Mumbai

છ વર્ષથી પારિવારિક તણાવ હતો, ત્રણ મહિના બાદ ઘરે પરત ફરેલા પિતા સાથે દલીલ થયાની ચર્ચા

By GS Team
23 Aug 20264 mins read
TukuTouch Logo
છત્રપતિ સંભાજીનગરમાં માતા-પિતા અને પુત્રના આત્મહત્યા કેસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. આઈફોન વિવાદની થિયરી ખોટી સાબિત થઈ છે. 6 વર્ષ પહેલા મોટા પુત્રના અવસાન બાદ પરિવારમાં સતત ઝઘડા થતા હતા. કુણાલ (19)એ ટેકરી પરથી કૂદી આત્મહત્યા કરી, તેને બચાવવા ગયેલા પિતા મુરલીધર અને માતા સંગીતા પણ કૂદ્યા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

છ વર્ષથી પારિવારિક તણાવ હતો, ત્રણ મહિના બાદ ઘરે પરત ફરેલા પિતા સાથે દલીલ થયાની ચર્ચા

છત્રપતિ સંભાજીનગર માતા, પિતા પુત્રના મોતમાં આઈફોનની થિયરી ખોટી

 છ વર્ષ પૂર્વે મોટો પુત્ર બીમારીમાં ગુમાવ્યો હવે આખો પરિવાર સમાપ્ત થતાં કોઈ સાક્ષી બચ્યું નહીં

મુંબઈ -     છત્રપતિ સંભાજીનગરના વાળુંજમાં ટેકરી પર કુણાલ ચાંદગુડેએ તેના માતાપિતા સાથે ખીણમાં કૂદીને આત્મહત્યા કરી હોવાની હૃદયદ્રાવક ઘટનામાં હવે એક નવી અને ચોંકાવનારી માહિતી પ્રકાશમાં આવી છે. આ આત્મહત્યા ફક્ત આઇફોનના વિવાદને કારણે થઈ નહોતી, પરંતુ ઘાટી હોસ્પિટલમાં ભેગા થયેલા સંબંધીઓ પાસેથી માહિતી મળી છે કે આ પરિવારમાં છેલ્લા છ વર્ષથી સતત કૌટુંબિક ઝઘડો ચાલી રહ્યો હતો.

   આ અંગેની વિગતવાર માહિતી એ છે કે ટેકરી પરથી ખીણમાં કૂદીને કુણાલ મુરલીધર ચાંદગુડે (૧૯)એ શુક્રવારે આત્મહત્યા કરી હતી. તેને બચાવવાના પ્રયત્નમાં પિતા મુરલીધર પણ નીચે પડી ગયા હતા. આ દરમિયાન માતા સંગીતાએ પણ કૂદકો મારી દીધો હતો.  મૃતક  મુરલીધર અને સંગીતાને બે પુત્ર  હતા. મુરલીધર વ્યવસાયે ટ્રક ડ્રાઈવર હતો, જ્યારે સંગીતા ગૃહિણી હતી. છ વર્ષ પહેલાં તેમના મોટા દીકરાનું બીમારીથી અવસાન થયું હતું.   

 આ ઘટના પછી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડયો હતો. ત્યારથી ઘરમાં સતત ઝઘડા થતા રહેતા હતા. આ દલીલો અને ઘરમાં માનસિક તણાવને કારણે મુરલીધર કામ હોય કે ન હોય સતત ઘરથી દૂર રહેવા લાગ્યો હતો.  તે  છેલ્લા ત્રણ મહિનાથી ઘરથી દૂર હતો અને  બે દિવસ પહેલા જ ઘરે પાછો ફર્યો હતો. જોકે સંબંધીઓ કહે છે કે ઘરે પાછા ફર્યા પછી તેની અને કુણાલ વચ્ચે ફરીથી ઝઘડા થયા હતા.

 અગાઉ  સોશિયલ મીડિયા પર એવો દાવો કરવામાં આવ્યો હતો કે કુણાલે આઇફોન અને મોબાઇલના હપ્તા પર ગુસ્સાને કારણે આત્મહત્યા કરી હતી. જોકે  ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ રત્નાકર નવલેએ પહેલાથી જ આ આઇફોન અફવાનું ખંડન કર્યું હતું. છ વર્ષ પહેલાં કુણાલના  મોટા ભાઈનું મૃત્યુ, કૌટુંબિક તણાવ અને ત્રણ મહિના પછી ઘરે પરત ફરેલા તેના પિતા સાથેની દલીલ, આ બધા જૂના અને નવા કારણોથી તણાવને કારણે કુણાલે આ આત્યંતિક પગલું ભર્યું હોવાની શંકા છે. આ ઘટનામાં માતા, પિતા અને પુત્રનું  મૃત્યુ થયું હોવાથી સાચી હકીકતો જણાવવા માટે પરિવારમાં કોઈ સાક્ષી બચ્યો નથી.

મંગળસૂત્ર  ે ફેંકી દઈશ, તારા પિતાને છોડી દઈશ, તારી સાથે આવી  જઈશઃ માતાનું આક્રંદ

    પોલીસ, સ્થાનિકો અને માતાએ  કુણાલને આત્મહત્યા ન કરવા વિનંતી કરી રહ્યા હતા. કુણાલને નીચે  આવવા હૃદયથી સમજાવવાનો પ્રયાસ કર્યો હતો.

    શું તારે તારા પિતા સાથે કોઈ દલીલ છે?  હું હમણાં મંગળસૂત્ર કાઢીને ફેંકી દઈશ, તારા પિતાને છોડી દઈશ, તારી સાથે આવી  જઈશ, આપણે બંને રહીશું, પણ મને છોડીને ના જા, એવી કુણાલની માતા વિનંતી કરી રહી હતી. બંને હતાશામાં વાતો કરી રહ્યા હતા.

   માતાની વિનંતી પછી  કુણાલે કહ્યું, મમ્મી, કોઈ મારું સાંભળતું નથી, મને જીવવામાં રસ નથી, મારા જીવનનો હવે કોઈ ઉકેલ નથી, કંઈ થશે નહીં.

   આ ઘટના અંગે પોલીસે કહ્યું કે અમારા લોકો કુણાલને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. યુવકની  માતા પણ તેની સામે બેઠી હતી અને તેને સમજાવી રહી હતી. છોકરો પણ પોતાનો વિચાર બદલી રહ્યો હતો. જોકે પોલીસને ખબર નહોતી કે  ભીડમાં તેના પિતા છે. પિતાએ  તેને પકડીને  બચાવવાનો પ્રયાસ કર્યો. તે સમયે તેણે પોતાનું સંતુલન ગુમાવ્યું હતું.  છોકરા સાથે તે પણ નીચે પડી ગયા અને મૃત્યુ પામ્યા હતા. માતાએ આ જોયું  અને તરત જ તે પણ તેમની પાછળ ટેકરી  પરથી કૂદી ગઈ હતી.

કુણાલે ગયા વર્ષે પણ આ ટેકરી પરથી જીવ દેવાનો પ્રયાસ કરેલો

    આ બનાવમાં નવી વિગત સામે આવી છે. પોલીસ સૂત્રોના અહેવાલ મુજબ  કુણાલ ગયા વર્ષે આત્મહત્યા કરવાના ઇરાદાથી તે જ ટેકરી પર ગયો હોવાનું કહેવાય છે. તે ઘટના દરમિયાન એમઆઈડીસી વાળુજ અને ચીકલથાણાના પોલીસ કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. કુણાલ સાથે વાત કરી અને તેને સમજાવવાનો પ્રયાસ કર્યા પછી  તેઓ તેને સુરક્ષિત રીતે નીચે ઉતારવામાં સફળ રહ્યા હતા. આમ  અગાઉની ઘટના કોઈ જાનહાનિ વિના સમાપ્ત થઈ ગઈ હતી.

     કુણાલે ધોરણ ૧૦ માં ૯૨% માર્ક્સ મેળવ્યા હોવાનું કહેવાય છે અને તે આગળની પરીક્ષાઓની તૈયારી કરી રહ્યો હતો. તે કથિત રીતે તેના પિતા સાથે પૈસા અને આઇફોનના બાકી હપ્તાને લઈને થયેલા  વિવાદથી નારાજ હતો એવી પણ ચર્ચા થઈ રહી હતી. આમ હતાશામાં ગઈકાલે તે આ ટેકરી પર આત્મહત્યા કરવા પહોંચી ગયો હતો.