નાગપુરથી મુંબઈ આવતી દુરન્તો એક્સપ્રેસ પર શુક્રવારની રાતે પથ્થરમારો થયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ત્રણ એસી કોચની બારીઓના કાચ તૂટયાં
રેલવે પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી, મુસાફરોમાં ગભરાટનો માહોલ, કાચનું સમારકામ કરી ટ્રેન આગળ વધારાઈ
મુંબઈ - નાગપુરથી મુંબઈ આવી રહેલી દુરન્તો એક્સપ્રેસ પર શુક્રવારે રાત્રે વર્ધા નજીક પથ્થરમારો કરવામાં આવ્યો હતો. ટ્રેન નંબર ૧૨૨૯૦ બોરખેડી સ્ટેશન પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે રાત્રે આશરે ૮.૨૭ વાગ્યે બહારથી પથ્થર અથવા તેના સમી કોઈ વસ્તુ આવીને ટ્રેનની બારીઓ સાથે અથડાઈ હતી. અચાનક થયેલા પથ્થરમારાને કારણે મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો. શરૃઆતમાં એક કોચના કાચને નુકસાન થયાનું જણાવાયું હતું, પરંતુ બાદમાં રેલવે દ્વારા એ-૧, બી-૨ અને બી-૫ સહિત ત્રણ કોચની બારીઓના કાચમાં તિરાડ પડયાની માહિતી આપવામાં આવી હતી.
ઘટનાની જાણ રાત્રે આશરે ૮.૪૬ વાગ્યે થતાં રેલવે સુરક્ષા દળ અને સરકારી રેલવે પોલીસે તપાસ શરૃ કરી હતી. બોરખેડી-સિંધિ વિભાગમાં કિલોમીટર ૮૦૩થી ૭૯૬ સુધી તેમજ બોરખેડી અને બ્રાહ્મણી ગામના આસપાસના વિસ્તારોમાં શોધખોળ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા સ્થાનિક પોલીસ પાટીલ અને રહેવાસીઓની પૂછપરછ પણ કરવામાં આવી હતી, પરંતુ પથ્થરમારો કરનાર વ્યક્તિ અંગે કોઈ નક્કર પુરાવો મળ્યો નહોતો. ટ્રેનમાં તૈનાત સુરક્ષા કર્મચારીઓ અને મુસાફરો પાસેથી પણ ઘટનાની માહિતી લેવામાં આવી હતી.
આ ઘટનામાં સદનસીબે કોઈ મુસાફરને ઈજા થઈ નહોતી. ઘટનાના પગલે ટ્રેનને વર્ધા સ્ટેશન પર રોકવામાં આવી હતી અને રેલવે પોલીસ પાસે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ત્યારબાદ રેલવેની યાંત્રિક ટીમ દ્વારા નુકસાન પામેલા કાચનું સમારકામ કરવામાં આવ્યું અને ટ્રેનને મુંબઈ તરફ રવાના કરવામાં આવી હતી. પથ્થરમારો કોણે અને કયા કારણસર કર્યો તે અંગે તપાસ ચાલુ છે. અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ ૨૬ સપ્ટેમ્બરે રાત્રે ૨.૫૫ વાગ્યે રેલવે કાયદાની કલમ ૧૫૩ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને રેલવે સુરક્ષા દળ દ્વારા આરોપીની ઓળખ તથા ઘટનાનું ચોક્કસ સ્થળ શોધવા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.




