નીટ પેપર લીક કરવા ખાસ ક્લાસ યોજાયા હતારૂ ટેલિગ્રામ ગૂ્રપથી કરોડોની ડીલ થઈ

- પ્રોફેસર મનીષાએ લીક થનારાં પેપરની વિદ્યાર્થીઓને ઘરે પ્રેક્ટિસ કરાવી
- વિદ્યાર્થીઓ પાસેથી 10થી પચ્ચીસ લાખ વસૂલાયા રૂ શુભમે પેપર વાયરલ કર્યું, રાજસ્થાનના શખ્સે પીડીએફની પ્રિન્ટ કાઢી વેચવા માંડી હતી
- 400 સભ્યો ધરાવતાં પ્રાઈવેટ માફિયા ટેલિગ્રામ ગૂ્રપમાં જીવશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર અને ભૌતિકશાસ્ત્રના પેપરની પીડીએફ મૂકાઈ હતી
મુંબઈ: દેશની સૌથી મોટી મેડિકલ પ્રવેશ પરીક્ષા નીટ- યુજી ૨૦૨૬માં પેપર લીક કેસમાં તપાસ દરમિયાન અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે. તપાસ એજન્સીના જણાવ્યા મુજબ, આ સમગ્ર રેકેટમાં એનટીએની પરીક્ષા પ્રક્રિયા સાથે સંકળાયેલા નિષ્ણાંત પ્રોફેસરો મનીષા માંઢરે અને પી.વી. કુલકર્ણીએ સાથે મળીને તેમની સતાનો દુરુપયોગ કરીને પેપર લીક કર્યું હતું. આ બાદ વચેટિયાઓ, વિદ્યાર્થીઓના પરિવારો, એજન્ટો અને ઘણા રાજ્યોમાં ફેલાયેલ અન્ય લોકોનો સમાવેશ થતો મોટો નેટવર્ક સક્રિય હતો. પેપર લીક માટે સ્પેશિયલ ક્લાસ, ટેલિગ્રામ ગુ્રપ અને કરોડો રૂપિયાની લેવડદેવડનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. અત્યાર સુધીમાં આ કેસમાં નવ લોકોની ધરપકડ કરવામાં આવી છે.
કોર્ટમાં રજૂ કરાયેલા દસ્તાવેજો અનુસાર, પેપર લીક અનેક તબક્કાઓમાં થયું હતું. આમાં પ્રથમ એપ્રિલના છેલ્લા અઠવાડિયામાં પી.વી. કુલકર્ણીએ તેમના સહયોગી મનીષા વાઘમારે સાથે મળીને મોટી રકમ ચૂકવવા તૈયાર વિદ્યાર્થીઓની એક બેચ બનાવવાનું શરુ કર્યું હતું. કોર્ટમાં સીબીઆઈએ એ પણ જણાવ્યું હતું કે મનીષા માંઢરે, પી.વી. કુલકર્ણી અને મનીષા વાઘમારે સાંઠગાંઠથી કામ કરી રહ્યા હતા અને આ બાદ લીક થયેલા પ્રશ્નપત્રો શુભમ ખૈરનારને પહોંચવાડવામાં આવ્યા હતા.
દરમિયાન શુભમ ખૈરનારે આરોપી ગુરુગ્રામના રહેવાસી યશ યાદવને પ્રશ્નોપત્રો પહોંચાડયા હતા. આ બાદ યશ યાદવે પરીક્ષાના ચાર દિવસ પહેલા ૨૯ એપ્રિલના રોજ પ્રાઈવેટ માફિયા નામના એક ટેલિગ્રામ ગુ્રપમાં ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર અને જીવવિજ્ઞાાનના પ્રશ્નપત્રો પીડીએફ ફોર્મેટમાં અપલોડ કર્યા હતા. આ ગુ્રપમાં ૪૦૨ જેટલા સભ્યો જોડાયેલા હોવાનું પણ જાણવા મળ્યું છે.
રાજસ્થાન એસઓજી અને સીબીઆઈની તપાસમાં ખુલ્યું છે કે લીક થયેલા પ્રશ્નપત્રને ગેસ પેપર તરીકે વેચવામાં આવતું હતું. જેથી ડિજિટલ પુરાવા ટાળી શકાય. આ પ્રશ્નપત્ર માટે વિદ્યાર્થીઓ અને વાલીઓ પાસેથી રુ.૧૦ લાખથી રુ.પચ્ચીસ લાખ સુધીની રકમ વસૂલવામાં આવતી હતી. આ સમગ્ર કૌભાંડનું જાળું મહારાષ્ટ્ર, રાજસ્થાન, હરિયાણા અને અન્ય રાજ્યો સુધી ફેલાયેલું હોવાનું સામે આવ્યું છે.સીબીઆઈએ અત્યાર સુધીમાં અનેક આરોપીઓની ધરપકડ કરી છે.




