Mumbai

સિનિયરોના ત્રાસથી શિક્ષકે બે બાળકોને કારમાં લઈ જઈ નદીમાં ઝંપલાવી દીધું

By GS Team
18 Jul 20262 mins read
TukuTouch Logo
નાંદેડમાં એક હૃદયદ્રાવક ઘટનામાં, 42 વર્ષીય શિક્ષક સુનિલ મોરેએ પોતાના સિનિયરોના ત્રાસથી કંટાળીને, 12 વર્ષની પુત્રી સારા અને 8 વર્ષના પુત્ર સુમિત સાથે ગોદાવરી નદીમાં કાર સાથે ઝંપલાવી આત્મહત્યા કરી. ત્રણેયના મૃતદેહ મળી આવ્યા. તેમણે આત્મહત્યા પહેલાં WhatsApp સ્ટેટસ મૂકી અધિકારીઓના નામ પણ લખ્યા હતા. પોલીસે તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સિનિયરોના ત્રાસથી શિક્ષકે બે બાળકોને કારમાં લઈ જઈ નદીમાં ઝંપલાવી દીધું

આત્મહત્યા પહેલાં વ્હોટસ એપ પર સ્ટેટસ મૂક્યં હતું

નાંદેડના શિક્ષક પત્નીને બંને બાળકોને સ્કૂૂલે મૂકવા જતા હોવાનું કહીને ઘરેથી નીકળ્યાઃ ત્રણેયના મૃતદેહ મળી આવ્યા

મુંબઈ -     મહારાષ્ટ્રના નાંદેડ જિલ્લામાં ગોદાવરી નદી પરના પુલ પરથી શુક્રવારે એક શાળાના શિક્ષકે, પુત્ર,પુત્રીને  કારમાં બેસાડી પાણીમાં  ઝંપલાવતાં ત્રણેય જણ પાણીમાં ડૂબી ગયાં હતાં. શિક્ષકે આત્મહત્યા કરતાં પહેલાં પોતાને સિનિયરનો ત્રાસ હોવાનું વ્હોટસ એપ સ્ટેટસ પણ મૂક્યું હતું.

શિક્ષક સુનિલ મોરે (૪૨) એ પોતાના વોટ્સએપ સ્ટેટસમાં આરોપ લગાવ્યો હતો કે તેને તેના સિનિયરો દ્વારા હેરાન કરવામાં આવી રહ્યો છે અને તે તેના બે બાળકો સાથે પોતાનું જીવન સમાપ્ત કરી લેશે. સ્ટેટસમાં અધિકારીઓના નામ પણ લખેલાં હતાં. પોલીસ આ દાવાઓની ચકાસણી કરી રહી છે.  શિક્ષકે આત્મહત્યા પહેલાં એક સાથી શિક્ષક સાથે ફોન પર વાત કરી હોવાનું પણ કહેવાય છે.

   મૃતક શિક્ષક સુનિલ ભોકર તાલુકાના ટેમ્બર ગામના રહેવાસી હતા અને હિમાયતનગર તાલુકાના પોટામાં આવેલી જિલ્લા પરિષદ શાળામાં શિક્ષક તરીકે નોકરી કરતા હતા. છેલ્લા કેટલાક વર્ષોથી તેઓ તેમની પત્ની અને બે બાળકો સાથે સાંગવી ગોપાલનગરના એક એપાર્ટમેન્ટમાં રહેતા હતા.

    આજે સવારે તેઓ કારમાં ઘરેથી નીકળી ગયા હતા અને કહ્યું હતું કે તેઓ  બંને બાળકોને સ્કૂલે મુકવા જાય છે. 

     અમદુરા-પુણેગાંવ રોડ પર આજે સવારે આઠ વાગ્યાની આસપાસ મોરે તેમની પુત્રી સારા (૧૨) અને પુત્ર સુમિત (૮) સાથે કાર લઈને ગોદાવરી નદી પરના પુલ પર આવ્યા હતા.

    પછી કાર બેરિયર તોડીને પાણીમાં પડી ગઈ હતી. મોરે અને તેના પુત્ર,પુત્રી નદીમાં ડૂબી ગયા હતા.આ ઘટના બની તે સમયે તેમની પત્ની ઘરે હતી.

   સ્થાનિક લોકોએ પોલીસ અને નાંદેડમાં તૈનાત સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની ટીમને જાણ કરી હતી. તેમણે  ત્રણ કલાકની મહેનત પછી કારને નદીમાંથી બહાર કાઢી હતી.ત્યારબાદ  શિક્ષક અને પુત્ર, પુત્રીના  મૃતદેહ કારમાં મળી આવ્યા હતા.