વર્ષો પૂર્વેગુમ થયેલાં રાજકિરણને શોધી આપનારને સોમી અલી પ૦૦૦ ડોલરનું ઇનામ આપશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

સલમાનખાનની એક સમયની હિરોઇન સોમી અલીની જાહેરાત
ભૂતપૂર્વ હિરોઇન સોમી અલીએ દિવગંત ઋષિ કપૂરને આપેલું વચન નિભાવવા રાજ કિરણની શોધ ચાલુ રાખી છે
મુંબઇ - જેની વર્ષો અગાઉ અચાનક ગુમ થયેલાં લોકપ્રિય અભિનેતા રાજકિરણને શોધી આપનારને સોમી અલીએ ૫૦૦૦ હજાર ડોલર એટલે કે અંદાજે પોણા પાંચલાખ રૃપિયાનું ઇનામ આપવાની ઇન્સ્ટા પર જાહેરાત કરી હતી. સોળ વર્ષથી રાજકિરણને શોધી રહેલી સોમી અલીએ જણાવ્યું હતું કે મેં ઋષિકપૂરને વચન આપ્યું હતું કે હું રાજકિરણની શોધ ચાલુ રાખીશ.મને ચિંતા છે કે રાજકિરણને કોઇએ જબરદસ્તી ક્યાંક ગોંધી ન રાખ્યા હોય.
ઇન્સ્ટાગ્રામ પર એક મોટી પોસ્ટ લખી સોમી અલીએ જણાવ્યું હતું કે એક ફિલ્મના શૂટિંગ દરમ્યાન ઋષિકપૂર સાથે વાત થયાં બાદ મારી આ શોધ શરૃ થઇ હતી. કર્ઝ ફિલ્મની યાદો વાગોળતાં ઋષિ કપૂરે જણાવ્યું હતું કે મેં રાજકિરણ સાથે કર્ઝ ફિલ્મમાં કામ કર્યું હતું પણ તે અચાનક ગાયબ થઇ ગયો છે. સોમી અલીના જણાવ્યા અનુસાર તેમણે એ જ વખતે તેને શોધવાનું નક્કી કર્યું હતું.
સોમી અલીએ જણાવ્યું હતું કે ચિંટુજીનું ૨૦૨૦માં અવસાન થયું ત્યાં સુધી અમારી શોધનું કોઇ નક્કર પરિણામ મળ્યું નહોતું પણ તેમને આપેલાં વચન અનુસાર મેં મારી રીતે રાજકિરણની શોધ કરવાનું કામ ચાલુ રાખ્યું છે. હું સોળ વર્ષથી રાજકિરણને શોધી રહી છું. મેં પ્રાઇવેટ ઇન્વેસ્ટિગેટર્સ પાસેથી મળેલાં સરનામાં પર જઇ લોકોના દરવાજા ખટખટાવ્યા છે. મને ન્યુ યોર્કમાં એક એપાર્ટમેન્ટ મળ્યું જ્યાં તેનો ભાઇ ગોબિંદ, તેની પત્ની જુડી અને પુત્રી અગિયાર વર્ષ ત્યાં રહ્યા હતા. સોમી અલીએ જણાવ્યું હતું કે હું તેમના પરિવારજનોને મળી પણ તેનો કશો ફાયદો ન થયો. લોકોને મદદ કરવાની અપીલ કરતાં સોમી અલીએ જણાવ્યુંહતું કે ઇનામની રકમ મોટીનથી પણ કોઇ સાચું સરનામું આપી શકે, કોઇ મેન્ટલ હેલ્થ કેર કે એપાર્ટમેન્ટનું સરનામું આપી શકે તો પણ તેમને આ ઇનામ આપવામાં આવશે.
એક સમયે ઋષિકપૂરે દાવો કર્યો હતો કે તેના ભાઇ ગોબિંદે મને જણાવ્યું છે કે રાજ જીવે છે ત્યારે મને રાહત થઇ હતી. ઋષિકપૂરે એક પત્રકારને જણાવ્યું હતું કે માનસિક આરોગ્યની સમસ્યાઓને કારણે તેને એટલાન્ટાની એક ઇન્સ્ટિટયુટમાં રાખવામાં આવ્યો હતો. જો કે બાદમાં રાજકિરણની પુત્રી ઋષિકા મહેતાએ આ દાવાને ખોટો ગણાવ્યો હતો.
ઋષિકા મહેતાએ જણાવ્યું હતું કે તે એટલાન્ટામાં નથી. અમે આઠ વર્ષથી તેમને શોધી રહ્યા છીએ. અમે ન્યુ યોર્ક પોલીસની સહાય મેળવી પણ તે ન મળ્યા. તે ગાયબ થયા તે પહેલાં તેમને માનસિક સમસ્યાઓ થઇ હતી. અમે આ મામલે ખાનગી રાહે તપાસ કરતા હતા પણ ખોટા સમાચારો છપાતાં મારે આ સ્પષ્ટતા કરવી પડી છે. કેમ કે આ મારી માતા સાથે અન્યાય કરવા સમાન છે.









