Mumbai

મોડલ પર રેપ કેસમાં સમાધાનને અમાન્ય ઠેરવી સુરતના રહીશને જામીનનો ઈનકાર

By GS Team
17 Jun 20262 mins read
મોડલ પર રેપ કેસમાં સમાધાનને અમાન્ય ઠેરવી સુરતના રહીશને જામીનનો ઈનકાર

ગંભીર ગુનો હોવાનું જણાવી અદાલતે સમાધાનની એફિડેવિટ રિજેક્ટ કરી

યુવતી લગ્નને અસર થવાની બીકે કેસ પાછો ખેંચવા  માગે છે મતલબ  રેપ તો થયો જ છે એટલે સમાધાન સ્વીકાર્ય નથીઃ કોર્ટ

થાણેથાણેની સેશન્સ કોર્ટે મોડેલ પર બળાત્કારના આરોપી ૨૭ વર્ષીય વ્યક્તિની જામીન અરજી ફગાવી દીધી છે અને પીડિતા દ્વારા  પોતાના હાલ થનારા લગ્નને બચાવવા માટે રજૂ કરાયેલા  સમાધાન સાથેના સોગંદનામાને સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. કોર્ટે નોંધ્યું હતું કે ગુનો સમાધાનપાત્ર નથી અને તપાસ ચાલુ છે.

નવમી  જૂનના રોજ એડિશનલ સેશન્સ જજ પી.વી. ઘુલે દ્વારા આપવામાં આવેલા આદેશની નકલ ૧૫ જૂનના રોજ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.

ફરિયાદ પક્ષે જણાવ્યું હતું કે, સુરતના રહેવાસી અક્ષયકુમાર કાંતિલાલ જૈનની ગત પચ્ચીસમી એપ્રિલના રોજ થાણેની કાશીમીરા પોલીસે ભારતીય ન્યાય સંહિતા (બીએનએસ)ની કલમ ૬૪ (બળાત્કાર) અને ૩૫૧(૨) (ગુનાહિત ધમકી) હેઠળ ધરપકડ કરી હતી.

મૂળ પંજાબની એક વ્યાવસાયિક મોડેલ ૨૬ વર્ષીય ફરિયાદીએ આરોપ લગાવ્યો છે ક  અક્ષય જૈને તેને અભિનયના ઓડિશનના બહાને ગોવાથી મીરા રોડની એક હોટલમાં બોલાવી હતી અને ચામાં ઘેનની દવા ભેળવી અને બળજબરીથી જાતીય સંબંધો બાંધ્યા હતા.

કાર્યવાહી દરમિયાન, બચાવ પક્ષે જામીન માંગતાં પોતાના ટેકામાં ફરિયાદીએ  કરેલું કહેવાતું નોટરાઇઝ્ડ સોગંદનામું-ઘોષણાપત્ર રજૂ કર્યું હતું જેમાં કહેવામાં આવ્યું હતું કે આ મોડલ યુવતી તેના લગ્ન નક્કી થયા હોવાથી તેના આરોપો પાછા ખેંચવા માંગે છે.

ફરિયાદ પક્ષે  જામીન અરજીનો વિરોધ કરીને દલીલ કરી હતી  કે ગુનો ગંભીર છે અને સમાધાનપાત્ર નથી. વધારાના સરકારી વકીલ મનીષા પાવસેએ દલીલ કરી હતી કે આરોપી આ તબક્કે જામીનને પાત્ર નથી.

જામીન અરજી ફગાવતી વખતે, ન્યાયાધીશ ઘુલેએ અવલોકન કર્યું કે આપવામાં આવેલું કારણ લગ્ન બગડવાનો ડર છે, જે યોગ્ય છે. આ ગુનો મોટા પાયે સમાજ વિરુદ્ધ છે. તેથી, કોઈ સમાધાન થઈ શકે નહીં. એફઆઈઆર સ્વેચ્છાએ પાછી ખેંચી લેવી એ યોગ્ય નથી.પીડિતાના સોગંદનામાને ટાંકીને કોર્ટે નોંધ્યું કે તે દર્શાવે છે કે બળાત્કારનો ગુનો થયો છે.

પીડિતાને ડર છે કે જો ભાવિ પતિને આ ઘટનાની જાણ થશે, તો તે તેના લગ્ન જીવન પર અસર કરશે. મીરા રોડ પરની હોટલમાં હતી ત્યારે તેણે ક્યારેય જાતીય સંબંધો સ્થાપિત કરવા માટે સંમતિ આપી ન હતી. ગુનો સમાધાનપાત્ર નથી,એમ ન્યાયાધીશે જણાવ્યું હતું કે તપાસ હજુ અધૂરી છે અને ચાર્જશીટ હજુ દાખલ કરવામાં આવી નથી.નોન-કમ્પાઉન્ડેબલ ગુનો એ એક ગંભીર ગુનો છે જેમાં સંડોવાયેલા પક્ષો કોર્ટની બહાર કાયદેસર રીતે સમાધાન કરી શકતા નથી.