Mumbai

દર્દીઓને હોસ્પિટલની ફાર્મસીમાંથી જ દવા લેવા ફરજ પાડનાર સામે કડક કાર્યવાહી

By GS Team
14 Jun 20262 mins read
દર્દીઓને  હોસ્પિટલની ફાર્મસીમાંથી જ દવા લેવા ફરજ પાડનાર સામે કડક કાર્યવાહી

હોસ્પિટલોની ફાર્મસીની મોનોપોલી હવે તૂટશે

દર્દીઓને દવાઓ ક્યાંથી ખરીદવી તે પસંદ કરવાનો સંપૂર્ણ અધિકારઃ કમિશનર તુકારામ મુંઢે

મુંબઈ -   હોસ્પિટલમાં દાખલ દર્દીઓને હોસ્પિટલની જ ફાર્મસીમાંથી દવાઓ ખરીદવા માટે દબાણ કરતી હોસ્પિટલો સામે ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફ ડી એ)એ કડક વલણ અપનાવ્યું છે.  કમિશનર તુકારામ મુંઢેએ સ્પષ્ટ આદેશ આપ્યો છે કે દર્દીઓને દવાઓ ક્યાંથી ખરીદવી તે પસંદ કરવાનો સંપૂર્ણ અધિકાર છે. એમ સ્પષ્ટ શબ્દોમાં કમિશનર તુકારામ મુંઢેએ જણાવ્યું હતું

  કાયદા મુજબ કોઈ હોસ્પિટલ દર્દી કે તેના સંબંધીઓને પોતાની ફાર્મસીમાંથી જ દવાઓ લેવા માટે મજબૂર કરી શકતી નથી. બહારની કોઈપણ માન્ય મેડિકલ દુકાનમાંથી દવાઓ ખરીદવાનો દર્દીઓને અધિકાર છે. એમ કહીને તુકારામ મુંઢેએ જણાવ્યું કે એફડીએને  એવી અનેક ફરિયાદો મળી હતી કે કેટલીક ખાનગી હોસ્પિટલો દર્દીઓના સંબંધીઓને બહારથી દવાઓ લાવવાની મંજૂરી આપતી નથી. આ પ્રથાને ગેરકાયદેસર ગણાવતા મુંઢેએ ઉમેર્યું  કે હવે આવી મનમાની સહન કરવામાં આવશે નહીં.

 હોસ્પિટલના ડોક્ટરોએ દર્દીને જરૃરી દવાઓનું પ્રિસ્ક્રિપ્શન આપવું ફરજિયાત રહેશે. ત્યારબાદ દર્દીના સંબંધીઓ પોતાની અનુકૂળતા મુજબ કોઈપણ નોંધાયેલ મેડિકલ સ્ટોરમાંથી દવાઓ ખરીદી શકશે. જરૃરી હોય તો ઉપલબ્ધ જેનેરિક દવાનો વિકલ્પ પણ પસંદ કરી શકશે.

 મુંઢેએ જણાવ્યું કે આ માત્ર સલાહ નહીં પરંતુ સત્તાવાર સરકારી આદેશ છે. કોઈ હોસ્પિટલ સીધી કે આડકતરી રીતે દબાણ કરશે તો તેની સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.

      એફડીએ નાગરિકોને અપીલ કરી છે કે આવી કોઈ ઘટના બને તો તાત્કાલિક ફરિયાદ નોંધાવે. દરેક ફરિયાદની ગંભીરતાથી તપાસ કરીને જવાબદાર હોસ્પિટલ સામે કાર્યવાહી કરવામાં આવશે.