કલ્યાણ- ડોમ્બિવલીમાં ૧૦૦૦ કરોડની પોન્ઝી સ્કીમમાં હજાર રોકાણકારો બરબાદ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા માટે લાઈનો લાગી
કેટલાકે પોતાનાં ઘર ગિરવી મૂક્યાં હતાં, વૃદ્ધોએ જીવન મૂડી ગુમાવીઃ પ્રશાંત આંગણે તથા અન્ય કંપનીઓનું કૌભાંડ
મુંબઇ - કલ્યાણ- ડોમ્બિવલીમાં થયેલા એક મોટા રોકાણ કૌભાંડમાં લગભગ હજાર લોકોએ એક હજાર કરોડ રૃપિયાની રકમ ગુમાવી હોવાનો દાવો થઇ રહ્યો છે. પોન્ઝી સ્કીમ ચલાવનાર લેભાગૂઓએ આ છેતરપિંડી આચર્યા બાદ ૧૦૦થી વધુ રોકાણકારોએ થાણે પોલીસની આર્થિક ગુના શાખા (ઇઓડબ્લ્યુ), અને રામનગર પોલીસનો સંપર્ક કર્યો છે એવો આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે તેમના અગાઉના રોકાણો વસૂલવા અને ઉચ્ચવળતર મેળવવાની લ્હાયમાં આ લોકોએ મોટી રકમ ગુમાવી છે.
આ કથિત રોકાણ કૌભાંડમાં પ્રશાંત આંગણે અને કોંકણ સ્માર્ટ તેમજ પ્રોગેન રેન્ટલ સર્વિસીસ સહિતની કંપનીઓ સંડોવાયેલી હોવાનું કહેવાય છે. અંદાજ પાંચ હજાર રોકાણકારોમાંથી લગભગ ત્રણ હજાર લોકોએ ચેક દ્વારા ચુકવણી કરી હોવાનો જ્યારે બે હજાર લોકોએ રોકડથી ચુકવણી કરી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ બાબતે એક મહિલા રોકાણકારે આરોપ લગાવ્યો હતો કે આ યોજના કોકણ સ્માર્ટની છે જ્યાં રોકાણકારોએ તેમના બ્લોક થયેલા રોકાણના ૧૦ ટકા, ૩૦ ટકા અથવા ૫૦ ટકા વધારાના જમા કરવા કહેવામાં આવતું અને ખાતરી આપવામાં આવતી હતી કે તેમના પૈસા તેમને પાછી મળી જશે.
આ કથિત રોકાણ કૌભાંડના કારણે ઘણા પરિવારો ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે. ઘણા ફરિયાદીઓ એવા વરિષ્ઠ નાગરિકો છે જેમણે કથિત રીતે પોતાના ઘર ગીરવે મૂક્યા છે અથવા જીવનભરની બચત ગુમાવી છે. આ બાબતે એક રોકાણકારે દાવો કર્યો હતો કે આંગણેની અગાઉના નાણાકીય ગુનાના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારબાદ તેનો જામીન પર છુટકારો થયો હતો. ત્યારબાદ રોકાણકારોને ફરીથી પ્રોગેન રેન્ટલ સર્વિસીસ દ્વારા વધારાનું ભંડોળ રોકવા માટે સમજાવવામાં આવ્યા હતા.
ફરિયાદો અનુસાર રોકાણકારોને તેમના અગાઉના બ્લોક કરેલા નાણા માટે વધુ ૧૫ ટકા ચૂકવવાનું કહેવામાં આવ્યું હતું. તેમનો આરોપ છે કે થોડા મહિનાઓ સુધી કેટલીક ચુકવણીઓ મેળવ્યા પછી વળતર આપવાનું ફરીથી બંધ કરવામાં આવ્યું હતું. પોલીસ અધિકારી આ અગાઉ ફરિયાદીઓને મદદ ન કરતા હોવાનો આરોપ છે. જો કે અધિકારીઓએ હવે આ મામલાની તપાસ શરૃ કરી છે. અધિકારીઓ અનુસાર આ મામલાની તપાસ ચાલી રહી છે. અને તપાસમાં મદદ માટે ફરિયાદીઓ પાસેથી વધુ વિગતો અને દસ્તાવેજો મંગાવવામાં આવ્યા છે.




