Mumbai

બોરીવલીમાં સ્ટોર મેનેજર દ્વારા જ 2 કરોડની ચાંદીની વસ્તુઓની ચોરી

By GS Team
20 Jun 20262 mins read
બોરીવલીમાં સ્ટોર મેનેજર દ્વારા જ 2 કરોડની ચાંદીની વસ્તુઓની ચોરી

સ્ટોરના આંતરિક ઓડિટમાં પર્દાફાશ બાદ ધરપકડ

અગાઉ માલિકો ઈમાનદારીથી કામ કરનારા  પિતાએ પોતાની ભલામણથી પુત્રને નોકરી અપાવી હતી 

મુંબઈ  -  બોરીવલીના ઓબેરોય સ્કાય સિટી મોલમાં સ્થિત એક રિટેલ આઉટલેટમાંથી લગભગ બે કરોડ રૃપિયાની ચાંદીની વસ્તુઓની ઉચાપત કરવાના આરોપમાં એક સ્ટોર મેનેજરની ધરપકડ કરવામાં  આવી હતી.

કસ્તુરબા માર્ગ પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે, આંતરિક ઓડિટમાં કથિત ચોરીનો પર્દાફાશ થયા બાદ આરોપી દીપેશ રાજેન્દ્રકુમાર જૈનની ધરપકડ કરવામાં આવી હતી.

અધિકારીએ જણાવ્યું હતું કે જૈને છ મહિનાના સમયગાળા દરમિયાન ચાંદીના સામાનની ઉચાપત કરી હતી અને વાસ્તવિક ઇલેક્ટ્રોનિક રેકોર્ડનો નાશ કર્યો હતો. તેણે પોતાનો ટ્રેક છુપાવવા માટે બોગસ ડેટાબેઝ બનાવ્યો હતો.

તે ઘણીવાર શોરૃમમાં વહેલો પહોંચતો અને બંધ થવાના કલાકો પછી મોડો રોકાતો. તેણે કથિત રીતે નકલી ડિલિવરી ચલણ બનાવ્યા, ટ્રાન્ઝેક્શન લોગમાં ફેરફાર કર્યા અને માલિકને વાસ્તવિક ઇન્વેન્ટરી વિશે ગેરમાર્ગે દોરવા માટે બનાવટી મંજૂરી વાઉચર્સ બનાવ્યાં હતાં.

આ છેતરપિંડી નિયમિત નાણાકીય ઓડિટ દરમિયાન પ્રકાશમાં આવી હતી જેમાં ચાંદીની  પાટ અને દાગીના સહિત ૬૬ કિલોગ્રામ ચાંદીના વાસણો ગાયબ હોવાનું દર્શાવવામાં આવ્યું હતું. ચોરીની આ કથિત ઘટના ઓક્ટોબર ૨૦૨૫થી ૩૧ માર્ચ, ૨૦૨૬ના સમયગાળા દરમિયાન બની હતી

ત્યારબાદ માલિક રાહુલ મહેતાએ સીસીટીવી ફૂટેજ અને આંતરિક ડિજિટલ રેકોર્ડની સમીક્ષા કરી અને પોલીસનો સંપર્ક કર્યો.અધિકારીએ જણાવ્યું હતું કે પોલીસે જૈનના ઘરેથી ચોરાયેલી કેટલીક વસ્તુઓ જપ્ત કરી છે, અને વધુ તપાસ કરવામાં આવી રહી છે. દીપેશ  જૈનને આ કામમાં સ્ટાફની જ અન્ય વ્યક્તિઓએ પણ મદદ કરી હોવાની શક્યતા છે. જૈને કોર્ટમાં હાજર કરવામાં આવતા તેને  અદાલતી કસ્ટડીમાં મોકલી દેવાયો હતો.

એવું જાણવા મળ્યું છે કે દિપેશના પિતા પણ પહેલા આ દુકાનના માલિકો સાથે કામ કરતા હતા. તેમની ઈમાનદારી અને પુત્ર માટે તેમણે કરેલ ભલામણ બાદ આરોપીને કામ પર રાખવામાં આવ્યો હતો. પોલીસને શક છે કે ઉચાપત દ્વારા મેળવેલ પૈસા આરોપીએ કોમોડિટી ટ્રેડિંગમાં રોક્યા હતા જેમાં તેને ભારે નુકસાન વેઠવું  પડયું હતું.