ભઠ્ઠીમાંથી ૧૦ કરોડનુ દાણચોરીનું સોનું પકડાયું

કાલબાદેવીમાં ડીઆરઆઈ દ્વારા દરોડો
દાણચોરીનું સોનું પીગાળી વગે કરાતું હોવાની શંકાઃ બેની ધરપકડ
મુંબઈ - ડિરેક્ટોરેટ ઓફ રેવેન્યુ ઈન્ટેલિજન્સ (ડીઆરઆઈ) એ રવિવારે દક્ષિણ મુંબઈના કાલબાદેવી વિસ્તારમાં સોનાની દાણચોરીના રેકેટનો પર્દાફાશ કરી લગભગ ૧૦ કરોડ રૃપિયાના પાંચ કિલો સોનાના જથ્થા સાથે બે વ્યક્તિની ધરપકડ કરી હતી.
ગુપ્ત માહિતીના આધારે ડીઆરઆઈના મુંબઈ યુનિટે કાલબાદેવીના ધનજી સ્ટ્રીટ પાસે છટકું ગોઠવી સ્વપ્નિલ જાધવ અને સાળુંખેને પકડી પાડયા હતા. 'કુરિયર' તરીકે ઓળખાયેલા આ બંને પાસેથી અખબારોમાં લપેટેલા ૧૩ પીગળેલા સોનાના બાર મળી આવ્યા હતા નિષ્ણાતોએ પૃષ્ટિ કરી હતી કે આ સોનાના જ બાર છે. પકડાયેલા બંને વ્યક્તિ કોઈપણ પ્રકારના દસ્તાવેજો રજૂ કરવામાં નિષ્ફળ ગયા હતા.
ડીઆરઆઈના અધિકારીઓએ આ સંદર્ભે એક ઓફિસની તપાસ હાથ ધરી હતી ત્યાં તેમને સોનુ પીગળવા, કાપવા અને પોલિશ કરવા માટે વપરાતા સાધનો મળી આવ્યા હતા. ડીઆરઆઈના અધિકારીઓએ અહીંથી ભારતીય ચલણી નોૅટો પણ જપ્ત કરી હતી. જેનો ઉપયોગ હવાલા ચેનલો માટે સોનું અને રોકડ પહોંચાડવા અને પ્રાપ્ત કરવા માટે ટોકન તરીકે થતો હોવાની શંકા છે.
જાધવ અને સાળુંખેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા જ્યાં તેમના વકીલે કોર્ટને જણાવ્યું હતું કે તેમને ફસાવવામાં આવ્યા છેે અને આ સોનાનો જથ્થો તેમનો નથી. આ બાબતે ડીઆરઆઈના અધિકારીએ સોનાનો આ જથ્થો ક્યાંથી આવ્યો હતો અને તે કોને પહોંચાડવાનો હતો તેની ઊંડી તપાસ શરૃ કરી છે.









