બચી ગયેલા એકમાત્ર સ્વજનનું ભારે આક્રંદ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

4 જ દિવસ પહેલાં મુંબઈ સેટલ થવા આવેલા પરિવારનાં ચારનાં મોત
જાણે મોત પોકારતું હતું, નવું જીવન શરુ કરવા જતાં જિંદગી જ ઝૂંટવાઈ ગઈ
મુંબઈ- ઉત્તર પ્રદેશથી મુંબઈ આવેલા આરિફ શેખ, તેની પત્ની મરજીના, બે વર્ષના પુત્ર અબાન અને ચાર વર્ષની પુત્રી મન્નત ઘાટકોપરમાં ભૂસ્ખલનના કાટમાળ નીચે દટાઈ જવાથી મૃત્યુ પામ્યા હતા. આ પરિવાર નવું જીવન શરૃ કરવાની આશામાં ચાર દિવસ પહેલા મુંબઈ આવ્યો હતો. એક સંબંધીના ઘરે રહ્યા બાદ વ્યવસાયે દરજી આરિફ શેખ બે દિવસ પહેલા ગૌશિયા ચાલીમાં તેની પત્નીની બહેન પાસે રહેવા આવ્યા હતા. મરજીનાની બહેન પહેલાથી જ આ વિસ્તારમાં રહેતી હતી. તેણે તેમને રહેવા માટે એક રૃમ આપ્યો હતો. આરિફના પરિવારે ત્યાં એક રાત જ વિતાવી અને બીજા દિવસે તેઓ કાળનો કોળિયો બની ગયા હતા.
ટિટવાલામાં રહેતા આરિફના પિતા મોહમ્મદ અલી એ કહ્યું હતું કે મેં મારા પુત્રને મુંબઈ બોલાવ્યો હતો અને આશા હતી કે અમારા પરિવારનું ભવિષ્ય ઉજ્જવળ રહેશે. પરંતુ આજે હું મારા પુત્ર, પુત્રવધૂ અને બે પૌત્રોના મૃતદેહ સાથે પાછો ફરી રહ્યો છું, એમ તેમણે શોકભર્યા સ્વરમાં કહ્યું.
મરજીનાની બહેન રૃબીનાએ કહ્યું કે આરિફ માટે અહીં એક નાનું ઘર ભાડે રાખ્યું હતું. અમે તેમને મુંબઈ ફરવા લઈ ગયા હતા. અમે ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે અમે થોડા દિવસોમાં ચારેયને ગુમાવી દઈશું, એમ તેમણે કહ્યું હતું.
બીજી તરફ મૂળ ઉત્તર પ્રદેશના ગોંડા જિલ્લાની રહેવાસી દિલબહાર ખાનને રાજાવાડી હોસ્પિટલમાં તેના પતિ અને બે બાળકો સાથે તબીબી સારવાર માટે દાખલ કરવામાં આવી હતી. ઘાટકોપરમાં ભૂસ્ખલનમાં તેઓ બચી ગયા હતા. અમારા પગ પર એક ઈંટ પડી, જાગ્યા પછી, અમે બાળકને લઈને બહાર દોડી ગયા હતા . અમે બચી ગયા પરંતુ અમે અમારા માથા ઉપરની છત ગુમાવી દીધી હતી, એમ ટ્રોમા વોર્ડમાં સારવાર લઈ રહેલી દિલબહારે કહ્યું હતું.




