વસઈની લોજમાંથી સાયબર ફ્રોડનું રેકેટ ચલાવતા વડોદરાના ત્રણ ઝડપાયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

નવ રાજ્યોના લોકો સાથે ૨૦ કરોડનું ફ્રોડ
એપીકે ફાઈલો મોકલી છેતરપિંડી કરતા હતાઃ આખો દિવસ લોજની રુમમાં પુરાઈ રહેતા હોવાથી સ્ટાફને શંકા ગઈ
મુંબઈ - વાલીવ પોલીસે દેશવ્યાપી સાયબર છેતરપિંડીના મોટા રેકેટનો ભાંડો ફોડી ગુજરાતના વડોદરાના ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓએ નવ રાજ્યોના નાગરિકોને નિશાન બનાવી ૨૦ કરોડ રૃપિયાથી વધુની છેતરપિંડી કરી હોવાની આશંકા છે. પોલીસે આરોપીઓ સાથે જોડાયેલા બે બેંક ખાતાઓમાં અંદાજે ૧.૫ કરોડ રૃપિયાની રકમના પુરાવા મેળવ્યા છે.
છેલ્લા કેટલાક દિવસોથી વસઈના એક લોજમાં કેટલાક શંકમંદ લોકો રોકાયા હતા. હોટલના કર્મચારીઓએ નોંધ્યું કે તેઓ આખો દિવસ રૃમમાં જ રહેતા અને રાત્રે કેટલાક સાથીદારો તેમની પાસે આવી દારૃ પીતા હતા. તેમની હરકતો શંકાસ્પદ લાગતાં કર્મચારીએ વાલીવ પોલીસને જાણ કરી હતી.
આ વિશે માહિતીના આધારે પોલીસે લોજના રૃમમાં દરોડો પાડયો હતો. ત્યાંથી ત્રણ શંકમંદ વ્યક્તિઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. પૂછપરછ દરમિયાન ખુલાસો થયો કે તેઓ રૃમમાંથી જ સાયબર છેતરપિંડી ચલાવતા હતા. પોલીસે તેમના પાસેથી નકલી આધાર કાર્ડ અને પેન કાર્ડ પણ જપ્ત કર્યા છે. તપાસમાં જાણવા મળ્યું કે આરોપીઓના બે ખાતાઓમાં છેતરપિંડીથી પ્રાપ્ત થયેલી આશરે ૧.૫ કરોડ રૃપિયાની રકમ મળી આવી છે. આ ખાતાઓ સંબંધિત દેશના વિવિધ વિસ્તારોમાં કુલ પચ્ચીસ ફરિયાદો નોંધાઈ ચૂકી છે.
વાલીવ પોલીસે આ કેસમાં ૨૮ વર્ષના શેખ આફતાબ અહેમદ, ૨૧ વર્ષના શેખ મોહમ્મદ સૈફ અને ૩૦ વર્ષના શાહરૃખ પઠાણની ધરપકડ કરી છે. ત્રણેય આરોપીઓ ગુજરાતના વડોદરાના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. પોલીસે જણાવ્યું કે તેમના અન્ય ચાર ફરાર સાથીદારોની શોધખોળ ચાલુ છે
પોલીસ તપાસ મુજબ આરોપીઓ લોકોને એપીકે ફાઇલ મોકલી તેમના મોબાઇલમાં એક્સેસ મેળવતા અને ત્યારબાદ બેંકિંગ તથા અન્ય સંવેદનશીલ માહિતી ચોરી આથક છેતરપિંડી કરતા હતા. વાલીવ પોલીસ સ્ટેશનના પોલીસ સબ-ઇન્સ્પેક્ટર અવિનાશ હટખિલેએ જણાવ્યું કે, આરોપીઓએ કરોડો રૃપિયાની સાયબર છેતરપિંડી કરી હોવાની શક્યતા છે અને સમગ્ર નેટવર્કની ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે.









