ઘાટકોપરમાં ચાલ પર ટેકરીનો ભાગ તૂટી પડતાં સાતનાં મોત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વહેલી પરોઢે ભારે વરસાદ દરમિયાન ભૂસ્ખલન થયું
ટેકરી ધસતાં બેથી ત્રણ ઘરો દટાઈ ગયાં ઃ મૃતકોમાં બેથી ૧૪ વર્ષનાં ત્રણ બાળકો સામેલઃ અલ્ટ્રા સેન્સર તથા ડ્રોનથી બચાવ કામગીરી
મુંબઈ - ઘાટકોપર વિસ્તારમાં બુધવારે વહેલી પરોઢે ભારે વરસાદને કારણે ભૂસ્ખલન થતાં સાત લોકોના મોત થયાં હતાં અને બીજા સાતથી આઠ લોકો ઘાયલ થયા હતા. છ થી સાત કલાકની અથાક મહેનત પછી સાત લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. મૃતકોમાં બે થી ૧૪ વર્ષના ત્રણ બાળકોનો સમાવેશ થાય છે.
ઘાટકોપરના ચિરાગ નગરના અશોક નગર વિસ્તારમાં ગૌશિયા ચાલ ખાતે સવારે ૩.૪૮ વાગ્યે ે ટેકરી પરથી માટી અને કાટમાળનો એક ભાગ બે થી ત્રણ ઘરો પર તૂટી પડયો હતો. જેના કારણે જાનહાનિ અને નુકસાન થયું હતું.
દરમિયાન ઘટનાની માહિતી મળતા જ પાલિકા,ફાયર બ્રિગેડ, નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ અને પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. તેમણે કાટમાળ નીચે ફસાયેલા રહેવાસીઓને બચાવવા માટે યુદ્ધના ધોરણે બચાવ કામગીરી હાથ ધરી હતી. કાટમાળ નીચે દબાયેલા લોકોને શોધવા માટે અલ્ટ્રા સેન્સર મશીનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આમાં મદદ માટે ડ્રોનનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. કાટમાળમાંથી લોકોને બહાર કાઢીને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ઘાટકોપરની મહાનગરપાલિકા સંચાલિત રાજાવાડી હોસ્પિટલમાં સાત લોકોને મૃત જાહેર કરવામાં આવ્યા હતા, એમ તેમણે જણાવ્યું હતું.
અધિકારીઓના જણાવ્યા અનુસાર અસરગ્રસ્ત વિસ્તાર સુધી પહોંચવાનો રસ્તો અત્યંત સાંકડો હોવાથી બચાવ કામગીરીમાં પડકારોનો સામનો કરવો પડયો હતો.
મુંબઈના મેયર રિતુ તાવડેએ બચાવ કામગીરીનું નિરીક્ષણ કરવા માટે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. તેઓ અસરગ્રસ્ત પરિવારોને પણ મળ્યા હતા. મેયરે દરેક મૃતકના પરિવારને ચાર લાખ રૃપિયા અને દરેક ઘાયલ વ્યક્તિને તબીબી સારવાર માટે રૃ. ૫૦ હજારની તાત્કાલિક આથક સહાયની જાહેરાત કરી હતી.
આ સ્થળે રહેતા લોકોને સલામત સ્થળે પુનર્વસન કરવામાં આવશે. આ માહિતી મ્યુનિસિપલ વહીવટીતંત્ર દ્વારા પણ આપવામાં આવી છે . અગાઉ આ જોખમી ખતરનાક હોવાથી ત્યાં રહેતા લોકોને નોટિસ ફટકારવામાં આવી હોવાનું પણ કહેવામાં આવ્યું છે .
બીએમસીએ જણાવ્યું હતું કે તેઓ નિયમિતપણે રહેવાસીઓને ચેતવણી આપે છે અને તેમને ભૂસ્ખલન અથવા પથ્થર પડવાની સંભાવના ધરાવતા સંવેદનશીલ વિસ્તારોમાંથી સ્થળાંતર કરવાની સલાહ આપે છે. ચોમાસા પહેલાના સાવચેતીના પગલાંના ભાગ રૃપે નોટિસ પણ જારી કરવામાં આવે છે.
ઘાટકોપરના અશોક નગરમાં ટેકરી નંબર ૩ ની આસપાસના વિસ્તારના રહેવાસીઓ માટે ભૂસ્ખલનના જોખમ અંગે પાલિકા વહીવટીતંત્રે પણ ચેતવણીઓ જારી કરી હતી અને જાગૃતિ અભિયાન ચલાવ્યું હતું, એમ તેમાં જણાવાયું છે.
મૃતકો અને ઘાયલોની યાદી
મૃતકોની ઓળખ મોહમ્મદ સમીર અંસારી (૧૪), સાહિલ હુસેન અબ્દુલ કાઝી (૧૯), આશરે ૪૫ વર્ષનો એક અજાણ્યો વ્યક્તિ, અબાન આરિફ શેખ (બે વર્ષ ), મનત આરિફ શેખ (ચાર વર્ષ ), મર્જીના આરિફ શેખ (૨૭) અને વિકેત રમેશ યાદવ (૨૭) તરીકે થઈ છે. ત્રણ ઘાયલ વ્યક્તિઓ ફરાના દિલબર ખાન (૨૮), દિલબર અમનુલ્લા ખાન (૩૮) અને શમીન મુસ્લિમ ખાન (૨૬)ને રાજાવાડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાઅન્ય ચાર ઘાયલ વ્યક્તિઓ સોહેલ અંસારી (૧૮), મોહમ્મદ અંસારી (૧૪), નૈમુદ્દીન ઇકબાલ ખાન (૨૮) અને સાજિદ અંસારી (૧૬) ને કુર્લાની મહાનગરપાલિકા સંચાલિત ભાભા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.




