Mumbai

ઓચિંતી રિક્ષા હડતાલથી હજારો લોકો રઝળ્યાઃ કાંદિવલીમાં ચાલકની મારપીટ

By GS Team
25 Aug 20264 mins read
TukuTouch Logo
મુંબઈમાં RTO દ્વારા મરાઠી જાણકારી વગરના રિક્ષાચાલકોને નોટિસ અપાતા આજે અચાનક હડતાળ કરાઈ. કાંદિવલી, બોરીવલી, મલાડ જેવા પશ્ચિમી પરાંમાં વધુ અસર જોવા મળી. સવારના પીક અવર્સમાં હજારો લોકો અટવાયા. હડતાળમાં ન જોડાયેલા ચાલકોએ મોં માગ્યા ભાવ પડાવ્યા, જ્યારે બેસ્ટ બસોમાં ભારે ભીડ જોવા મળી. કેટલાક સ્થળોએ ઘર્ષણ પણ સર્જાયું.

Summarized by AI; it may make mistakes. Check important info

ઓચિંતી રિક્ષા હડતાલથી હજારો લોકો રઝળ્યાઃ કાંદિવલીમાં ચાલકની મારપીટ

મરાઠી જાણકારી મુદ્દે સરકારની કાર્યવાહી સામે અચાનક હડતાલ

કાંદિવલી, બોરીવલી, મલાડ સહિત પશ્ચિમી પરાંમાં વધુ અસરઃ હડતાલમાં નહિ જોડાયેલા ચાલકોએ મોં માગ્યા ભાવ  પડાવ્યા

મોર્નિંગ પીક અવર્સમાં  અનેક લોકો અટવાઈ પડયાઃ બેસ્ટની બસો હાઉસફૂલ ઃ અધવચ્ચે રિક્ષા ખાલી કરાવાતાં લોકો ફસાયા

મુંબઈ -  મરાઠી ભાષાની જાણકારી નહીં ધરાવતા રિક્ષા ચાલકોનો ઓન રોડ ટેસ્ટ લઈ તેમને નોટિસો આપવાની કાર્યવાહી આરટીઓ દ્વારા શરુ કરાતાં તેના વિરોધમાં આજે અચાનક જ રિક્ષા ચાલકોએ હડતાલ શરુ કરી દેતાં મોર્નિંગ પીક અવર્સમાં જ કામધંધે જવા માટે રેલવે કે મેટ્રો સ્ટેશને જવા નીકળેલા હજારો લોકો અટવાઈ ગયા હતા. ક્યાંક ક્યાંક હડતાલમાં નહીં જોડાયેલા રિક્ષા ચાલકોએ મોં માગ્યાં ભાડાં પડાવ્યાં હતાં. બેસ્ટ બસો તરફ ધસારો વધતાં બસોમાં ભીડ અને બસ સ્ટેન્ડો પર લાંબી લાઈનો જોવા મળી હતી. બીજી તરફ કાંદિવલી સહિતના વિસ્તારોમાં હડતાલમાં જોડાયેલા રિક્ષા ચાલકોએ હડતાલમાં નહીં જોડાયેલા રિક્ષા ચાલકોને અડધે  રસ્તે અટકાવ્યા હતા અને રિક્ષામાં બેઠેલા લોકોને અધવચ્ચે જ ઉતરી જવાની ફરજ પાડતાં ઘર્ષણના દ્રશ્યો પણ સર્જાયાં હતાં. આ દરમિયાન, કાંદિવલીમાં એક રિક્ષા ચાલકને ટપલી દાવ પણ કરાતાં તંગદિલી વ્યાપી હતી.

કાંદિવલી, સાંતાક્રુઝ, ગોરેગાંવ, દહિંસર, અંધેરી, બોરીવલી જેવાં પશ્ચિમી પરાંમાં આ વીજળીક હડતાલની વધુ અસર જોવા મળી હતી. સંખ્યાબંધ લોકો એક એક રિક્ષા શોધવા માટે ફર્યા હતા. કેટલાંય સ્થળે એક રિક્ષા આવે તેને અનેક લોકો ઘેરી વળતા હોય તેવાં  દ્રશ્યો જોવા મળતાં હતાં. બાંદ્રા સ્ટેશન ઈસ્ટ સહિતની જગ્યાઓએ રિક્ષા ચાલુ રાખનારા ચાલકોએ મોં માગ્યા ભાવ પડાવ્યા હતા.

રિક્ષા ચાલકોના સંગઠનોએ કોઈ ઔપચારિક એલાન આપ્યું ન હતું. પરંતુ, વહેલી સવારથી વ્હોટસ એપ પર હડતાલના મેસેજ ફરતા થઈ ગયા હતા.  કાંદિવલી વેસ્ટના લાલજીપાડામાં સવારે નવ વાગ્યે  રિક્ષા ચાલકો રસ્તા પર ઉતર્યા હતા. આ દરમિયાન, રિક્ષા લઈને જઈ રહેલા એક ચાલકે હડતાલમાં જોડાવાના ઈનકાર કરાતાં તેને ટપલી દાવ કરાયો હતો. તેને પગલે ભારે તંગદિલી વ્યાપી હતી. બનાવની જાણ થતાં પોલીસ ટીમો દોડી આવી હતી અને રિક્ષા ચાલકોને વિખેર્યા હતા. જોકે, તે પછી પણ દિવસભર કેટલાય વિસ્તારમાં હડતાલિયા રિક્ષા ચાલકો રસ્તાઓ પર જતી અન્ય રિક્ષાઓને અટકાવી પ્રવાસીઓને ઉતરવાની ફરજ પાડતા હોય તેવાં દ્રશ્યો જોવા મળ્યાં હતાં. સોશિયલ મીડિયા પર એક યુઝરે લખ્યું હતું કે મને ઓશિવારા મોલ પાસે અધવચ્ચે જ ઉતરી જવાની ફરજ પાડવામાં આવી હતી. અન્ય એક સિનિયર સિટિઝને લખ્યું હતું કે મને ચાલવામાં અને બસ પકડવામાં તકલીફ હોવા છતાં પણ કોઈ રિક્ષાચાલકે દાદ આપી ન હતી.

આરટીઓના સૂત્રોએ જણાવ્યું હતું કે કોઈએ એવી અફવા ફેલાવી હતી કે મરાઠી ટેસ્ટમાં ફેઈલ થનારા ચાલકોને પાંચથી દસ હજારનો દંડ થશે. તેના લીધે આ હડતાલ શરુ થઈ હતી. વાસ્તવમાં અમે અત્યારે કોઈને દંડ કરતા નથી પરંતુ ફક્ત મરાઠી શીખી લેવાની નોટિસ જ આપીએ છીએ.   છેલ્લા કેટલાક દિવસોમાં આશરે બે હજાર રિક્ષા ચાલકોને આવી નોટિસ મળી ચૂકી છે.

૫૫ વર્ષે હું શું શીખું ઃ ભણતાં આવડયું હોત તો કોઈ ઓફિસમાં નોકરી કરતો હોત

મુંબઈ, તા. ૨૪

સંખ્યાબંધ રિક્ષા ચાલકોએ મરાઠી શીખવા માટે વધુ સમય માગ્યો હતો. કેટલાકે કહ્યું હતું કે પોતાને નવી ભાષા શીખવામાં ખરેખર તકલીફ પડી રહી છે.

એક રિક્ષા ચાલકે કહ્યું હતું કે મારી વય હાલ પંચાવન વર્ષની છે. આ ઉંમરે હું કોઈ નવી ભાષા શીખી શકું તેમ લાગતું નથી.  તેણે કહ્યું હતું કે જો શિક્ષણની બાબતમાં કાચો ન હોત તો હું પણ અત્યારે રસ્તા પર રિક્ષા ચલાવવા કરતાં  ભણીગણીને ક્યાંક સારી ઓફિસમાં બેસીને નોકરી ના કરતો હોત.

એક રિક્ષાવાળાએ કહ્યું હતું કે અત્યાર સુધી રિક્ષા ચાલકોમાં બહુ એકતા હતી. પરંતુ, આ નિર્દેશ આવ્યા પછી હવે મરાઠી અને બિનમરાઠી રિક્ષાચાલકોમાં ભાગલા પડી ગયા છે જે બહુ ખોટું થયું છે.

લોકોનો આક્રોશ, મંત્રીઓ સરકારી ગાડી છોડી રસ્તા પરની સ્થિતિ સમજે 

મુંબઈ, તા. ૨૪

અનેક મુંબઈગરાંઓએ આજે સોશિયલ મીડિયા પર રોષ ઠાલવ્યો હતો. એક યુઝરે જણાવ્યું હતું કે મરાઠી શીખવાનો આગ્રહ ખોટો નથી પરંતુ તે માટે ગરીબ રિક્ષાચાલકોને દંડવામાં આવે  તે ખોટું છે. અન્ય યુઝરે જણાવ્યું હતું કે મુંબઈમાં જે સંખ્યામાં બિનમરાઠી રિક્ષાચાલકો છે તેની સામે મરાઠી શીખવનારા પ્રશિક્ષકો બહુ ઓછા છે. આ સંજોગોમાં સરકારે મરાઠી શિક્ષણ માટે મુદ્દત વધારવી જોઈએ. કેટલાકે કહ્યું હતું કે સરકારે વાતચીતમાં તકલીફનો મુદ્દો રિક્ષાચાલક અને પ્રવાસી પર છોડી દેવો જોઈએ અને તેમાં વચ્ચે આવવાની જરુર નથી. કેટલાકે કહ્યું હતું કે મંત્રીઓએ સરકારી કારમાં ફરવાનું હોય છે. તેમણે સ્ટેશન જવા રિક્ષા પકડવાની હોતી નથી. તેમણે ગ્રાઉન્ડ રિયાલિટીનો અભ્યાસ કર્યા બાદ જ આ પ્રકારના નિર્ણયો કરવા જોઈએ.