શિર્ડી પાસે વર્ષે 5 લાખ બોમ્બ શેલ, મિસાઈલના પાર્ટસ બનશે

દેશનાં સૌથી મોટાં ડિફેન્સ હબનું ૨૩મીએ ઉદ્ધઘાટન
ટેન્ક- વિમાનોના પાર્ટસ બનશે, ચીન પછી તોપના ગોળાનું બીજું મોટું ઉત્પાદન મથક
મુંબઇ
- દેશની સરહદ પર કોઇ પડકાર
ઉભો થાય ત્યારે પાંચ- પાંચ લાખ આર્ટીલરી બોમ્બ શેલ પૂરા પાડી શકે એવાં દેશના સૌથી
મોટા ડિફેન્સ હબની સાંઇનગર શિર્ડીમાં સ્થાપના થઇ છે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ
૨૩મી મેના રોજ આ ડિફેન્સ હબનું ઉદ્ઘાટન કરશે.
શિર્ડી એમઆઇડીસીમાં ૨૦૦ એકરના
વિશાળ પરિસરમાં ત્રણ હજાર કરોડના ખર્ચે
માત્ર એક જ વર્ષમાં રચાયેલા આ ડિફેન્સ હબમાં ૧૫૫ એમ.એમ., ૧૨૦
એમ.એમ, એલ-૫૦ અને ૧૨૫ એમએમના આધુનિક આર્ટીલરી બોમ્બ શેલનું
ઉત્પાદન થશે. દર વર્ષે જુદા જુદા પ્રકારના પાંચ લાખ બોમ્બ શેલનું ઉત્પાદન કરવામાં
આવશે.
બોમ્બ શેલ ઉપરાંત ટેન્કો માટેના છુટા ભાગો, મિસાઇલ સબ- સિસ્ટમ્સ,
પિનાકા અને બ્રહ્મોસ મિસાઇલના કેનિસ્ટર્સ, વિમાનોના
સ્પેરપાર્ટસ, જેટ એન્જિનના છુટા ભાગ તેમજ જેટ એન્જિનના
સ્પેરપાર્ટસનું આ જગ્યાએ ઉત્પાદન કરવામાં આવશે.
ચીન પછી આટલા મોટા પાયે તોપના
ગોળા (બોમ્બ શેલ) અને અન્ય શસ્ત્ર- સરંજામનું ઉત્પાદન કરનારું આ દેશનું સૌથી મોટું
ડિફેન્સ હબ હશે.
અહીં ટીએનટી, આરડીએક્સ
અને એચએમએક્સ વિસ્ફોટકોનું પણ ઉત્પાદન કરવામાં આવશે. ભવિષ્યમાં ૩૨૦૦ એકરમાં આ
પ્રોજેક્ટને વિસ્તારવામાં આવશે. આ પ્રોજેક્ટને લીધે ભવિષ્યમાં સંરક્ષણ ઉત્પાદનો
માટે બીજા દેશ પર નિર્ભર રહેવું નહીં પડે. આ જગ્યાએ જ સ્થાનિક યુવકોને તાલીમ આપવા
માટે સ્કિલ ટ્રેનિંગ સેન્ટર ઊભું કરવામાં આવશે. ઉપરાંત બાયો સીએનજી પ્લાન્ટ પણ
સ્થાપવામાં આવશે. આ પ્લાન્ટમાં ભવિષ્યમાં દરરોજ એક લાખ સીએનજી સિલિન્ડરોનું
ઉત્પાદન થઇ શકશે એવી માહિતી અપાઈ હતી.









