માત્ર 10 સેકન્ડના વિલંબમાં વિદ્યાર્થીઓને યુપીએસસી પરીક્ષામાં એન્ટ્રીનો ઈનકાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

મુંબઈ: યુપીએસસી દ્વારા સમગ્ર દેશમાં રવિવારે લેલાયેલી સીડીએસ (ર) અને એનડીએઅને એનએ (ર)ની પરીક્ષામાં નાશિકની કે.વી.એન. નાઈક કોલેજનાં કેન્દ્રમાં નિર્ધારિત સમય કરતાં દસ સેકન્ડ તો વળી અમુક બે-ત્રણ મિનિટ મોડા પહોંચેલા વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ ન આપવામાં આવ્યો હોવાનો દાવો વિદ્યાર્થીઓ અને વાલીઓએ કર્યો હતો. બીજી તરફ, વહીવટીતંત્રે આ દાવો ફગાવીને સમયસર પહોંચેલા તમામ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હોવાનું સ્પષ્ટ કર્યું હતું.
પ્રવેશ ન મેળવી શકેલા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓએ પરીક્ષા કેન્દ્રની બહાર ભારે રોષ વ્યક્ત કર્યો હતો. 'અમે શું ચોર કે ગુંડા છીએ? માત્ર ૧૦ સેકન્ડ મોડા પડવાને લીધે અમારી છેલ્લી અટેમ્પ્ટ અને આખું વર્ષ બરબાદ થઈ રહ્યું છે' એવા પ્રશ્નો પણ તેમણે કર્યા હતા. શહેરના રસ્તાઓની ખરાબ સ્થિતિ, ઠેરઠેર પડેલા ખાડા અને ટ્રાફિક જામને કારણે સેન્ટર સુધી પહોંચવામાં થોડા સેકન્ડનો વિલંબ થયો હોવાનું વિદ્યાર્થીઓનું કહેવું હતું. માત્ર ૧૦ સેકન્ડના વિલંબને કારણે પોતાની છેલ્લી તક અને આખું વર્ષ બરબાદ થઈ રહ્યું હોવાની લાગણી વિદ્યાર્થીઓએ વ્યક્ત કરી હતી.
આ ઘટનાને પગલે વાલીઓએ ઓબ્ઝર્વરની ગાડીને ઘેરી લેતાં દોડધામ મચી હતી. . અન્ય કેટલાક પરીક્ષા કેન્દ્રો પર સવારે ૯.૪૫ વાગ્યા સુધી વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવતો હોવાનો દાવો કરતાં વાલીઓએ નાશિકના કેન્દ્ર પર આટલું કડક વલણ કેમ અપનાવવામાં આવ્યું, એવો સવાલ કર્યો હતો. નાશિકના જિલ્લા કલેક્ટર આયુષ પ્રસાદે વહીવટીતંત્રની ભૂમિકા સ્પષ્ટ કરતાં જણાવ્યું હતું કે, યુપીએસસીની પરીક્ષાના નિયમો અત્યંત કડક છે અને તેનું નિયંત્રણ કેન્દ્રસ્તરે કરવામાં આવે છે. સમયના નિયમોનું કડક પાલન કરવામાં આવે છે અને ગેટ બંધ થયા બાદ સ્થાનિક વહીવટીતંત્ર તેમાં હસ્તક્ષેપ કરી શકતું નથી.
તેમણે કેટલાક પરીક્ષા કેન્દ્રોની મુલાકાત લીધી હોવાનું જણાવતાં સ્પષ્ટ કર્યું કે કોઈપણ કેન્દ્રની નજીક કે પ્રવેશદ્વાર પાસે જાહેર કામ ચાલી રહ્યું ન હતું. દરમિયાન, નાશિકના વિવિધ કેન્દ્રો પર યોજાયેલી પરીક્ષામાં કુલ ૪,૩૭૫ પરીક્ષાર્થીઓમાંથી ૩,૧૧૩ પરીક્ષાર્થીઓ હાજર રહ્યા હતા. એટલે કે હાજરીનું પ્રમાણ આશરે ૭૧.૧૫ ટકા રહ્યું હતું.




