Mumbai

મુંબઇમાં ફિલ્મ ઉદ્યોગમાં મંદી, બોલીવૂડના કામદારોની આવક ઘટીને અડધી થઇઃ સર્વે

By GS Team
21 May 20262 mins read
મુંબઇમાં ફિલ્મ ઉદ્યોગમાં મંદી, બોલીવૂડના કામદારોની આવક ઘટીને અડધી થઇઃ સર્વે

ફિલ્મ સ્ટારની કમાણી બેફામ પણ કેમેરાની પાછળ કામ કરનારા બેેહાલ

લાઇટ્સમેન, કેમેરા ઓપરેટર્સ, પ્રોડકશન આસિસ્ટન્ટસ, સ્પોટસ્ટાફ અને એકટર્સ સાથે કામ કરતાં જીમ ટ્રેઇનર્સ આર્થિક ભીંસમાં આવ્યા

મુંબઇબોલીવૂડના ફિલ્મ સ્ટાર્સ તોતિંગ કમાણી કરી રહ્યા છે પણ કેમેરાની પાછળ કામ કરતાં કામદારો હાલ આર્થિક ભીંસનો સામનો કરી રહ્યા છે. ઘટતી આવક, અનિયમિત કામ અને વળતરની મોડીં ચૂકવણીને કારણે ઘણાં કામદારો મુંબઇ છોડી વતન ભેગાં થઇ રહ્યા છે તેમ એક ટોપ ઇન્ડિયા સર્વેમાં દાવો કરવામાં આવ્યો હતો. સર્વેના જણાવ્યા અનુસાર ગયા વર્ષની સરખામણીમાં બોલીવૂડના કામદારોની આવકમાં આ વર્ષે લગભગ ૫૦થી ૬૦ ટકાનો ઘટાડો થયો છે.

હાલ મનોરંજન ઉદ્યોગ સાથે સંકળાયેલાં એક હજાર લોકો સાથે વાતચીત કરી તૈયાર કરવામાં આવેલાં સર્વે અનુસાર કામ કરવાની તકો સતત ઘટી રહી છે અને હાલ જે કામ મળે છે તેમાં પણ મહેનતાણું અગાઉ કરતાં ઓછું ચૂકવવામાં આવે છે. લાઇટ્સમેન, કેમેરા ઓપરેટર્સ, પ્રોડકશન આસિસ્ટન્ટસ, સ્પોટ સ્ટાફ અને એકટર્સ સાથે સંકળાયેલાં જીમ ટ્રેઇનર્સને હાલ આર્થિક ભીંસનો સામનો કરવો પડી રહ્યો છે. ફિલ્મમાં વપરાતાં સરંજામ, ટ્રાન્સપોર્ટ પ્રોવાઇડર્સ અને કેમેરા રેન્ટલ કંપનીઓનું કામ પણ ઘટી ગયું છે. મનોરંજન ઉદ્યોગનો મોટો હિસ્સો ફ્રી લાન્સ અને પ્રોજેક્ટ આધારિત કામ કરતો હોઇ પ્રોડકશનમાં સહેજ પણ વિલંબ થાય તો એક જ ફિલ્મ કે શો સાથે સંકળાયેલાં હજારો લોકો પર તેની અસર થાય છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર ફિલ્મ ઉદ્યોગમાં ધીમે ધીમે મંદી ફેલાઇ રહી છે. પ્રોડક્શન બજેટ ટાઇટ થઇ રહ્યા છે અને ઓટીટી પ્લેટફોર્મ પણ હવે ખર્ચ કરતાં વિચાર કરતાં હોઇ નવા પ્રોજેક્ટ  મંજૂર થવામાં વિલંબ થઇ રહ્યો છે. આ કારણોસર ફિલ્મ ઉદ્યોગમાં મંદી પ્રસરી રહી છે અને તેને કારણે જુનિયર આર્ટિસ્ટ્સને પણ કામના વાંધા થઇ ગયા છે. ઘણાં કામદારો કામ મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. મોટાભાગની પ્રોડકશન કંપનીઓ અને સ્ટુડિયો અંધેરી, જુહુ  અને બાન્દ્રા વિસ્તારોમાંથી કામ કરતાં હોઇ આ વિસ્તારોમાં ટકી રહેવાનું ઉંચા ભાડાંઓને કારણે મુશ્કેલ બની રહ્યું છે. જેના કારણે ઘણાં લોકો સાઇડમાં કામચલાઉ નોકરીઓ પણ કરવા માંડયા છે. જે લોકો પાસે આવી તક નથી તેઓ મુંબઇ છોડી તેમના ગામ પાછાં ફરવા માંડયા છે.

ફિલ્મ ઉદ્યોગમાં ઘણાં પ્રોફેશનલ્સને આશા છે કે આગામી સમયમાં પ્રોડકશન પ્રવૃત્તિ વધશે  જ્યારે અન્યો એમ માની રહ્યા છે કે કામદારો મુશ્કેલ સમયમાં ટકી રહે તે માટે ઉપાયો કરવા જોઇએ. હાલ તો મંદીને કારણે બોલીવૂડની ચકાચોંધ ઝાંખી પડી રહી છે અને ફિલ્મ ઉદ્યોગને ચલાવતાં કામદારોની હાલત કફોડી બની રહી છે.