શિર્ડીમાં ભક્તોને લૂંટતી દુકાનોને સીલ કરી દંડ વસૂલાયો

ભાવપત્રક મૂકવાનું ફરજિયાત
અનેક દુકાનદારો ૨૦૦ની પૂજાસામગ્રીના બે હજાર પડાવતા હોવાની ફરિયાદો
મુંબઇ
- દરરોજ હજારો દર્શનાર્થીઓની અવરજવરથી ધમધમતા સાઇનગર શિર્ડીમાં
ભક્તો પાસેથી મનફાવે એટલા પૈસા પડાવતા પૂજાની સામગ્રી અને ફૂલહાર વેચતી દુકાનો સીલ
મારવાની અને હજારો રૃપિયાનો દંડ વસૂલ કરવાની શરૃઆત કરવામાં આવી છે.
શિર્ડીમાં ભક્તો પગ મૂકે ત્યારથી એજન્ટો પાછળ પડી જાય છે. ઝડપથી દર્શન
કરાવવાની અને બીજી લાલચો આપી આ એજન્ટો ચોક્કસ દુકાને લઇ જાય છે. આ દુકાનદારો ઘણી
વાર ૨૦૦ રૃપિયાની પૂજાની સામગ્રી અને ફૂલહારના બે હજાર રૃપિયા સુધીની રકમ ભક્તો
પાસેથી પડાવે છે. પૂજાની સામગ્રી અને ફૂલહારના ભાવનું ફલક દરેક દુકાનોમાં
લગાવવાનું ફરજિયાત છતાં અમલ થતો નથી.
શિર્ડી નગરપરિષદના મુખ્ય અધિકારી સતીષ દીઘેએ મિડિયાને જણાવ્યું હતું કે
કોઇ પણ દુકાનદાર વધુ પૈસા પડાવે છે એ પૂરવાર થશે તો દુકાનને સાત દિવસ સીલ કરી
દેવામાં આવશે અને પાંચ હજારનો દંડ કરવામાં આવશે. એ જ દુકાનદાર બીજી વાર વધુ પૈસા પડાવતા પકડાશે તો
દુકાનને ૧૫ દિવસ સીલ મારવામાં આવશે અને દસ હજારનો દંડ વસૂલ કરવામાં આવશે. જો
ત્રીજી વખત દુકાનદાર પકડાશે તો એક મહિનો દુકાનને સીલ કરવામાં આવશે અને ૨૫ હજાર દંડ
પેટે વસૂલ કરવામાં આવશે.




