિ તરીકે જાણીતો હતો.
ટાઈગર મેમણ ચાંદીની દાણચોરીમાં સક્રિય રીતે સામેલ હતો . ૧૯૯૨ના કોમી રમખાણો દરમિયાન કેટલાક ગુંડાઓએ તેની દુકાનને આગ ચાંપી હતી. આ ઘટનાથી મેમણ એટલો ગુસ્સે ભરાયો હતો કે તેણે પોતાની મિલકતના નુકસાનનો બદલો લેવાનું નક્કી કર્યું હતું.
સરકારી અધિકારીઓએ મેમણ અને તેના સંબંધીઓની માલિકીની લગભગ દોઢ ડઝન મિલકતો જપ્ત કરી હતી. સૂત્રો અનુસાર જપ્તીનો આદેશ પહેલા સાફેમા દ્વારા પસાર કરવામાં આવ્યો હતો. ટાડા કોર્ટે કોર્ટ રીસીવરને મિલકતો સાફેમાને આપવાનો આદેશ આપ્યો હતો. અગાઉ આ મિલ્કતોના અન્ય દાવેદારોમાં સીબીઆઈ અને મુંબઈ આર્થિક ગુના શાખાનો સમાવેશ થતો હતો. મેમણના કેસમાં જપ્ત કરાયેલી ૧૭ સ્થાવર મિલકતોનો કબજો સાફેમાને મળ્યો હતો. ત્યારબાદ આ બધી મિલકતોનો કબજો લઈ તેને સુરક્ષિત કર્યા બાદ જ્યાં પણ મિલકતો મુક્દમાથી મુક્ત છે ત્યાં હરાજી દ્વારા તેમના નિકાલની શરૃઆત કરવામાં આવી હતી.
મેમણની અન્ય મિલકતોમાં ઝવેરીબજારમાં ૨૦૦ ચોરસ મીટરનો પ્લોટ, ડોંગરીમાં એક દુકાન કુર્લાના કાપડિયા નગરમાં બે ફલેટ વગેરેનો સમાવેશ થાય છે જે સાફેમા દ્વારા કબજામાં લેવામાં આવ્યા છે.
ટાઈગર મેમણે તે સમયે ડઝનબંધ લોકો સામે મળીને ૧૨ માર્ચ ૧૯૯૩ના રોજ શહેરમાં ૧૨ ઘાતક બોમ્બ વિસ્ફોટોનું કાવતરું ઘડયું હતું અને તેને અંજામ આપ્યો હતો, જેમાં ૨૫૭ લોકો માર્યા ગયા હતા અને ૭૧૩ લોકો ઘાયલ થયા હતા.




