Mumbai

કાસ્ટ વેલિડિટી સર્ટી. મેળવવા માટે વધુ ત્રણ મહિનાની મુદત

By GS Team
6 Sep 20262 mins read
TukuTouch Logo
મુંબઈમાં મેડિકલ અને એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓને કાસ્ટ વેલિડિટી સર્ટિફિકેટ રજૂ કરવા માટે 3 મહિનાનો વધારાનો સમય મળ્યો છે. સમયસર પ્રમાણપત્ર રજૂ ન થવાને કારણે પ્રવેશ રદ થવાની ભીતિ ટળી ગઈ છે. જાતિ ચકાસણી સમિતિઓ પાસે મોટી સંખ્યામાં અરજીઓ હોવાથી વિદ્યાર્થીઓને રાહત આપતો આ નિર્ણય 4 સપ્ટેમ્બરે જાહેર થયો. આ અંતિમ મુદતવધારો હોવાનું તંત્રએ સ્પષ્ટ કર્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

કાસ્ટ વેલિડિટી સર્ટી. મેળવવા માટે વધુ ત્રણ મહિનાની મુદત

મેડિકલ અને એન્જિનીયરીંગના વિદ્યાર્થીઓને રાહત

આ આખરી મુદતવધારો હોવાનું તંત્ર દ્વારા સ્પષ્ટીકરણ

મુંબઈ  - મેડિકલ અને એન્જિનિયરિંગ કોર્સેસમાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓને જાતિ વૈધતા (કાસ્ટ વેલિડિટી) પ્રમાણપત્ર રજૂ કરવા માટે વધુ ત્રણ મહિનાનો મુદતવધારો આપવામાં આવ્યો છે. આ નિર્ણયને કારણે સમયસર જાતિ વૈધતા પ્રમાણપત્ર રજૂ ન કરી શકવાના કારણે પ્રવેશ રદ થવાની ઊભી થયેલી ભીતિ હાલ પૂરતી ટળી ગઈ છે. આ નિર્ણયથી સંબંધિત વિદ્યાર્થીઓને મોટી રાહત મળી છે.

પ્રવેશ પ્રક્રિયા દરમિયાન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે જાતિ પ્રમાણપત્રની સાથે જાતિ વૈધતા પ્રમાણપત્ર રજૂ કરવું જરૃરી હોય છે. જોકે, જાતિ ચકાસણી સમિતિઓ પાસે મોટી સંખ્યામાં અરજીઓ પ્રલંબિત હોવાથી અનેક વિદ્યાર્થીઓને હજુ સુધી વૈધતા પ્રમાણપત્ર મળ્યું નથી. પરિણામે, પ્રમાણપત્ર રજૂ કરવાની સમયમર્યાદા નજીક આવતાં વિદ્યાર્થીઓના પ્રવેશ પર અસર થવાની શક્યતા ઊભી થઈ હતી.

આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ચોથી સપ્ટેમ્બરે જાહેર થયેલા પરિપત્રકમાં જાતિ વૈધતા પ્રમાણપત્ર રજૂ કરવા માટે વધુ ત્રણ મહિનાનો સમય આપવામાં આવ્યો છે. આથી વૈધતા પ્રમાણપત્ર મેળવવાની પ્રક્રિયામાં રહેલા વિદ્યાર્થીઓને તે રજૂ કરવા માટે વધારાનો પૂરતો સમય મળશે. ખાસ કરીને મેડિકલ અને એન્જિનિયરિંગ જેવા વ્યાવસાયિક અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓ માટે આ નિર્ણય મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

ત્રણ મહિનાના મુદતવધારાને કારણે જાતિ વૈધતા પ્રમાણપત્ર મેળવવામાં થતા વિલંબના કારણે વિદ્યાર્થીઓના પ્રવેશ પર ઊભું થયેલું સંકટ હાલ પૂરતું ટળી ગયું છે. પરિણામે પ્રવેશ મેળવી ચૂકેલા વિદ્યાર્થીઓ પોતાનો અભ્યાસક્રમ ચાલુ રાખી શકશે અને સંબંધિત તંત્ર દ્વારા પ્રમાણપત્રની પ્રક્રિયા પૂર્ણ થવાની રાહ જોવા માટે તેમને વધારાનો સમય મળશે.