Mumbai

ભીખ માગીને ગુજરાન કરતા માતા-પિતાને મહિને 10 હજાર ચૂકવવા શિક્ષક પુત્રને આદેશ

By GS Team
28 May 20262 mins read
ભીખ માગીને ગુજરાન કરતા માતા-પિતાને  મહિને 10 હજાર ચૂકવવા શિક્ષક પુત્રને આદેશ

મજૂરી કરીને સુશિક્ષત બનાવેલો પુત્ર જવાબદારીમાંથી છટક્યો

સોલાપુરના કેસમાં  ૧૫ વર્ષથી એક રુપિયોએ નહીં આપતા પુત્રને પ્રદેશ અધિકારીએ આપ્યો આદેશ

મુંબઈ - હવે અમે થાક્યા છીએ, કામકાજ થતું નહોવાથી ભીખ માગીને ગુજરાન કરી રહ્યા છીએ, ૧૫ વર્ષમાં એક પણ રુપિયો દીકરાએ આપ્યો નહોવાની અરજી પર માતાપિતાને દર મહિને રૃ.૧૦ હજાર આપવાનો આદેશ પ્રાંતાધિકારીએ આપ્યો છે.

ઉત્તર સોલાપુર તાલુકાના કળમણ ખાતે અજ્ઞાાન ગૈબુ વાઘમારે અને બાયડાબાઈ અજ્ઞાાન વાઘમારેએ આઠ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ કરેલી અરજી પર વરિષ્ઠ નાગરિક નિર્વાહ અને કલ્યાણ કાયદા અનુસાર ઉક્ત આદેશ આપવામાં આવ્યો હતો.

અરજીમાં જણાવાયું હતું કે તેમના પુત્ર દશરથને કાળી મજૂરી કરીને ભણાવ્યો ગણાવ્યો હતો. હાલ તે જિલ્લા પરિષદની શાળામાં શિક્ષક તરીકે નોકરી કરે છે. ૧૫ વર્ષથી અમારી કોઈ કાળજી લેતો નથી. અમે હવે થાક્યા છીએ. પુત્રના સાસુ-સસરા અને પત્ની ઝઘડા કરીને મારપીટ કરે છે.

અરજી પર માતા અને પિતાને દરેકને પાંચ હજાર પ્રમાણે મહિનાના દસ હજાર અપાવાનો આદેશ પ્રાંતાધિકારી સદાશિવ પડદુણેએ આપ્યો છે.

પુત્રે માતાપિતાને સન્માનપૂર્વકનો વ્યવહાર કરવો, જૂથ વિકાસ અધિકારીએ પુત્ર દશરથના પગારમાંથી રકમ વસૂલ કરીને માતાપિતાના બેન્ક ખાતામાં જમા કરવી, એમ પણ આદેશમાં જણાવ્યું છે.

અરજી પર પહેલી જાન્યુઆરીએ સુનાવણી રાખી હતી. સુનાવણીની નોટિસ મોડી મળી હોવાથી હાજર રહી શકે તેમ નથી એમ પુત્રે જણાવ્યું હતું. ત્યાર બાદ ૧૨ મેના રોજ સુનાવણીમાં પણ ગેરહાજર રહ્યો હતો. ત્યાર બાદની સુનાવણીમાં ઉક્ત આદેશ આપવામાં આવ્યો હતો.