Mumbai

બાંદ્રા સ્ટેશન પાસે ડિમોલીશનના બીજા દિવસે પથ્થરમારો, પોલીસ દ્વારા લાઠીચાર્જ

By GS Team
21 May 20263 mins read
બાંદ્રા સ્ટેશન પાસે  ડિમોલીશનના બીજા દિવસે  પથ્થરમારો, પોલીસ દ્વારા લાઠીચાર્જ

મદરેસાની તોડફોડ શરુ થતાં ટોળાં આક્રમક બન્યાં, દસ પોલીસ કર્મચારી ઘાયલ

૧૫ની ધરપકડઃ ટોળાં સામે ગુનો દાખલ કરાયો, એક હજાર પોલીસ-આરપીએફનો બંદાસ્સ્ત ખડકી દેવાયોઃ સમગ્ર વિસ્તારમાં ભારે તંગદિલી

મુંબઈબાંદ્રા ઈસ્ટ રેલવે સ્ટેશનની બહાર ગરીબનગર તરીકે ઓળખાતાં  ૫૦૦ ઝૂપડાં હટાવવાના આજે બીજા દિવસે બપોર બાદ સ્થાનિક રહીશોએ પથ્થરમારો કરતાં પોલીસે લાઠીચાર્જ  કર્યો હતો. કથિત રીતે એક મદરેસાની બિલ્ડિંગ તોડવાની કાર્યવાહી  સામે મોટાં ટોળાંએ પથ્થરમારો  શરુ કરી દીધો હતો. આ હુમલામાં ૧૦ પોલીસ કર્મચારી ઘાયલ થયા હતા.  પોલીસે ટોળાંને વિખેર્યાં બાદ અહીં વધુ કુમક ખડકી દીધી હતી અને ટોળાં સામે ગુનો દાખલ કરી ૧૫ લોકોની અટકાયત કરી હતી.  

બોમ્બે હાઈકોર્ટની લીલી ઝંડી મળ્યા બાદ પશ્ચિમ રેલવે દ્વારા ગઈકાલથી  ઝૂપડાં હટાવવાનું શરુ કરાયું છે. પાંચ દિવસ ચાલનારી આ કાર્યવાહીના આજે બીજા દિવસે અશાંતિ  સર્જાઈ  હતી.  અતિક્રમણ વિરોધી ઝુંબેશ વખતે બુધવારે અધિકારીઓએ બપોરે ઝૂંપડપટ્ટીમાં એક કથિત ગેરકાયદેસર ત્રણ માળની મસ્જિદ તોડી પાડી હતી. સ્થાનિક રહેવાસીઓએ દાવો કર્યો હતો કે મસ્જિદ તોડી પાડવાની શરૃઆત થાય તે પહેલાં અધિકારીઓએ તેમને પરિસરમાંથી સામાન અને સામગ્રી ખસેડવા  માટે પૂરતો સમય આપ્યો ન હતો.

   જૂના ગરીબ નગરમાં  સુન્ની મસ્જિદ તોડતી વખતે મોટી સંખ્યામાં રહેવાસીઓ આ સ્થળ પર એકઠા થયા હતા.જેના કારણે વિસ્તારમાં તંગદિલી ફેલાઈ હતી.  પોલીસ કાર્યવાહી દરમિયાન મહિલાઓ સહિત અનેક લોકોને ઈજાઓ પહોંચી હતી.

 એડિશનલ  કમિશનર ઓફ પોલીસ કમિશનર અભિનવ દેશમુખે જણાવ્યું હતું કે હાઇકોર્ટના આદેશ મુજબ નિર્મલ નગર પોલીસ સ્ટેશનના અધિકારક્ષેત્ર હેઠળ અતિક્રમણ વિરોધી ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે.

    આ અભિયાન દરમિયાન  કેટલાક અસામાજિક તત્વોએ ડિમોલિશન ટુકડી પર પથ્થરમારો કરીને કામમાં અવરોધ ઉભો કરવાનો પ્રયાસ કર્યો. પોલીસે તેમને વિખેરવા માટે યોગ્ય બળનો ઉપયોગ કર્યો હતો, એમ તેમણે કહ્યું હતું.   દેશમુખે જણાવ્યું હતું કે, એફઆઈઆર નોંધવાની પ્રક્રિયા ચાલી રહી છે અને તોડફોડ કરનારાઓ સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.

આ તોડફોડ કામગીરી દરમિયાન શહેર પોલીસ, જીઆરપીએફ તથા આરપીએફના મળીને આશરે એક હજારથી વધુ પોલીસ જવાનો ખડકી દેવામાં આવ્યા હતા.

ટાર્ગેટ બનાવવાની આશંકાએ બસ રુટ ટૂંકાવાયા, રસ્તા બંધ થતાં લોકોને લાંબો ફેરો

બાંદ્રા ઈસ્ટ સ્ટેશનની બહાર આજે મોડી બપોર બાદ પથ્થરમારા તથા લાઠીચાર્જની ઘટનાઓને કારણે તંગદિલી સર્જાઈ હતી. આ વખતે કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસે સ્ટેશન પાસેનો એપ્રોચ રોડ બંધ કરાવી દીધો હતો. તોફાને ચઢેલું ટોળું  બેસ્ટની બસો પર પથ્થરમારો કરે અને પ્રવાસીઓને ઈજા પહોંચે તેવી આશંકાથી બેસ્ટના રુટ પણ ટૂંકાવી દેવાયા હતા. બસો બંધ કરાતાં તથા સ્ટેશન સુધી પહોંચવાનો રસ્તો પણ પોલીસ કાર્યવાહીને કારણે બંધ હોવાથી લોકોએ લાંબો ફેરો ખાવો પડયો હતો. સ્ટેશનના એક ફૂટ ઓવર  બ્રિજની એક્સેસ તો ગઈકાલથી જ લગભગ બંધ છે.

 

બીકેસીના હજારો નોકરિયાતો, તેમના પરિવારજનોના જીવ ઉચાટમાં

બાંદ્રા સ્ટેશનની બહાર સાંજે તોફાન થયું છે તેવી વાત ફેલાતાં તથા સોશિયલ મીડિયા પર અને વિડીયો વાયરલ થતાં  બીકેસીમાં વિવિધ બેન્કો, નાણાં સંસ્થાઓ, કોર્પોરેટ કંપનીઓમાં કામ કરતા હજારો  કર્મચારીઓ ઉચાટમાં મૂકાયા હતા. સાંજના છ વાગ્યા પછી બીકેસીથી હજારો કર્મચારીઓ બાંદ્રા ઈસ્ટ સ્ટેશન જવા નીકળતા હોય છે. આ  કર્મચારીઓએ સ્ટેશન તરફ જવું કેટલું સલામત છે અથવા તો ક્યાંથી ફરી ફરીને જવું પડશે તે બાબતે પૂછપરછનો મારો ચલાવ્યો હતો. બીજી તરફ કર્મચારીઓના પરિવારજનો પણ ચિંતામાં મૂકાયા હતા અને તેમણે કોલ - સંદેશા દ્વારા સલામત રુટ પરથી આવવા જણાવ્યું હતું.