સુપ્રીમ કોર્ટે જામીન ફગાવ્યા બાદ આખરે શિવસેનાના નગરસેવક રમેશ મ્હાત્રે જેલમાં
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ડોમ્બિવલીમાં પાલિકાના ડોક્ટરો પર હુમલાના કેસમાં સરન્ડર
બોમ્બે હાઈકોર્ટ દ્વારા અપાયેલા જામીન સુપ્રીમે રદ કર્યા હતા ઃ મ્હાત્રે સહિત ચારેય આરોપીઓને આધારવાડી જેલમાં મોકલી અપાયા
મુંબઇ - ડોમ્બિવલીમાં કેડીએમસી સંચાલિત શાસ્ત્રીનગર હોસ્પિટલમાં ડોક્ટરો પર હુમલાના કેસમાં આરોપી શિંદેસેનાના નગરસેવક રમેશ મ્હાત્રે અને અન્ય ત્રણ સહ-આરોપીઓના જામીન સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા બાદ રવિવારે તેમણે સરન્ડર કર્યું હતું. ત્યારબાદ તેમને ન્યાયધીશ સંતોષ આગે સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા જેમણે આ ચારેયને ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યા હતા.
ત્યારબાદ પોલીસે તેમને કસ્ટડીમાં લીધા હતા અને તેમની રવાનગી આધારવાડી જેલમાં કરી હતી. તેમના જામીન રદ્દ કરતી વખતે સર્વોચ્ચ અદાલતે ટિપ્પણી કરી હતી કે તબીબી સમુદાય પર હુમલો ન થવો જોઈએ એ મેસેજ સ્પષ્ટ રીતે પહોંચવો જોઈએ.
રમેશ મ્હાત્રે કલ્યાણ- ડોમ્બિવલીના નગરસેવક છે ડોમ્બિવલીની શાસ્ત્રીનગર હોસ્પિટલમાં મહિલા ડોક્ટર અને નર્સો પર હુમલો કરવા પ્રકરણે તેઓ ચર્ચામાં આવ્યા હતા. આ સમગ્ર પ્રકરણમાં પોલીસે દોષીઓ પર ૧૮૩૨ પાનાનું આરોપનામું ઘડી કાઢયું હતું. સુપ્રીમ કોર્ટે તેમના જામીન ફગાવ્યા બાદ તેમણે આત્મસમર્પણ કર્યા બાદ રમેશ મ્હાત્રે સહિત ચારેય આરોપીઓને આધારવાડી જેલમાં મોકલી આપવામાં આવ્યા હતા.
બોમ્બે હાઇકોર્ટે રમેશ મ્હાત્રેને આપેલ જામીન સુપ્રીમ કોર્ટે રદ્દ કર્યા હતા અને 'ડોક્ટરો તેમજ તબીબી ક્ષેત્ર સાથે સંકળાયેલા કર્મચારીઓ પરના હુમલા સાંખી લેવામાં નહી આવે' તેમ કડકાઈથી જણાવ્યું હતું.
આ સાથે જ રમેશ મ્હાત્રેને પાંચ ઓક્ટોબર સુધીમાં શરણે આવવાની તાકીદ કરી હતી. સુપ્રીમ કોર્ટના જસ્ટીસ વિક્રમ નાથ અને જસ્ટીસ સંદીપ મહેતાની બેન્ચે આ નિર્ણય લીધો હતો તેમણે નોંધ્યું કે રમેશ મ્હાત્રે સામે અગાઉથી જ ૧૯ ગુનાની નોંધ કરવામાં આવી છે. તેથી સર્વોચ્ચ અદાલતે નીચલી અદાલતો અને હાઇકોર્ટના જામીન આપવાના નિર્ણયને અયોગ્ય ઠેરવી તેમના જામીન ફગાવી દીધા હતા. સુપ્રીમ કોર્ટના ન્યાયધીશોએ નોંધ્યું હતું કે 'તબીબી ક્ષેત્ર અને ડોક્ટરો પર આ રીતે હુમલા કરી શકાય નહી અને જો આરોપીને જામીન પર છોડવામાં આવશે તો કેસ પર પ્રતિકૂળ અસર કરી શકે છે.'




