Mumbai

ડોક્ટરોને મારનારા શિંદે સેનાના કોર્પોરેટર રમેશ મ્હાત્રેને ૧૩મી સુધીના રિમાન્ડ

By GS Team
11 Jul 20262 mins read
TukuTouch Logo
મુંબઈમાં ડોમ્બિવલીની હોસ્પિટલમાં 2 ડોકટરો પર હુમલા કેસમાં શિવસેનાના કોર્પોરેટર રમેશ મ્હાત્રે અને 3 સાથીઓને કોર્ટે 13 જુલાઈ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલ્યા છે. શરૂઆતમાં વીડિયો કોન્ફરન્સથી હાજર રહેવાનો પ્રયાસ નિષ્ફળ રહ્યો. ત્યારબાદ, કડક સુરક્ષા વચ્ચે તેમને કોર્ટમાં રુબરુ હાજર કરાયા હતા. આ હુમલા બાદ બંને ડોકટરોએ રાજીનામું આપ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ડોક્ટરોને મારનારા  શિંદે સેનાના કોર્પોરેટર રમેશ મ્હાત્રેને ૧૩મી સુધીના રિમાન્ડ

મ્હાત્રે ઉપરાંત તેમના ત્રણ સાથીદારોને પણ રિમાન્ડ

નાદુરસ્ત તબિયતના બહાને વિડીયો કોન્ફરન્સિંગથી હાજરીના ઈરાદા ધૂળમાં મળતાં છેવટે કોર્ટમાં આરોપી તરીકે રુબરુ હાજર

મુંબઈ -  ડોમ્બિવલીમાં કલ્યાણ- ડોમ્બિવલી મહાપાલિકા સંચાલિત હોસ્પિટલમાં બે ડોક્ટરો અને તબીબી કર્મચારીઓ પર હુમલો કરવાના આરોપમા થાણે જિલ્લાની એક કોર્ટે શુક્રવારે શિવસેનાના કોર્પોેરેટર રમેશ મ્હાત્રે અને તેમના ત્રણ સાથીઓને ૧૩ જુલાઈ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દીધા છે.

બુધવારે પોલીસે મ્હાત્રેની ધરપકડ કરી હતી, જ્યારે આ ઘટનામાં સામેલ તેના ત્રણ સાથીદારોને એક દિવસ પહેલા જ પકડી લેવામાં આવ્યા હતા.

કલ્યાણ ડોમ્બિવલી મ્યુનિસિપલ કોર્પોરેશન (કેડીએમસી) દ્વારા સંચાલિત શાી નગર હોસ્પિટલમાં સોમવારે સાંજે મ્હાત્રેએ  મેડિકલ ઓફિસર ડો. વૈભવ સાલુંખે અને નિવાસી તબીબી અધિકારી ડો. સૃષ્ટિ બાવિસ્કર પર હુમલો કરી તેમને ફટકાર્યા હતા. પોલીસે શરુઆતમાં ફરિયાદ લેવાનો ઈનકાર કર્યો હતો પરંતુ ભારે લોકરોષને પગલે નાછૂટકે તેમની સામે ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી. જોકે, ધરપકડ થઈ કે તરત જ મ્હાત્રે પોતાને છાતીમાં દુઃખાવો થાય છે તેમ જણાવી થાણે સિવિલ હોસ્પિટલમાં દાખલ થઈ ગયા હતા.

મ્હાત્રેએ પોતાને કોર્ટમાં રુબરુ હાજર ન થવું પડે તેવા પ્રયાસો પણ કર્યા હતા. પોલીસે શરૃઆતમાં કોર્ટ પાસેથી તેમને વીડિયો કોન્ફરન્સ દ્વારા રજૂ કરવાની પરવાનગી માંગી હતી. જોકે, કલ્યાણ ખાતેના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ કે.એસ. કાટકડેએ વિનંતી ફગાવી દીધી હતી અને પોલીસને તેમને રૃબરૃ હાજર કરવાનો નિર્દેશ આપ્યો હતો.

તે મુજબ, કડક સુરક્ષા વચ્ચે લંચ પછી મ્હાત્રેને હોસ્પિટલમાંથી કોર્ટમાં લઈ જવામાં આવ્યા હતા. કોર્ટ પરિસરમાં મોટી સંખ્યામાં પોલીસ તૈનાત કરવામાં આવી હતી અને કોર્ટરૃમ ખીચોખીચ ભરેલો હતો.

બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ, કોર્ટે ચારેય આરોપીઓને ૧૩ જુલાઈ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો.

ચાર આરોપીઓ, એક મહિલા સમર્થક સાથે ભારતીય ન્યાય સંહિતા કલમ ૧૩૨ (જાહેર સેવકને તેમની ફરજ બજાવવાથી રોકવા માટે હુમલો અથવા ગુનાહિત બળ), ૧૨૧(૧) (સ્વૈચ્છિક રીતે નુકસાન પહોંચાડવું), ૩૫૧(૧) (ગુનાહિત ધાકધમકી), ૩૫૨ (શાંતિનો ભંગ કરવાના ઇરાદાથી હેતુપૂર્વક અપમાન), ૧૮૯(૨) (ગેરકાયદેસર જમાવડો) અને ૧૯૧(૨) (હુલ્લડો) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે મ્હાત્રે દ્વારા હુમલા બાદ ભારે ડરી ગયેલા અને હિણપત અનુભવી રહેલા બંને ડોક્ટરોએ ફરજ પરથી રાજીનામાં ધરી દીધાં છે.