૭ જળાશયોમાં કુલ જથ્થો ઘટવાને બદલે પહેલીવાર વધ્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

નજીવો વધારો પણ જાવક કરતાં આવક વધ્યાનો સંકેત
બીજી તરફ બિનપીવાલાયક પાણી ધરાવતું પવઈ તળાવ પહેલીવાર છલકાયું
મુંબઈ - મુંબઈને પાણી પૂરું પાડતાં સાત જળાશયોમાં આ વખતે સીઝનમાં પહેલીવાર કુલ જળસંગ્રહ ઘટવાને બદલે વધ્યો છે. મતલબ કે છેલ્લા બે દિવસથી સતત થયેલા ભારે વરસાદને કારણે તળાવો ભરાવાનું હવે શરુ થયું છે. અલબત્ત આ વધારો હજુ સાવ નજીવો છે પરંતુ ઘટાડો અટકતાં મ્યુનિસપલ તંત્રએ હાશકારો અનુભવ્યો છે.
ગઈકાલે શહેરનાં તમામ તળાવોમાં કુલ જળસંગ્રહ તેની સ્થાપિત ક્ષમતાના ૬.૭૫ ટકા જેટલો હતો. સાતેય જળાશયોમાં કુલ ૯૭૬૬ મિલિયન લીટર લાઈવ સ્ટોરેજ હતું. તે આજે સવારે છ વાગ્યે વધીને ૧,૦૩,૮૭૧ મિલિયન લીટર થયું હતું. આમ જળસંગ્રહ કુલ ક્ષમતાના ૭.૧૬ ટકા જેટલો નોંધાયો હતો.
જોકે ગયાં વર્ષે પહેલી જુલાઈએ જળ સંગ્રહ ૪૧.૭૧ ટકા હતો. એટલે કે હજુ છેલ્લાં ૨૪ કલાકમાં થયેલો વધારો બહુ ખાસ નથી પરંતુ એટલિસ્ટ ઘટાડો અટક્યો છે અને પાણીના ઉપાડ કરતાં આવક વધી છે.
બીજી તરફ પવઈ તળાવ આજે સવારે આશરે ૫.૩૦વાગ્યે ઓવરફ્લો થયું હતું. ૫૪૫ કરોડ લિટર સંગ્રહ ક્ષમતા ધરાવતા આ તળાવનું પાણી પીવાના ઉપયોગ માટે નથી. તેનો ઉપયોગ માત્ર ઔદ્યોગિક એકમો અને ઔદ્યોગિક હેતુઓ માટે કરવામાં આવે છે. તળાવનું વધારાનું પાણી મીઠી નદીમાં જાય છે.
ગયા વર્ષે પવઈ તળાવ ૧૯ જૂને છલકાયું હતું, જ્યારે આ વર્ષે ચોમાસાના મોડા આગમનને કારણે તે મોડું ભરાયું છે.વર્ષ ૧૮૯૦માં લગભગ ૪૦લાખ રૃપિયાના ખર્ચે આ તળાવ બન્યું છે.




