રોહિત શેટ્ટીને ઘરે ફાયરિંગમાં બાબા સિદ્દિકી હત્યા કેસનો આરોપી શુભમ વોન્ટેડ

ઝડપાયેલા ચારમાંથી એક ડિલિવરી બોય, અન્ય એક અભ્યાસ કરે છે
ગોળીબાર બાદ વિલે પાર્લેમાં છોડી દીધું ઃ ફાયરિંગ કરનારે બ્લેક જેકેટ પહેર્યાનું સીસીટીવી ફૂટેજમાં દેખાયું ઃ અગાઉ રેકી કરી હોવાની ધારણા
મુંબઈ - મુંબઈના જુહૂ વિસ્તારમાં ફિલ્મ નિર્માતા રોહિત શેટ્ટીના ઘરે ગોળીબાર કરવાના કેસમાં લોરેન્સ બિશ્નોઈ ગેંગના સભ્ય શુભમ લોનકરને વોન્ટેડ આરોપી તરીકે દર્શાવવામાં આવ્યો છે, એમ એક પોલીસ અધિકારીએ સોમવારે જણાવ્યું હતું. પ્રખ્યાત ફિલ્મ નિર્માતાના નવ માળના રહેણાંક ટાવર પર રવિવારે રાત્રે લગભગ ૧૨.૪૫ વાગ્યે પાંચ રાઉન્ડ ગોળીબાર કરવામાં આવ્યો હતો.એમાંથી એક ગોળી બિલ્ડિંગમાં આવેલા જીમના કાચ પર વાગી હતી.
લોનકર ઓક્ટોબર ૨૦૨૪માં એનસીપી નેતા અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મંત્રી બાબા સિદ્દીકીની હત્યામાં વોન્ટેડ આરોપી છે.સિદ્દીકીની બાંદ્રા પૂર્વમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.
પોલીસના જણાવ્યા મુજબ લોનકરે સોશિયલ મીડિયા પોસ્ટમાં ગોળીબારની ઘટનાની જવાબદારી સ્વીકારી હતી. ફિલ્મ નિર્માતાને મારવાના ઈરાદાથી ગોળીબાર કરવામાં આવ્યો હતો. તે સમયે મેહમૂદ ચોક ખાતે રોડ નંબર ૧૦ પર આવેલા શેટ્ટી ટાવરના સાતમા માળે સ્થિત તેમના નિવાસસ્થાનમાં હતા.
જુહુ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા, મહારાષ્ટ્ર પોલીસ એક્ટ અને આર્મ્સ એક્ટ હેઠળ હત્યાના પ્રયાસ, ગુનાહિત કાવતરું અને અન્ય ગુનાઓ માટે કેસ નોંધવામાં આવ્યો હતો.આ ગુનામાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના એન્ટી એક્સટોર્શન સેલએ પણ તપાસ શરૃ કરી હતી. અત્યાર સુધીમાં ચાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
અધિકારીએ ઉમેર્યું કે પાંચ રાઉન્ડ ફાયરિંગ કરનાર આરોપી ફરાર છે.તેને અને અન્ય સહયોગીઓને પકડવા માટે ઘણી ટીમો બનાવવામાં આવી છે.
ધરપકડ કરાયેલા આરોપીઓમાં સ્વપ્નિલ બંધુ સકટ (ઉ.વ.૨૩), સમર્થ પોમાણી (ઉ.વ.૧૯), સિદ્ધાર્થ યેનપુરે (ઉ.વ.૧૯ ) અને આદિત્ય ગાયકી (ઉ.વ.૧૯)નો સમાવેશ છે.આરોપીઓ પુણેના વડગાંવ, ધાયરી અને કર્વે રોડ વિસ્તારના રહેવાસી છે. આ ચાર પર ગુનામાં વપરાયેલ સ્કૂટર અને લોજિસ્ટિક સપોર્ટ પૂરો પાડવાનો આરોપ છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે સકટ બેરોજગાર છે, પોમાણી કોલેજમાં અભ્યાસ કરે છે, જ્યારે યેનપુરે અને ગાયકી એપ આધારિત એગ્રીગેટર્સ સાથે ડિલિવરી બોય તરીકે કામ કરે છે. ચારમાંથી એકના નામે અગાઉ કેસ નોંધાયેલો છે.
ફાયરિંગ માટે વપરાયેલ હથિયાર સારી ગુણવત્તાનું છે. સ્કૂટર વિલે પાર્લે વેસ્ટ ખાતે સેન્ટ જોસેફ ચર્ચ રોડ પર કિંગ્સ હોટલ પાસે ત્યજી દેવાયેલ હાલતમાં મળી આવ્યું હતું,એમ અધિકારીએ જણાવ્યું હતું.
આ કેસમાં ફરિયાદી ૩૧ વર્ષીય સુરક્ષા ગાર્ડ છે.તે શેટ્ટીના નિવાસસ્થાને તૈનાત છે. ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે સામાન્ય રીતે બિલ્ડિંગમાં ત્રણ ખાનગી રક્ષકો અને ફિલ્મ નિર્માતાની સુરક્ષા માટે બે પોલીસ કર્મચારીઓ તૈનાત હોય છે.
ફરિયાદ મુજબ બે સુરક્ષા ગાર્ડ સીસીટીવી સ્ક્રીન પર નજર રાખી રહ્યા હતા અને એક પોલીસ કર્મચારી બિલ્ડિંગના છઠ્ઠા માળે ભોજન કરી રહ્યો હતો ત્યારે ફરિયાદીએ ફટાકડા ફૂટવા જેવો અવાજ સાંભળ્યો હતો.
આ પછી તેણે સીસીટીવી કેમેરાનું નિરીક્ષણ ફરી શરૃ કર્યું .કાળા જેકેટ અને સફેદ પેન્ટ પહેરેલા એક વ્યક્તિને પિસ્તોલથી ફાયરિંગ કરતા જોયો હતો, એમ અધિકારીએ ફરિયાદને ટાંકીને જણાવ્યું હતું.
પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યા પછી આરોપી સ્કૂટર પર ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો.પોલીસને ઘટનાસ્થળેથી પાંચ ખાલી રાઉન્ડ મળી આવ્યા છે. ધરપકડ કરાયેલા ચાર આરોપીઓના મોબાઇલ ફોન જપ્ત કરવામાં આવ્યા છે. આ પિસ્તોલ ગોળીબાર કરનારને કેવી રીતે મળી તે શોધવા માટે પણ તપાસ ચાલી રહી છે,એમ તેમણે કહ્યું હતું.
અધિકારીએ જણાવ્યું હતું કે આ ગુના માટેની આથક મદદની માહિતી મેળવવા અને આરોપીઓએ ફિલ્મ નિર્માતાના મકાનની જાસૂસી કરી હતી કે કેમ એવા અન્ય પાસાઓની પણ તપાસ કરવામાં આવી રહી છે.




