ચંદ્રપુરના જંગલમાં 13 મહિલાઓ પર વાઘ ત્રાટ્કયો, 4નાં મોત

તેંદૂપત્તા
વીણવા ગયેલી મહિલાઓ પર હુમલો
વાઘના
હુમલામાં એકસાથે ચાર મહિલાના મોતની પહેલી ઘટનાઃ
ચીસાસીસથી જંગલ ગાજ્યું
મુંબઇ -
ચંદ્રપુર જિલ્લાના સિંદેવાહી તાલુકાના ગુંજેવાહીના જંગલમાં
આજે વહેલી સવારે તેંદૂપત્તા વીણવા ગયેલી ૧૩ મહિલાઓના જૂથ પર વિકરાળ વાઘે હુમલો
કરતા ચાર મહિલાઓ તત્કાળ મોતને ભેટી હતી. એક સાથે ચાર મહિલાનો વાઘે ભોગ લીધો હોય
એવી આ પહેલવહેલી ઘટનાને લીધે તેંદૂપત્તા વિણવા ગયેલા શ્રમિકોમાં હાહાકાર મચી ગયો
હતો.
એવું
જાણવા મળ્યું હતું કે ઉનાળામાં તેંદૂપત્તા વિણવાની સીઝન શરૃ થતા સ્ત્રીઓ અને
પુરુષો રોજ વહેલી સવારે ઘરેથી નીકળીને જંગલ
વિસ્તારમાં પહોંચી જાય છે. આવી જ રીતે આજે સવારે ગુંજેવાહી ગામની ૧૩ મહિલાઓ
આજે જંગલમાં પહોંચી હતી. સવારે આઠ વાગ્યાના સુમારે ગાઢ જંગલની અંદર લપાઇને બેઠેલા
વિકરાળ વાઘે મહિલાઓ ઉપર તરાપ મારી હતી. પ્રત્યક્ષદર્શીના જણાવ્યા પ્રમાણે વાઘે
ઉપરાઉપરી પંજાથી પ્રહાર કરવાનું ચાલુ રાખ્યું હતું. મહિલાઓને મદદ માટે બૂમ પાડવાનો
કે દૂર નાસી છુટવાનો મોકો સુદ્ધા નહોતો આપ્યો. જોતજોતામાં ચાર મહિલાઓ ગંભીર રીતે
ઘાયલ થઇ ઘટનાસ્થળે જ મોતને ભેટી હતી. ચારે
તરફ લોહીના ફુવારા ઉડયા હતા.
વાઘના
ઘાતકી હુમલાને પગલે ગ્રામજનો રોષે ભરાયા હતા. સિંદેવાહીના ફોરેસ્ટ ઓફિસર અંજલી
સાયંકર તત્કાળ તેમની ટીમ સાથે ઘટનાસ્થળે ધસી ગયા હતા. પોલીસ પાર્ટી પણ પહોંચી ગઇ
હતી. આ પરિસરનું નિરીક્ષણ કર્યા બાદ
પંચનામું કરવામાં આવ્યું હતું. વાઘના હુમલાનો ભોગ બનેલી મહિલાઓમાં કવડૂબાઇ દાદાજી
મોહુર્લે (ઉં.વ.૪૫) અનુબાઇ દાદાજી મોહુર્લે (ઉં.વ.૪૬), સંગીતા સંતોષ ચૌધરી
(૩૬) અને સુનીતા કૌશિક મોહુર્લે (ઉં.વ.૩૩)નો સમાવેશ થાય છે. આમ વાઘના હુમલામાં
મોહુર્લે પરિવારની ત્રણ મહિલાઓએ જીવ ગુમાવ્યો હતો.
એક
સાથે ચાર મહિલાઓના મોતને લીધે ગ્રામજનોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો અને વાઘને વહેલી
તકે પકડવાની ફોરેસ્ટ ખાતાને અપીલ કરી હતી. વન વિભાગ તરફથી આ એરિયામાં પેટ્રોલિંગ
વધારી દેવામાં આવ્યું છે. આદમખોર વાઘ નહીં પકડાય તો તેંદૂપત્તા વિણવાની આ સીઝન પર
માઠી અસર થશે એમ ગ્રામજનોએ ભયભીત સ્વરે જણાવ્યું હતું.
એક
મહિલા દોડીને ગામે પહોંચી અને બધાને જાણ કરી
મુંબઇ, તા.૨૨ ઃ ગુંજેવાહીના
જંગલમાં ૧૩ મહિલાઓ તેંદૂપત્તા વિણતી હતી ત્યારે વાઘે પૂરી તાકાતથી હુમલો કર્યો
ત્યારે આ જૂથની એક મહિલા દોડીને ગામડે પહોંચી ગઇ હતી અને રાડારાડ કરી ગામલોકોને
હુમલાની જાણ કરી હતી. ગામલોકો હાથમાં લાઠી અને ધારિયા લઇને જંગલમાં પહોંચી ગયા હતા
પણ ત્યાં સુધીમાં વાઘ ચાર મહિલાનો ભોગ લઇ નાસી છૂટયો હતો.




