Mumbai

સિયાનો નવો દાવો, ટાલ ધરાવતા કેતન સાથે ન હતું પરણવું એટલે તેને મારી નાખ્યો

By GS Team
27 Jun 20262 mins read
સિયાનો નવો દાવો, ટાલ ધરાવતા કેતન સાથે  ન હતું પરણવું  એટલે તેને મારી નાખ્યો

જોકે, કેતનના પરિવારે  દાવો  ફગાવતાં કહ્યું કે કેતન વિગ પહેરે છે  તેની સિયાને સગાઈ પૂર્વેથી  જાણ હતી, એમાં મારવાની ક્યાં જરુર હતી

કેતન માથે વિગ પહેરતો હતો એટલે પસંદ ન હતો

મુંબઈ -   પુણે નજીકના લોહગઢ કિલ્લા પરથી પોતાના મંગેતર કેતન અગ્રવાલને  ૪૦૦ ફૂટ ઊંડી ખીણમાં  ધક્કો મારી દઈ હત્યા કરનારી સિયા ગોયલે હવે  એવો નવો  દાવો કર્યો હોવાનું કહેવાય છે કે કેતન અગ્રવાલને માથે વાસ્તવમાં ટાલ હતી. તે વિગ પહેરતો હતો.  આથી તેને તેની સાથે લગ્ન કરવાની ઈચ્છા ન હતી.

સિયાના દાવા અનુસાર  કેતનને માથે વીગ હોવાથી તેને તેની સાથે પરણવું ન હતું. જોકે, તે આ કારણોસર સગાઈ તોડી નાખે તો તેના પરિવાર માટે  સામાજિક સમસ્યાઓ સર્જાય તેમ હતી. આથી તેના કરતાં તો કેતનની હત્યા કરી તેનો કાંટો કાઢી નાખવાનું સરળ છે એમ સિયાને લાગ્યું હતું. 

જોકે, કેતનના પિતા વિશાલ અગ્રવાલે  સિયાના આ વાહિયાત દાવાને ફગાવતાં કહ્યું હતું કે કેતન સમગ્ર માથાં પર વિગ નહીં પરંતુ એક નાનો પેચ જ ધારણ કરતો હતો. અમે આ વાત સિયા કે તેના પરિવારથી છૂપાવી ન હતી. આ મુદ્દે બંને પરિવારો વચ્ચે ચર્ચા પણ થઈ હતી. સિયાને પહેલેથી ખબર હતી જ કે કેતન માથે  વિગનો એક પેચ પહેરે છે. તેણે તે વખતે વાંધો  લીધો ન હતો.

વિશાલ અગ્રવાલે જણાવ્યું હતું કે જો સિયાને કેતનને માથે ટાલ હોવા વિશે પહેલેથી વાંધો હતો તો તેણે ત્યારે જ સગાઈ માટે ઈનકાર કરી દેવો  જોઈતો હતો. આ મુદ્દે  કેતન સાથે લગ્ન  કરવા તૈયાર ન હોય તો પણ આવા મુદ્દે તે કેતનનો જીવ કેવી રીતે લઈ શકે ?

ઉલ્લેખનીય છે કે અગાઉ  સિયાની માતાએ મીડિયા સમક્ષ દાવો કર્યો હતો કે તેમણે સિયાને વારંવાર તેને કેતન પસંદ છે કે નહિ તે વિશે પૂછ્યું હતું. સિયાએ ત્યારે કેતન સાથે લગ્ન કરવા માટે પોતાની સંમતિ દર્શાવી હતી. સિયાએ ક્યારેય પોતાના પ્રેમ સંબંધ વિશે પરિવારને જણાવ્યું ન હતું.

લોહગઢ ફરવા જવાનો આઇડિયા સિયાનો નહીં પરંતુ કેતનનો હતો તેવા સિયાની માતાના દાવાને પણ  કેતનના પરિવારે ફગાવી  દીધો છે. વિશાલ અગ્રવાલના જણાવ્યા અનુસાર સિયાએ જ કેતનને જન્મદિવસે લોહગઢ જવા જીદ કરી હતી બાકી  અમે તો મહાબળેશ્વરમાં ભવ્ય પાર્ટીનું આયોજન પહેલેથી જ કરી દીધું હતું.