નાલાસોપારામાં ૩ દિવસથી વીજળી વિના ત્રસ્ત હજારો લોકો રસ્તા પર ઉતર્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

મહાવિતરણ અને સરકારી તંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચારો સાથે ધમાલ થતાં પોલીસ દોડીઃ ચૂંટાયેલા નેતાઓ ભૂગર્ભમાં ઉતરી ગયા
વર્ષથી રહીએ છીએ આવી વિકટ સ્થિતિ ક્યારેય જોઈ નથી ૨૫
મુંબઇ - વસઈ-વિરારમાં વરસાદની તીવ્રતા ઘટી હોવા છતાં પૂર જેવી સ્થિતિ યથાવત રહી હતી. અનેક વિસ્તારોમાં હજુ પણ પાણી ભરાયેલા છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં છેલ્લા ૭૨ કલાકથી વધુ સમયથી વીજ પુરવઠો ખોરવાતા નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સમસ્યાથી કંટાળેલા નાલાસોપારાના હજારો નાગરિકો બુધવારે રસ્તા પર ઉતરી આવ્યા હતા અને વહીવટીતંત્ર તેમ જ મહાવિતરણ સામે જોરદાર વિરોધ નોંધાવ્યો હતો.
જુલાઈ મહિનાની શરૃઆતથી વસઈ-વિરારમાં સતત ભારે વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા સાત દિવસમાં કુલ ૧,૪૮૨ મીમી વરસાદ નોંધાતા વસઈ-વિરારમાં અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. છેલ્લા ચાર દિવસથી અનેક રહેણાંક વિસ્તારો પૂર જેવી સ્થિતિમાં ઘેરાયેલા છે.
ભારે વરસાદને કારણે મહાવિતરણના મુખ્ય સબસ્ટેશન, ટ્રાન્સફોર્મર, વીજ વિતરણ બોક્સ અને ભૂગર્ભ કેબલો પાણીમાં ડૂબી જતાં શહેરના ઘણા વિસ્તારોમાં વીજ પુરવઠો સંપૂર્ણપણે બંધ થઈ ગયો હતો. નાલાસોપારાના છેડા નગર, પાટણકર પાર્ક, યશવંત ગૌરવ, હનુમાન નગર, સાંઈ ધામ, ચંદન નાકા, અલકાપુરી અને અગ્રવાલ નગરી સહિતના વિસ્તારોમાં છેલ્લા ત્રણ દિવસથી વધુ સમય સુધી અંધારપટ્ટી રહી હતી.
વીજળીના અભાવે પીવાના પાણીની સમસ્યા પણ ગંભીર બની છે. મોબાઈલ ચાજગ, ઘરગથ્થુ કામકાજ અને અન્ય રોજિંદી જરૃરિયાતો પ્રભાવિત થતાં લોકોમાં ભારે રોષ ફેલાયો હતો. બુધવારે સવારે નાલાસોપારાના નગીનદાસ
પાડા વિસ્તારમાં મોટી સંખ્યામાં નાગરિકોએ રસ્તા પર ઉતરી રસ્તા રોકો આંદોલન કર્યું અને મહાવિતરણ તથા વહીવટીતંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. લોકોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે પાણીના નિકાલ માટે પાલિકાવાળા કોઇ પ્રયાસ કરતા હોય એવું દેખાતુ નથી. ત્રણ-ચાર દિવસથી લાઇટ વિના જીવવાનું દુષ્કર બની ગયું છે. મોબાઇલ ચાર્જ નથી થતા. કોમ્પ્યુટર અને લેપટોપ બંધ છે. ઇન્વર્ટરોનું ચાર્જિંગ ઉતરી ગયું છે.
વિરોધ દરમિયાન એક મહિલાએ જણાવ્યું કે, છેલ્લા ચાર દિવસથી વીજળી નથી. બાળકોને ભારે મુશ્કેલી પડી છે. અન્ય સ્થાનિકોએ જણાવ્યું કે, છેલ્લા પચ્ચીસ વર્ષમાં આવી વિકટ પરિસ્થિતિ ક્યારેય જોઈ નથી. તેમણે આરોપ લગાવ્યો કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ માત્ર ચૂંટણી સમયે મત માંગવા આવે છે, પરંતુ મુશ્કેલીના સમયમાં કોઈ દેખાતું નથી.
પ્રદર્શનકારીઓએ મહાવિતરણના અધિકારીઓ ફોન ન ઉપાડતા હોવાનો પણ આક્ષેપ કર્યો હતો અને વીજ પુરવઠો પુનઃસ્થાપિત ન થાય ત્યાં સુધી સ્થળ ન છોડવાની ચેતવણી આપી હતી. ઘટનાની ગંભીરતા જોતા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને મહાવિતરણના કર્મચારીઓને બોલાવી કામગીરી હાથ ધરાવી હતી. ત્યાર બાદ વિસ્તારમાં વીજ પુરવઠો પુનઃસ્થાપિત થતાં પરિસ્થિતિ શાંત થઈ હતી.
તંત્રની એક જ દલીલ, કામ ચાલુ છે
મહાવિતરણના વસઈ સર્કલના સુપરિન્ટેન્ડેન્ટ એન્જિનિયર માણિકલાલ રાઠોડે માહિતી આપી હતી કે , તબક્કાવાર વીજ પુરવઠો પૂર્વવત કરવા માટે કામ ચાલી રહ્યું છે.
આજે વીજ પુરવઠો રિસ્ટોર થશે તેવું આશ્વાસન
વસઈ-વેસ્ટના દીવાનમાનમાં ગુરુવારે વીજળી પુરવઠો આવશે એવી શક્યતા હોવાનું રહેવાસીઓને જણાવ્યું હતું. આ વિસ્તારમાં રહેતા રહેવાસી ચિરાગભાઈ દોશીએ ગુજરાત સમાચારને જણાવ્યું હતું કે, દિવાન માં પરિસરમાં મોટાભાગની બધી જ સોસાયટીઓની અંદર પાણી ગયા હતા. છેલ્લા પાંચ દિવસથી આખા પરીસરમાં લાઈટ નથી અને પીવાના પાણીના પણ ફાંફા થઈ ગયા છે. અનેક સિનિયર સિટીઝનો જે એકલા રહે છે તેમના ઘરમાં પણ હજી સુધી પાણી હોવાથી કફોડી હાલતમાં જોવા મળી રહ્યા છે. ગુરુવારે વીજળી પુરવઠો આવશે એવું અમને જણાવવામાં આવ્યું છે.'









